‘નલ સે જલ’ કૌભાંડમાં ગુજરાત ફર્સ્ટના ધારદાર અહેવાલનો પડઘો : વાસ્મોના ટેક્નિકલ આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ
- ગુજરાત ફર્સ્ટના ધારદાર અહેવાલનો જોરદાર પડઘો
- ગુજરાત ફર્સ્ટના અહેવાલમાં 'નલ સે જલ' કૌભાંડનો ખુલાસો
- વાસ્મોના ટેક્નિકલ આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ
- આસિસ્ટન્ટ મેનેજર કૃપાલસિંહ બારિયાની ધરપકડ
- સંતરામપુરમાં નોકરી કરતો હતો આરોપી કૃપાલસિંહ
- પંચમહાલના શહેરાથી આરોપી કૃપાલસિંહ ઝડપાયો
- 'નલ સે જલ' યોજનામાં થઈ હતી બેફામ ગેરરીતિ
- ગુજરાત ફર્સ્ટે ગામડે ગામડે ફરીને કૌભાંડને કર્યું હતું ઉજાગર
ગોધરા : ગુજરાતમાં ‘નલ સે જલ’ યોજનામાં થયેલા કથિત રૂ. 123 કરોડના કૌભાંડમાં ગુજરાત ફર્સ્ટના ધારદાર અહેવાલની જોરદાર અસર જોવા મળી છે. આ કૌભાંડની તપાસમાં CID ક્રાઈમે મહત્વની કાર્યવાહી કરતાં વાસ્મો (વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન)ના ટેક્નિકલ આસિસ્ટન્ટ મેનેજર કૃપાલસિંહ બારિયાની શહેરા (પંચમહાલ)થી ધરપકડ કરી છે. આ કૌભાંડનો પર્દાફાશ ગુજરાત ફર્સ્ટના ગામડે-ગામડે ફરીને કરેલા તપાસ અહેવાલના પરિણામે થયો હતો, જેના કારણે સરકારી તંત્રને કડક પગલાં લેવાની ફરજ પડી છે.
કૌભાંડની વિગતો શું છે?
‘નલ સે જલ’ યોજના જેનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં દરેક ઘરમાં સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવાનો હતો, તેમાં મહિસાગર જિલ્લામાં બેફામ ગેરરીતિઓ સામે આવી છે. ગુજરાત ફર્સ્ટના તપાસ અહેવાલમાં ખુલાસો થયો હતો કે, ગોધરા અને શહેરા તાલુકામાં પાઈપલાઈન નાખવા, વોટર પોસ્ટ બનાવવા જેવાં કામો કાગળ પર જ પૂર્ણ થયેલા બતાવવામાં આવ્યા, જ્યારે હકીકતમાં આવા કામો અધૂરા હતા અથવા થયા જ ન હતા. ખોટા દસ્તાવેજો અને બોગસ બિલો બનાવીને 123.22 કરોડ રૂપિયાની નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હતી. આ કૌભાંડમાં વાસ્મોના 12 અધિકારીઓ અને કર્મચારીઓ સામે ગુનો નોંધાયો હતો, જેમાંથી કૃપાલસિંહ બારિયા એક મુખ્ય આરોપી તરીકે ઝડપાયો છે.
આ પણ વાંચો-ગુજરાતની જેલોમાં સુધારણા : કેદીઓના બાળકો અને વૃદ્ધો માટે નવી યોજનાની જાહેરાત
કૃપાલસિંહ બારિયાની ધરપકડ
CID ક્રાઈમે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતેથી કૃપાલસિંહ બારિયાને ઝડપી પાડ્યો હતો. કૃપાલસિંહ સંતરામપુર ખાતે વાસ્મોના ટેક્નિકલ આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. તેની ધરપકડ આ કૌભાંડની તપાસમાં એક મહત્વની કડી ગણાય છે, કારણ કે તેની પૂછપરછથી અન્ય આરોપીઓ અને ગેરરીતિના મૂળ સુધી પહોંચવામાં મદદ મળી શકે છે. અગાઉ, મહિસાગર જિલ્લાના લુણાવાડા વાસ્મો કચેરીના પૂર્વ આસિસ્ટન્ટ મેનેજર મૌલેશ હિંગુની પણ કરમસદથી ધરપકડ કરવામાં આવી હતી, જેને 13 દિવસના રિમાન્ડ પર લેવાયો હતો.
આ પણ વાંચો-Assembly : નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર,ગૃહમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલનો પડઘો
ગુજરાત ફર્સ્ટનો રોલ
ગુજરાત ફર્સ્ટે આ કૌભાંડને ગામડે-ગામડે ફરીને ઉજાગર કર્યું હતું, જેના પરિણામે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આ મામલે ગંભીર નોંધ લીધી હતી. ગુજરાત ફર્સ્ટના અહેવાલમાં સામે આવ્યું હતું કે, મહિસાગર જિલ્લાના 620 ગામોમાં પાણીની પાઈપલાઈન અને ઘરેલુ કનેક્શનના નામે ખોટા બિલો બનાવવામાં આવ્યા હતા. આ અહેવાલની અસરથી વાસ્મોના વિજિલન્સ વિભાગે તપાસ શરૂ કરી અને 27 કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા, જ્યારે સાત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કૌભાંડની અસર
‘નલ સે જલ’ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છ પાણી પહોંચાડવાનું લક્ષ્ય હતું, પરંતુ આ કૌભાંડે યોજનાની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે. ખોટા દસ્તાવેજો બનાવીને અધૂરા કામોને પૂર્ણ બતાવવા અને બિનઅધિકૃત એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપીને નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો. આ ગેરરીતિઓથી ગ્રામીણ વિસ્તારોના લોકો સ્વચ્છ પાણીથી વંચિત રહ્યા, જેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
આ પણ વાંચો- Rain in Gujarat : સ્વાતંત્ર્ય દિને મેઘરાજા મહેરબાન, આ જિલ્લાઓમાં વરસ્યા ધોધમાર, ખેડૂતોમાં ખુશી


