Ahmedabad Rath Yatra : અમદાવાદની રથયાત્રામાં 22 કરોડનો ખર્ચ, સૌથી મોટી રકમ ક્યાં ખર્ચાય છે ?
Ahmedabad Rath Yatra : દેશના ઘણા રાજ્યોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઉજવાય છે, પરંતુ સૌથી વધુ પ્રખ્યાત અને મહત્વપૂર્ણ રથયાત્રાઓમાં ઓડિશાની જગન્નાથપુરી અને ગુજરાતની અમદાવાદની રથયાત્રા (Ahmedabad Rath Yatra) સામેલ છે. અષાઢ સુદ બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથમાં બેસી અમદાવાદમાં લગભગ દોઢ સદીથી ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળે છે. આ વર્ષે નીકળેલી 148મી Ahmedabad Rath Yatra પાછળ 22 કરોડ રૂપિયાથી પણ વધુનો ખર્ચ થયો છે. દસકાઓ અગાઉ હજારો અને લાખોમાં થતો ખર્ચ હવે કરોડોમાં પહોંચી ગયો છે. અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં નીકળતી 200થી વધુ રથયાત્રાઓનો ખર્ચ ગણીએ તો તે 25 કરોડને આંબી જાય.
મંદિર યાત્રા યોજે, સરકાર ખર્ચ ઉઠાવે
અમદાવાદ જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર (Jagannath Mandir Ahmedabad) દસકાઓથી રથયાત્રાનું આયોજન કરે છે. કહેવાય છે કે, 400 વર્ષ અગાઉ રામાનંદી સંત હનુમાનદાસજીએ જગન્નાથ મંદિર ખાતે ગાદીની સ્થાપના કરી હતી. ત્યારબાદ ગાદીપતિ સારંગદાસજી મહારાજને ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યા અને ત્યારથી રથયાત્રા પરંપરા શરૂ થઈ છે. પ્રથમ વખત Ahmedabad Rath Yatra વર્ષ 1978ની 2 જુલાઈના નીકળી હતી અને 1879માં પ્રથમ વખત સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીનું મોસાળું કરવામાં આવ્યું હતું. જગન્નાથ મંદિર ભક્તોના ફાળાથી થયેલી આવક થકી સમગ્ર રથયાત્રાનું આયોજન કરે છે. જ્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતનો તમામ ખર્ચ ગુજરાત સરકાર (Gujarat Government) ઉપાડે છે.
રથયાત્રામાં સુરક્ષાને સૌથી પહેલું પ્રાધાન્ય
આ વર્ષ પરંપરાગત રીતે અમદાવાદમાં 148મી રથયાત્રા રથયાત્રા નીકળી છે. વર્ષ 2001 બાદ Ahmedabad Rath Yatra માં એકપણ કોમી તોફાનનો બનાવ નોંધાયો નથી. ભૂતકાળમાં જૂજ કિસ્સાઓને બાદ કરતાં રથયાત્રા સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. વર્ષ 1989માં રથયાત્રા પર હૅલિકૉપ્ટરમાંથી નજર રાખવામાં આવી હતી. ત્રણેય રથ પર ગોળીબાર થવાની આશંકાના પગલે વર્ષ 1993માં બુલેટપ્રૂફ કાચથી આવરી લેવાયા હતા. ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં રાખીને વર્ષોથી રથ તેમજ ભક્તોની સુરક્ષા માટે અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) તેમજ જે-તે સરકાર વધુ ભાર આપવા લાગી છે. આ જ કારણોસર દર વર્ષ સુરક્ષાના બજેટમાં વધારો થતો આવ્યો છે. આજના આધુનિક યુગમાં CCTV કેમેરા અને ડ્રોન સર્વેલન્સ પોલીસ માટે આર્શીવાદ બન્યાં છે.
સૌથી મોટી રકમ ક્યાં ખર્ચાય છે ?
વર્ષ 1988માં તત્કાલીન મુખ્યમંત્રી અમરસિંહ ( CM Amarsinh Chaudhary) ને કેન્દ્ર સરકારે સૂચન કર્યું હતું કે, રથયાત્રા ન કાઢવા દેવામાં આવે. આ સમયે પોલીસ હડતાળ પડી. જો કે, તત્કાલીન ડીજીપી મનમોહનસિંહે હડતાળને ડામી દીધી. એ વર્ષે નીકળેલી રથયાત્રાની સુરક્ષા માટે તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી બુટાસિંહે પ્રથમ વખત અર્ધલશ્કરી દળો પૂરા પાડ્યા હતા. છેલ્લાં કેટલાંય દસકાઓથી અમદાવાદ પોલીસની સાથે સાથે Gujarat Police અને અર્ધલશ્કરી દળો સુરક્ષા વ્યવસ્થા માટે સપ્તાહ અગાઉથી જ શહેરમાં ધામા નાંખે છે. શહેર બહારથી આવતા પોલીસ અધિકારી/કર્મચારીઓ તેમજ અર્ધલશ્કરી દળના જવાનોને ટ્રાવેલ એલાઉન્સ તેમજ ડેઈલી એલાઉન્સ (TA DA) આપવામાં આવે છે. દસેક કરોડ જેટલી રકમ TA DA તરીકે ચૂકવવામાં આવે છે. જ્યારે Ahmedabad Rath Yatra ના દિવસે સવારથી રાત સુધી બંદોબસ્તમાં તૈનાત અધિકારી/કર્મચારી/હોમગાર્ડને નાસ્તો-પાણી, ભોજન અને રહેવાની વ્યવસ્થા પાછળ સાત કરોડથી વધુનો ખર્ચ થાય છે. આ ઉપરાંત બહારગામથી આવનારા પોલીસ કર્મચારી તેમજ સુરક્ષા જવાનોને બંદોબસ્ત સ્થળે લાવવા-લઈ જવા ST ની બસો તેમજ મહિનાઓથી સતત મુવમેન્ટમાં રહેતા પોલીસ સહિતના વાહનો પાછળ થતો પેટ્રોલ/ડિઝલનો ખર્ચ પણ કરોડોમાં પહોંચી જાય છે.
સૌથી મોટો અને પડકારરૂપ બંદોબસ્ત
ભૂતકાળમાં શહેર પોલીસ કમિશનર તેમજ Ahmedabad Rath Yatra માં મહત્વની ફરજ પર તૈનાત રહી ચૂકેલાં અનેક પોલીસ અધિકારીઓ માટે આ બંદોબસ્ત પડકારરૂપ છે. નિર્વિધ્ને રથયાત્રા સંપન્ન થાય તે માટે અધિકારીઓ મનોમન માનતા પણ રાખે છે. ભગવાન જગન્નાથજી (Bhagwan Jagannath) ના દર્શન કરવા અમદાવાદના સાંકડા રસ્તાઓ પર ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે. આ સમયે કોઈ દુર્ઘટના ના ઘટે તે માટે હરેક પળ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તણાવમાં વીતાવે છે.


