Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, જાણો કયો વિસ્તાર થયો જળબંબાકાર
- બનાસકાંઠાના સુઈગામમાં આભ ફાટ્યાની સ્થિતિ
- 24 કલાકમાં 17 ઈંચ વરસાદથી રણ બન્યુ દરિયો
- ભાભર અને વાવમાં પણ 13-13 ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી જોવા મળી છે. જેમાં ભારે વરસાદથી કેટલાય વિસ્તાર જળબંબાકાર થયા છે. બનાસકાંઠાના સુઈગામમાં આભ ફાટ્યાની સ્થિતિ છે. તેમજ 24 કલાકમાં 17 ઈંચ વરસાદથી રણ દરિયો બન્યું છે. તેમજ ભાભર અને વાવમાં પણ 13-13 ઈંચ વરસાદ ખાબક્યો છે. તથા કચ્છના રાપરમાં 13 ઈંચ વરસાદથી જળબંબાકાર થયુ છે. થરાદમાં 12 ઈંચ, સાંતલપુર, રાધનપુરમાં 8-8 ઈંચ વરસાદ આવ્યો છે.
બનાસકાંઠાના દિયોદરમાં 7 ઈંચ વરસાદ વરસ્યો
બનાસકાંઠાના દિયોદરમાં 7 ઈંચ વરસાદ વરસ્યો છે. તથા માળિયા અને વાલોડ તાલુકામાં સાડા 4 ઈંચ વરસાદ સાથે જ દહેગામ, કપરાડામાં 24 કલાકમાં 4-4 ઈંચ વરસાદ થયો છે. 24 કલાકમાં રાજ્યના 222 તાલુકાઓમાં મેઘમહેર થઇ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા, સૌરાષ્ટ્ર, કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, પાટણ, મહેસાણા,અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તથા રાજ્યમાં પવનની ગતિ 45થી 55 કિમી પ્રતિકલાક રહેશે.
Gujarat Rain: ડાંગમાં 88, નવસારીમાં 72 ઈંચ વરસાદ થયો છે
રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 34.72 ઈંચ સાથે સિઝનનો 100% વરસાદ વરસી ચૂક્યો છે. તેમજ સિઝનનો 100 ટકા વરસાદ ગયા વર્ષની સરખામણીએ 10 દિવસ વિલંબથી થયો છે. તથા ગયા વર્ષે 26 ઓગસ્ટના જ 100 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. સિઝનનો 100 ટકા વરસાદ પૂરો થતાં ખેડૂતોએ રાહત અનુભવી છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 62 ઈંચ, પૂર્વ મધ્ય ગુજરાતમાં 33 ઈંચ મેઘમહેર થઇ છે. આ બંને રીજિયનમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો પાંચ જિલ્લામાં 50 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગમાં 88, નવસારીમાં 72 ઈંચ વરસાદ થયો છે.
આ પણ વાંચો: AI News: ChatGPT મેકર OpenAI અપાવશે પસંદગીની નોકરી, દરેકને AI થી થશે ફાયદો


