Gujarat Rain: હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી, જાણો ક્યા છે મેઘ એલર્ટ
- સારા વરસાદને લઈ અત્યાર સુધીમાં 15 ડેમ 100 ટકા ભરાઈ ગયા
- સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઇ
- રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 34.74 ટકા વરસાદ નોંધાયો
Gujarat Rain: હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદ પડી શકે છે. તથા ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદ પડી શકે છે. તેમજ છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત ભારે વરસાદની આગાહી સાથે ગાંધીનગર અને અમદાવાદમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદની શકયતા છે.
સારા વરસાદને લઈ અત્યાર સુધીમાં 15 ડેમ 100 ટકા ભરાઈ ગયા
ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી પડી રહેલા સારા વરસાદને લઈ અત્યાર સુધીમાં 15 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે 38 ડેમ 70 થી 100 ટકા, 36 ડેમ 50 થી 70 ટકા, 51 ડેમ 25 થી 50 ટકા ભરાયેલા છે. જ્યારે 66 ડેમમાં 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં 21 ડેમ હાઈ એલર્ટ પર છે. 13 એલર્ટ અને 19 વોર્નિંગ પર છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 34.74 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 34.74 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં 32.97 ટકા, ઉત્તર ગુજરાતમાં 25.84 ટકા, પૂર્વ મધ્યમાં 36.46 ટકા, સૌરાષ્ટ્રમાં 35.24 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 37.91 ટકા વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી હતી. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત જુલાઈ મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.
કચ્છ જિલ્લામાં હળવા, મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી
તાપીના વાડોદમાં 82, ડોલવણમાં 74, સુરતના મહુવામાં 65, વ્યારા અને સોનગઢમાં અનુક્રમે 36 અને 35 મીમી, ભાવનગરના મહુવામાં 20 મીમી, અમરેલીના કુંકાવાવ-વડિયામાં 17 મીમી, જૂનાગઢના માળીયા હાટીનામાં 16, રાજકોટના ધોરાજીમાં 13, ઉપલેટામાં 8, અમરેલીના ખાંભા અને મોરબીમાં 8 તેમજ રાજકોટના જામકંડોરણામાં 7 મીમી સહિત રાજ્યના 101 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. બીજી તરફ હવામાન વિભાગે આજે ગુરુવારે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે સાથે જ પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ડાંગ, તાપી, નવસારી, મહિસાગર, સુરત,વલસાડ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી,ભાવનગર અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ તેમજ સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લામાં હળવા, મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 3 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


