Gujarat Rain: રાજ્યના આ જિલ્લા માટે આજનો દિવસ અતિભારે, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા
- Gujarat Rain: આગામી 7 દિવસ એટલે કે, 5 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી
- દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું
- દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ માટે અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે, 5 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા પ્રમાણે, આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે અને પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થશે
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આગામી 5 દિવસ સુધી પવન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. આજે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ વડોદરામાં આજવા સરોવરના 62 દરવાજા ખોલાયા છે. આજવા સરોવરની સપાટી 213.46 ફૂટ પહોંચી છે. તેમજ આજવા સરોવરની સપાટી વધતા તમામ દરવાજા ખોલાયા છે. વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થશે.
હાલમાં વિશ્વામિત્રી નદીની સપાટી 11.05 ફૂટ છે
હાલમાં વિશ્વામિત્રી નદીની સપાટી 11.05 ફૂટ છે. તથા નીચાણવાળા વિસ્તારોમાં તંત્રએ ટીમો સ્ટેન્ડબાય રાખી છે. તેમજ મહીસાગરના જીવાદોરી સમાન કડાણા ડેમમાં જળસપાટી વધી છે. કડાણા ડેમમાં સતત પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી છે. કડાણા ડેમના 13 ગેટ 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. તથા 2,29,373 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં વરસાદને પગલે 2,54,315 ક્યુસેક પાણીની આવક થઇ છે.
નીચાણવાળા વિસ્તારમાં લોકોને એલર્ટ કરાયા છે
કડાણા હાઇડ્રો પાવરથી 20,400 ક્યુસેક પાણી છોડી 4 યુનિટ કાર્યરત છે. ડેમનું રૂલ લેવલ 414.5 ફૂટ પર, ભયજનક સપાટીથી ડેમ 3 ફૂટ દૂર છે. કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહી નદી બે કાંઠે વહી રહી છે. તેમજ નીચાણવાળા વિસ્તારમાં તંત્ર દ્વારા સાવચેતી અંગેની સૂચના અપાઈ છે. તેમજ જળસપાટી વધતા મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. ખેડાથી વડોદરા જિલ્લાનો એક છેડે સંપર્ક કપાયો છે. ગળતેશ્વરનો મહીસાગર ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. ગળતેશ્વરથી વડોદરાના ડેસરને જોડતો ઓવરબ્રિજ છે. જેમાં બ્રિજ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી છે. તેમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રખાયો છે. તથા નીચાણવાળા વિસ્તારમાં લોકોને એલર્ટ કરાયા છે.
આ પણ વાંચો: Delhi Flood: દિલ્હી બન્યું દરિયો, કાશ્મીરી ગેટ બસ ટર્મિનલથી યમુના ઘાટ સુધી પાણી ભરાઈ ગયું


