Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 195 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા છે વરસાદનું રેડ એલર્ટ
- Gujarat Rain: સુરતના ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ વરસ્યો
- જાંબુઘોડા અને બોડેલીમાં 6 ઇંચથી વધુ વરસાદ
- અન્ય તાલુકામાં અડધાથી અઢી ઇંચ વરસાદ વરસ્યો
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં સુરતના ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા જાંબુઘોડા અને બોડેલીમાં 6 ઇંચથી વધુ વરસાદ સાથે પાવી જેતપુર, ભરૂચ નેત્રંગમાં 5 ઇંચથી વધુ વરસાદ છે. 20 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તેમજ 25 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તથા અન્ય તાલુકામાં અડધાથી અઢી ઇંચ વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાંથી ચોમાસું 25 સપ્ટેમ્બરની આસપાસ વિદાય લઈ શકે છે
ગુજરાતમાંથી ચોમાસું 25 સપ્ટેમ્બરની આસપાસ વિદાય લઈ શકે છે. આ દરમિયાન સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. 5 થી 11 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ અને મધ્ય-પૂર્વ ગુજરાતમાં 5 થી 10 મીમી વરસાદની શક્યતા. 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન વલસાડ અને ડાંગમાં 10 થી 20 મીમી વરસાદ ચાલુ રહી શકે છે. 18 થી 25 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-પૂર્વ ગુજરાતમાં 1 થી 5 મીમી વરસાદની શક્યતા છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે અને IMDએ આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
Gujarat Rain: 6 જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું
રાજ્યના 6 જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે IMDએ ઓરેન્જ એલર્ટની સાથે-સાથે રેડ એલર્ટ પણ આપ્યું છે, જેમાં પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યનો સરેરાશ વરસાદ 92 ટકા નોંધાયો છે. રાજ્યમાં પડેલા વરસાદને પગલે, 82 ડેમ છલ્લોછલ ભરાઈને છલકાઈ ગયા છે. જ્યારે 68 ડેમ 70થી 100 ટકાની વચ્ચે ભરાયેલા છે. આ સપ્તાહના અંત સુધીમાં વર્તમાન ચોમાસામાં ગુજરાતનો વરસાદ 100 ટકા પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં 84.74 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે
ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજાએ તમામ વિસ્તારમાં મેઘમહેર કરી છે. ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 4 સપ્ટેમ્બર 2025ની સ્થિતિએ સરેરાશ 92.64 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 96.94 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 96.91 ટકા, પૂર્વ-મધ્યમાં 93.79 ટકા, કચ્છમાં 85.14 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 84.74 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની દ્વારા જણાવાયું છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 5 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


