Gujarati Top News : આજે 21 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 21 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : નકલી લાઇસન્સથી હથિયાર ખરીદવાના મામલે ગુજરાત ATS એ વધુ 7 ની ધરપકડ કરી તેમજ વલસાડના પારડી તાલુકામાં ભેસુ ખાડીમાં કાર તણાઈ તથા રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ પર સરકારની સતત નજર છે. જેમાં ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી નજર રખાઇ રહી છે તેમજ રાજ્ય સરકારના કર્મચારીઓ સરકાર સામે મોરચો માંડશે જેમાં ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિની બેઠક મળશે. જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
નકલી લાઇસન્સથી હથિયાર ખરીદવાના મામલે ગુજરાત ATS એ વધુ 7 ની ધરપકડ કરી
નકલી લાઇસન્સથી હથિયાર ખરીદવાના મામલે ગુજરાત ATS એ વધુ 7 ની ધરપકડ કરી છે. અત્યાર સુધી બનાવટી લાયસન્સ કૌભાંડ મામલે 70 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. જેમાં સુરેન્દ્રનગરના હિતેશ ગમારા, કેવલ રબારી, ગભરુ સંબળ, બોરસદના બિરેન પટેલ અને મનીષ પટેલ, આણંદના બાકરોલના મેહુલ ભરવાડ અને 1 અમદાવાદના ચિરાગ ભરવાડની ધરપકડ કરવામાં આવી છે. તેમાં નાગાલેન્ડ અને મણિપુરના રહેવાસી હોવાના પુરાવાના આધારે હથિયાર મેળવ્યા હતા.
વલસાડના પારડી તાલુકામાં ભેસુ ખાડીમાં કાર તણાઈ
વલસાડના પારડી તાલુકામાં ભેસુ ખાડીમાં કાર તણાઈ છે. કારમાં સવાર કાર ચાલક શિક્ષકને સ્થાનિકોએ બચાવી લીધા છે. કારમાં સવાર તનાશા અને તેમની દીકરી કાર સાથે તણાઇ છે. પાણીનો પ્રવાહ વધુ હોવાને લીધે કાર વહેણમાં તણાઇ ગઇ છે. ઘટનાની જાણ થતાં તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ છે. જેમાં NDRFની ટીમે ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન કામગીરી હાથ ધરી છે. કારમાં સવાર શિક્ષિકા તનાશા અને તેમની દીકરી માટે શોધખોળ શરૂ કરાઇ છે.
રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ પર સરકારની સતત નજર
રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ પર સરકારની સતત નજર છે. જેમાં ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી નજર રખાઇ રહી છે. રાહત કમિશનર વરસાદની સ્થિતિને લઈ સમીક્ષા કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મહત્વની બેઠક કરી શકે છે.
રાજ્ય સરકારના કર્મચારીઓ સરકાર સામે મોરચો માંડશે
રાજ્ય સરકારના કર્મચારીઓ સરકાર સામે મોરચો માંડશે. ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિની બેઠક મળશે. જેમાં પડતર પ્રશ્નોને લઈને ફરી કર્મચારીઓ મોરચો માંડી શકે છે. જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર સહિતના મુદ્દે ઘેરાવ કરશે. આઠમાં પગાર પંચની રચનાને લઈ પણ ચર્ચા કરશે. સરકાર સામે મેદાને ઉતરવા માટે બેઠકમાં રણનીતિ ઘડાશે.
આ પણ વાંચો: Rashifal 21 August 2025 : આજે દુરુધારા યોગમાં આ રાશિના જાતકોને મળશે પ્રગતિ અને ઉન્નતિની તક


