જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે વરસાદ : કાશ્મીરી બાપુની જગ્યા પર ફસાયેલા 30-35 યાત્રીકોનું ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યૂ
- ગિરનાર પર ભારે વરસાદ: કાશ્મીરી બાપુની જગ્યા પર ફસાયેલા યાત્રીકો બચાવાયા
- જૂનાગઢમાં મેઘ તાંડવ : ગિરનારની નદીની બીજી બાજુંએ ફસાયેલા 30 યાત્રીકોનું રેસ્ક્યૂ
- ગિરનાર પર ધોધમાર વરસાદ : મનપા ફાયર ટીમે બચાવ્યા મહિલાઓ-બાળકો
- જૂનાગઢના ગિરનારમાં યાત્રીકોની મુશ્કેલી : ફાયર બ્રિગેડની ઝડપી કામગીરી
- યાત્રીકોએ મનપાની ટીમનો દિલથી આભાર વ્યક્ત કર્યો
જૂનાગઢ : જૂનાગઢના ગિરનાર પર્વત પર શનિવારે ધોધમાર વરસાદને કારણે કાશ્મીરી બાપુની જગ્યા ખાતે દર્શનાર્થે આવેલા યાત્રીકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદના કારણે વચ્ચે આવતી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વધી જતાં અંદાજે 30થી 35 યાત્રીકો, જેમાં પુરુષો, મહિલાઓ અને નાનાં બાળકો ફસાઈ ગયા હતા. જૂનાગઢ મનપાની ફાયર બ્રિગેડ ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને તમામ યાત્રીકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.
ગિરનાર પર્વત પર શનિવારે ઓચિંતો ભારે વરસાદ શરૂ થયો જેના કારણે પર્વતની નદીઓ અને ઝરણાંમાં પાણીનો પ્રવાહ ઝડપથી વધ્યો હતો. આ દરમિયાન કાશ્મીરી બાપુની જગ્યા ખાતે દર્શન માટે આવેલા યાત્રીકો નદી પાર કરી શક્યા નહીં.
આ પણ વાંચો- માંગરોળના શીલ ગામે નેત્રાવતી નદીમાં ડૂબી જવાથી 14 વર્ષના બાળકનું કરૂણ મોત
ફસાયેલા યાત્રીકોમાં મહિલાઓ અને બાળકો પણ હતા, જેમના માટે ધસમસતા પાણીના પ્રવાહમાંથી બહાર નીકળવું અશક્ય બન્યું હતું. ભારે વરસાદે પરિસ્થિતિને વધુ જોખમી બનાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે ઝડપી અને સચોટ રીતે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને 30થી 35 યાત્રીકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.
બચાવાયેલા તમામ યાત્રીકોને મનપાની એમ્બ્યુલન્સ દ્વારા ભવનાથ તળેટી ખાતે લઈ જવામાં આવ્યા જ્યાં તેમની સુરક્ષા અને આરોગ્યની ખાતરી કરવામાં આવી હતી. રેસ્ક્યૂ બાદ યાત્રીકોએ મનપા ફાયર બ્રિગેડ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો અને તેમની ઝડપી કામગીરીની પ્રશંસા કરી હતી.
જૂનાગઢ વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન ગિરનાર પર્વતની મુલાકાત લેતા યાત્રીકોને સાવચેતી રાખવા અને નદી-ઝરણાંની નજીક ન જવાની સૂચના આપવામાં આવી છે. ગિરનારના જટાશંકર ધોધ જેવા વિસ્તારોમાં સ્નાન કરવા પર પ્રતિબંધ હોવા છતાં, ઘણા યાત્રીકો નિયમોની અવગણના કરે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. આ ઘટના ફરી એકવાર ચોમાસામાં પર્વતીય વિસ્તારોમાં સાવચેતીની જરૂરિયાતને રેખાંકિત કરે છે.


