OBESITY : વધુ વજન કેન્સર તરફ દોરી શકે છે, WHO ના અભ્યાસનું તારણ
- અમેરિકાની પ્રતિષ્ઠિત જર્નલમાં સંશોધનપત્ર રજુ થયું
- વધુ પડતું વજન કેન્સર કારક હોવાનું તારણ
- વધુ અભ્યાસની શક્યતા દર્શાવચા સંશોધનપત્રની ચર્ચા
OBESITY : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, મેનોપોઝ પછી હૃદય રોગ ધરાવતી સ્ત્રીઓમાં વધુ વજન હોવાથી સ્તન કેન્સરનું (BREAST CANCER) જોખમ વધી શકે છે. આ અભ્યાસ સોમવારે અમેરિકન કેન્સર સોસાયટી (AMERICAN CANCER SOCIETY - JOURNAL) ના જર્નલ 'કેન્સર'માં પ્રકાશિત થયો હતો.
બોડી માસ ઇન્ડેક્સ (BMI) વધારે હોવું જોખમી
અભ્યાસ મુજબ, જે સ્ત્રીઓનો બોડી માસ ઇન્ડેક્સ (BMI) વધારે હોય છે, તેમને પહેલાથી જ સ્તન કેન્સરનું જોખમ વધારે હોય છે. ટાઇપ 2 ડાયાબિટીસની આ જોખમ પર કોઈ ખાસ અસર પડી ન્હતી, એટલે કે ઉચ્ચ BMI સાથે ડાયાબિટીસ ધરાવતી અને વગરની સ્ત્રીઓમાં સમાન રીતે સ્તન કેન્સરનું જોખમ વધારે છે.
સંશોધનમાં હૃદય રોગ ધરાવતી મહિલાઓનો સમાવેશ થવો જોઈએ
સંસ્થાના કેન્સર સંશોધન પાંખ, ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરના સંશોધક હેઇન્ઝ ફ્રીસલિંગે જણાવ્યું હતું કે, આ અભ્યાસના પરિણામો સ્તન કેન્સર સ્ક્રીનીંગ કાર્યક્રમોને સુધારવામાં મદદ કરી શકે છે. તેમણે સૂચન કર્યું કે, વજન ઘટાડવાના પરીક્ષણોમાં હૃદય રોગ ધરાવતી મહિલાઓનો સમાવેશ કરીને સ્તન કેન્સર નિવારણ પર ભવિષ્યમાં સંશોધન કરવું જોઈએ.
લગભગ 10-11 વર્ષનું ફોલો-અપ
સંશોધકોએ યુરોપિયન પ્રોસ્પેક્ટિવ ઇન્વેસ્ટિગેશન ઇનટુ કેન્સર એન્ડ ન્યુટ્રિશન અને યુકે બાયોબેંકમાંથી 168,547 મેનોપોઝલ મહિલાઓના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. જ્યારે અભ્યાસ શરૂ થયો ત્યારે આ મહિલાઓને ટાઇપ 2 ડાયાબિટીસ કે હૃદય રોગ ન્હોતો. આશરે 10-11 વર્ષના ફોલો-અપ પછી, 6,793 પોસ્ટમેનોપોઝલ સ્ત્રીઓને સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું.
દર વર્ષે 100,000 લોકોમાંથી 153 વધારાના સ્તન કેન્સરના કેસો થઈ શકે
અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, વધુ વજન અને હૃદય રોગની સંયુક્ત હાજરી દર વર્ષે 100,000 લોકોમાંથી 153 વધારાના સ્તન કેન્સરના કેસ તરફ દોરી શકે છે. અગાઉના સંશોધનોએ સાબિત કર્યું છે કે, સ્થૂળતા ગર્ભાશય, કિડની, લીવર અને કોલોરેક્ટલ કેન્સર જેવા 12 પ્રકારના કેન્સરનું જોખમ વધારે છે. દરમિયાન તાજેતરમાં 'નેચર કોમ્યુનિકેશન્સ' જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, વધુ વજન ધરાવતી સ્ત્રીઓમાં મોટી ગાંઠો અને એડવાન્સ સ્ટેજ સ્તન કેન્સર થવાની શક્યતા વધુ હોય છે.
આ પણ વાંચો ---- HEALTH : બાળકને કેચઅપનો ચટાકો લાગ્યો હોય તો ખાસ ધ્યાન રાખજો


