આજથી કૈલાસ માનસરોવર યાત્રા શરૂ, જાણો તેનું મહત્વ
- હિન્દૂ ધર્મમાં કૈલાશ માનસરોવર યાત્રાનું અનેરૂ મહત્વ છે
- અહીં પ્રકાશ તરંગો અને ધ્વનિ તરંગોનો સંગમ છે
- આ પર્વત સ્વયંભુ છે
KAILASH YATRA : હિમાલય (HIMALAYA) ની પર્વતમાળાઓ વચ્ચે સ્થિત કૈલાશ પર્વતને ભગવાન શિવનું (LORD SHIVA) ઘર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવ આ પર્વત પર માતા પાર્વતી સાથે રહે છે. આથી જ હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ છે. આ પર્વતનું હિન્દુઓ, જૈનો અને તિબેટીઓમાં પણ ખૂબ મહત્વ છે. આજથી કૈલાશ માનસરોવર (KAILASH MANSAROVAR) ની યાત્રા શરૂ થઈ ગઈ છે. 5 વર્ષ પછી ચીને આ પર્વતની મુલાકાત લેવાની પરવાનગી આપી છે.
કૈલાસ-માનસરોવર સમગ્ર બ્રહ્માંડ જેટલું પ્રાચીન છે
ભગવાન શિવનું સ્થાન ગણાતો કૈલાશ પર્વત સમુદ્ર સપાટીથી 22,028 ફૂટ ઊંચો પિરામિડ આકાર ધરાવે છે, જેનું શિખર શિવલિંગ જેવું દેખાય છે. તે આખું વર્ષ બરફની સફેદ ચાદરથી ઢંકાયેલું રહે છે. 22,028 ફૂટ ઉંચા બરફથી ઢંકાયેલા શિખર અને તેની બાજુમાં આવેલા માનસરોવરને કૈલાસ માનસરોવર કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પર્વત સ્વયંભુ છે અને કૈલાસ-માનસરોવર સમગ્ર બ્રહ્માંડ જેટલું પ્રાચીન છે. આ એક અદ્ભુત અને અલૌકિક સ્થળ છે જેના વિશે એવું કહેવામાં આવે છે કે, અહીં પ્રકાશ તરંગો અને ધ્વનિ તરંગોનો સંગમ છે, જે ઓમનો પડઘો ઉત્પન્ન કરે છે.
કૈલાશ માનસરોવરનું મહત્વ સમજો મુદ્દાસર
- પૌરાણિક માન્યતા છે કે આ સ્થળ કુબેરનું શહેર હતું, અહીંથી ગંગા નદી ભગવાન વિષ્ણુના ચરણમાંથી નીકળે છે અને કૈલાશ પર્વતની ટોચ પર ખૂબ જ વેગથી પડે છે. એવું કહેવાય છે કે અહીં ભગવાન શિવે તેમને પોતાના જટામાં ધારણ કર્યા છે અને પછી માતા ગંગા એક શુદ્ધ પ્રવાહનું રૂપ ધારણ કરીને નદીમાં ફેરવાઈ જાય છે.
- એવું માનવામાં આવે છે કે જે કોઈ માનસરોવર તળાવની ભૂમિને સ્પર્શ કરે છે, તે ભગવાન બ્રહ્મા દ્વારા બનાવેલા સ્વર્ગમાં જાય છે અને જે કોઈ તળાવનું પાણી પીવે છે તે ભગવાન શિવ દ્વારા બનાવેલા સ્વર્ગમાં જાય છે.
- મહાભારતમાં પણ માનસરોવરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે જ સમયે, એવું પણ કહેવાય છે કે માતા સીતા આ માનસરોવર દ્વારા સ્વર્ગમાં ગયા હતા. કૈલાશ માનસરોવરને ભગવાન શિવનું પવિત્ર સ્થળ માનવામાં આવે છે. ભગવાન શિવની પૂજા મોટાભાગે શિવલિંગના રૂપમાં થાય છે પરંતુ માનસરોવરમાં તેમની પૂજા "ઓમ" ના રૂપમાં થાય છે. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શિવની કૃપાથી તળાવનું પાણીનું સ્તર હંમેશા સમાન રહે છે. વધુમાં, ગમે તેટલી ઠંડી પડે, આ માનસરોવરમાં બરફ જામતો નથી. જ્યારે નજીકના બીજા તળાવ, જેને રાક્ષસી તાલ કહેવાય છે, તેનું પાણી થીજી જાય છે.
- એવું પણ માનવામાં આવે છે કે 33 કોટી દેવી-દેવતાઓ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા અને તળાવમાં સ્નાન કરવા માટે કૈલાસ પર્વત પર આવે છે. આ જ કારણ છે કે આ તળાવનું પાણી હંમેશા સ્થિર રહે છે અને તેનો રંગ દર કલાકે બદલાતો રહે છે.
આ પણ વાંચો ---- Surya Pooja : રવિવારે કરવામાં આવતી પદ્ધતિસરની સૂર્ય પૂજાથી થાય છે ખાસ લાભ


