UNમાં ઇઝરાયેલી PM Netanyahu સામે જોવા મળ્યો વિરોધ, ભાષણ પહેલા જ અનેક રાષ્ટ્રના પ્રતિનિધિ બહાર નીકળી ગયા!
- ઇઝરાયેલના PM Netanyahu નો થયો ભારે વિરોધ
- નેતન્યાહૂના ભાષણ પહેલા જ અનેક દેશોના પ્રતિનિધિઓ બહાર નીકળી ગયા
- નેતન્યાહૂના ભાષણમાં જોવા મળી ખાલી ખુરશીઓ
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં તેમના સંબોધન દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. નેતન્યાહૂના ભાષણ પહેલા જ અનેક દેશોના પ્રતિનિધિઓ હોલમાંથી બહાર નીકળી ગયા હતા. જેના કારણે તેમણે ખાલી પડેલી ખુરશીઓની સામે પોતાનું ભાષણ આપવું પડ્યું હતું.
ઇઝરાયેલના PM Netanyahu નો થયો વિરોધ
નેતન્યાહૂ હાલમાં ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગતા, યુદ્ધ અપરાધોના આરોપો અને સંઘર્ષ સમાપ્ત કરવાના વધતા દબાણનો સામનો કરી રહ્યા છે. શુક્રવારનું આ ભાષણ તેમના માટે વિશ્વના સૌથી મોટા મંચ પર પોતાના પક્ષની રજૂઆત કરવાની તક હતી.વિરોધ અને પ્રદર્શનકારીઓથી ઘેરાયેલા નેતન્યાહૂએ પોતાના ભાષણ દરમિયાન પશ્ચિમી દેશો પર આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું, "પશ્ચિમી નેતાઓ દબાણમાં ઝૂકી ગયા હશે, પરંતુ હું તમને એક વાતની ગેરંટી આપું છું કે ઇઝરાયેલ ઝૂકશે નહીં.જેમ જેમ ઇઝરાયેલના વડાપ્રધાને બોલવાનું શરૂ કર્યું, તેમ તેમ હોલમાં હળવો અવાજ સંભળાયો હતો. જોકે, અમેરિકી પ્રતિનિધિમંડળ યથાવત રહ્યું હતું, પરંતુ અન્ય ઘણા પ્રતિનિધિઓ બહાર નીકળી ગયા હતા.
ઇઝરાયેલના PM Netanyahu ના ભાષણમાં જોવા મળી ખાલી ખુરશીઓ
પશ્ચિમી દેશોની ટીકા ઉપરાંત, નેતન્યાહૂએ તેમના સંબોધનમાં હમાસને કડક ચેતવણી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે ઇઝરાયેલ પોતાનો ઉદ્દેશ્ય પૂરો કર્યા વિના અટકશે નહીં. તેમણે જણાવ્યું કે હમાસ ગાઝામાં તેની છેલ્લી ઘડીઓ ગણી રહ્યું છે.નેતન્યાહૂએ હમાસને ઊંચા અવાજે આદેશ આપ્યો, "તમારા હથિયારો નીચે મૂકી દો, મારા લોકોને જવા દો, મારા તમામ લોકોને જવા દો. બંધકોને મુક્ત કરો! જો તમે આમ કરશો, તો તમે જીવતા બચી શકશો. જો તમે નહીં કરો, તો ઇઝરાયેલ તમારો પીછો કરશે. રસપ્રદ વાત એ છે કે, ઇઝરાયેલી સેનાએ ગાઝાના લોકોને અને હમાસના લડવૈયાઓને નેતન્યાહૂનું ભાષણ સંભળાય તે માટે ઇઝરાયેલ-ગાઝા સરહદ પર લાઉડસ્પીકર લગાવ્યા હતા, અને ગાઝાના લોકોના મોબાઈલ ફોન પર આ ભાષણનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું.