Imran Khanનો કટાક્ષ: 'નકવી અને મુનીર ઓપનિંગ કરશે તો જ ભારત સામે પાકિસ્તાન જીતશે...'
- Imran Khan એ PCBના પ્રમુખ નકવી પર કર્યા પ્રહાર
- ઇમરાન ઓગસ્ટ 2023થી ઘણા કેસમાં જેલમાં બંધ છે
- પાકિસ્તાનના સેનાના પ્રમુખ પર પણ ઇમરાને તંજ ખેચ્યો
એશિયા કપ 2025માં ભારત સામે મળેલી વધુ એક કારમી હાર બાદ પાકિસ્તાનમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ હાર પાકિસ્તાનના રાજકારણ પણ ગરમાયું છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પ્રમુખ મોહસીન નકવી પર આકરા પ્રહારો કર્યા છે. જેલમાં બંધ ઇમરાને તંજ ખેંચતા કહ્યું કે પાકિસ્તાન ભારતને ત્યારે જ હરાવી શકે, જ્યારે PCBના વડા મોહસીન નકવી અને સેના પ્રમુખ આસીમ મુનીર પોતે ઓપનિંગ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે.
નોંધનીય છે કે મીડિયા અહેવાલ મુજબ ઇમરાન ખાનની બહેન અલીમા ખાને પત્રકારોને ઇમરાનનો આ નિવેદન આપ્યો હતો. ઇમરાને વધુમાં જણાવ્યું કે પાકિસ્તાન ત્યારે જ જીતી શકે છે જો ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ કાઝી ફાએઝ ઈસા અને ચૂંટણી પંચના વડા સિકંદર સુલતાન રાજા ઓન-ફીલ્ડ અમ્પાયર હોય, અને થર્ડ અમ્પાયર તરીકે ઇસ્લામાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સરફરાઝ ડોગર હોય.
Imran Khan એ મોહસીન નકવી પર લગાવ્યા આક્ષેપ
ઇમરાન ખાન સતત મોહસીન નકવી પર આક્ષેપ કરતા રહ્યા છે કે તેમની અયોગ્યતા અને ભાઈ-ભત્રીજાવાદને કારણે પાકિસ્તાન ક્રિકેટ બરબાદ થયું છે. 72 વર્ષીય ઇમરાને સેના પ્રમુખ આસીમ મુનીર પર પણ આરોપ લગાવ્યો છે કે તેમણે 2024ની સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના જનાદેશની ચોરી કરી છે. ઇમરાન ઓગસ્ટ 2023થી ઘણા કેસમાં જેલમાં બંધ છે.
એશિયા કપ 2025ની શરૂઆતથી જ PCB અને ACCના વડા મોહસીન નકવી વિવાદોમાં રહ્યા છે. ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામેની ગ્રુપ મેચ પછી હાથ મિલાવવાનો ઇનકાર કર્યો, ત્યારે PCBએ ICCમાં ફરિયાદ કરી અને અમ્પાયર એન્ડી પાયક્રોફ્ટ પર પક્ષપાતનો આરોપ મૂક્યો હતો. PCBએ તો ત્યાં સુધી ધમકી આપી હતી કે જો પાયક્રોફ્ટને હટાવાશે નહીં, તો તેઓ એશિયા કપમાંથી ખસી જશે. જોકે, ICCએ આ બાબતને ધ્યાનમાં ન લીધી અને પાકિસ્તાને ટુર્નામેન્ટમાંથી બહાર થવાનો નિર્ણય ન લીધો.
Imran Khan: પાકિસ્તાન ટીમે એશિયા કપમાં અનેકવાર નિયમોનું ઉલ્લંઘન કર્યું
ઉલ્લેખનીય છે કે, નકવી વર્તમાન પાકિસ્તાન સરકારમાં ગૃહમંત્રી પણ છે. પાકિસ્તાની ટીમે એશિયા કપ દરમિયાન ઘણીવાર નિયમોનું ઉલ્લંઘન કર્યું, જેમાં બે વખત મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં હાજર થવાનો ઇનકાર કર્યો. હવે પાકિસ્તાનનો આગામી મુકાબલો શ્રીલંકા સાથે મંગળવારે (23 સપ્ટેમ્બર) અબુધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં થશે. જે તેમના માટે 'કરો યા મરો' જેવો હશે.
નોંધનીય છે કે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી સુપર-4 મેચમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ઓપનર અભિષેક શર્માએ માત્ર 39 બોલમાં 74 રનની આક્રમક ઇનિંગ્સ રમી અને ભારતને 172 રનના લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદ કરી. પાકિસ્તાનના ઝડપી બોલરો શાહીન શાહ આફ્રિદી અને હરિસ રઉફ ભારતની ઓપનિંગ જોડીને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બોલથી કોઈ અસર છોડી શક્યા નહીં અને ભારતે આસાનીથી મેચ જીતી લીધી.
આ પણ વાંચો: હનુમાનજી ખોટા ભગવાન' કોણ છે આ ટ્રમ્પની પાર્ટીના નેતા, જેણે આપ્યું આ વિવાદિત નિવેદન ?


