Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs ENG Test 2 : ભારતીય ટીમે રચ્યો ઇતિહાસ! ઇંગ્લેન્ડને તેની જ ધરતી પર આપી મહાત

શુભમને આ મેચમાં 269 અને 161 રન બનાવ્યા હતા. આ જીત સાથે ભારતે 5 મેચની ટેસ્ટ શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી છે.
ind vs eng test 2   ભારતીય ટીમે રચ્યો ઇતિહાસ  ઇંગ્લેન્ડને તેની જ ધરતી પર આપી મહાત
Advertisement
  1. એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025 ની બીજી મેચમાં ભારતનો ઐતિહાસિક વિજય
  2. ઇંગ્લેન્ડની ધરતી પર જ આપી મહાત, કેપ્ટન શુભમન ગિલની શાનદાર બેટિંગ
  3. આકાશ દીપની ઘાતક બોલિંગ, મેચમાં કુલ 10 વિકેટ પોતાનાં નામે કરી
  4. આ જીત સાથે ભારતે 5 મેચની ટેસ્ટ શ્રેણી 1-1 થી બરાબર કરી

IND vs ENG Test 2 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025 ની (Anderson-Tendulkar Trophy 2025) બીજી મેચ બર્મિંગહામનાં એજબેસ્ટન મેદાન પર રમાઈ હતી. આ મેચ ભારતીય ટીમે 336 રનથી જીત લીધી છે. આ મેચમાં ઇંગ્લેન્ડને જીતવા માટે 608 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેનો પીછો કરવા માટે ઇંગ્લેન્ડની આખી ટીમ પાંચમાં દિવસનાં બીજા સત્રમાં 271 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આકાશ દીપે (Akash Deep) ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં 6 વિકેટ લીધી હતી. શુભમન ગિલના નેતૃત્વમાં ભારતની આ પહેલી જીત છે. કેપ્ટન શુભમનને (Shubman Gill) આ મેચમાં 269 અને 161 રન બનાવ્યા હતા. આ જીત સાથે ભારતે 5 મેચની ટેસ્ટ શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી છે. શ્રેણીની ત્રીજી મેચ 10 જુલાઈથી લોર્ડ્સ ખાતે રમાશે.

વિદેશી ધરતી પર રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત, 58 વર્ષના દુકાળનો અંત

રિપોર્ટ અનુસાર, બર્મિંગહામનાં એજબેસ્ટન મેદાન પર ભારતે પહેલીવાર કોઈ ટેસ્ટ મેચ (IND vs ENG Test 2) જીતી છે. અગાઉ, આ મેદાન પર રમાયેલી 8 ટેસ્ટ મેચમાંથી, ભારતીય ટીમને 7 માં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે, એક મેચ ડ્રો રહી હતી. ભારતીય ટીમે જુલાઈ 1967 માં આ મેદાન પર પહેલી ટેસ્ટ રમી હતી, જેમાં તેને 132 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે, ભારતે 58 વર્ષનાં દુકાળનો અંત લાવ્યો છે. વિદેશી ધરતી પર રનની દ્રષ્ટિએ આ ભારતની સૌથી મોટી ટેસ્ટ જીત પણ છે. વર્ષ 2019 ની શરૂઆતમાં, ભારતે એન્ટિગુઆ ટેસ્ટમાં વેસ્ટઈન્ડિઝને 318 રનથી હરાવ્યું હતું.

Advertisement

Advertisement

માત્ર 50 રનમાં ઇંગ્લેન્ડની 3 વિકેટ પડી

જણાવી દઈએ કે, ભારતીય ટીમે તેની બીજી ઇનિંગ 427/6 ના સ્કોર પર ડિકલેર કરી હતી. મેચમાં, ભારતીય ટીમે તેની પ્રથમ ઇનિંગમાં 587 રન બનાવ્યા હતા જ્યારે ઇંગ્લેન્ડે તેની પ્રથમ દાવમાં 407 રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગના આધારે, ભારતને 180 રનની મોટી લીડ મળી હતી. વિશાળ લક્ષ્યનો પીછો કરતા, ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી અને તેણે 50 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી. જેક ક્રોલી (0) મોહમ્મદ સિરાજ (Mohammad Siraj) દ્વારા આઉટ થયો. તે જ સમયે, બેન ડકેટ (25) અને જો રૂટ (6) ની વિકેટ આકાશ દીપે ઝડપી હતી. જો કે, આ પછી ઓલી પોપ અને હેરી બ્રુકે ચોથા દિવસે (5 જુલાઈ) ઇંગ્લેન્ડને વધુ નુકસાન થવા દીધું નહીં.

આકાશ દીપની ઘાતક બોલિંગ, વોશિંગ્ટને અપાવી મોટી સફળતા

પાંચમા દિવસે, જ્યારે વરસાદના વિક્ષેપ પછી મેચ શરૂ થઈ, ત્યારે આકાશ દીપે ટૂંક સમયમાં જ ભારતને વધુ એક સફળતા અપાવી હતી. આકાશે સેટ બેટ્સમેન ઓલી પોપને (Ollie Pope) 24 રનેના તેનાં સ્કોર પર બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ આકાશે ફરી ઘાતક બોલિંગ કરીને બેટ્સમેન હેરી બ્રુક (23 રન) ને પણ આઉટ કરીને ભારતને પાંચમી સફળતા અપાવી હતી. બ્રુકનાં આઉટ થયા પછી, બેન સ્ટોક્સ (Ben Stokes) અને જેમી સ્મિથે છઠ્ઠી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરીને ઇંગ્લેન્ડની સ્થિતિને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, વોશિંગ્ટન સુંદરે લંચ પહેલા બેન સ્ટોક્સ (33 રન) ને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી.

આ પણ વાંચો - Shubman Gill : પ્રિન્સ બન્યો ટેસ્ટ ક્રિકેટનો કિંગ! શુભમન ગિલે સદી ફટકારી 54 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

આકાશે મેચમાં કુલ 10 વિકેટ લીધી

લંચ પછી, પ્રસિધ્ધ કૃષ્ણાએ ક્રિસ વોક્સ (7) ને આઉટ કર્યો હતો. આકાશ દીપે જેમી સ્મિથને આઉટ કરીને ઇનિંગમાં તેની પાંચ વિકેટ પૂરી કરી હતી. આ પહેલી વાર છે જ્યારે આકાશે ટેસ્ટ ઇનિંગમાં 5 વિકેટ લીધી છે. સ્મિથે 99 બોલમાં 88 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. જોશ ટંગ (2) નવમી વિકેટ તરીકે આઉટ થયા અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) દ્વારા રન આઉટ થયો હતો. આકાશે બ્રાયડન કાર્સ (38) ને આઉટ કરીને ભારતને જીત અપાવી. આકાશે મેચમાં કુલ 10 વિકેટ લીધી.

ગિલે પહેલી ઇનિંગમાં 269 રન બનાવ્યા, જાડેજા-યશસ્વીએ પણ ફટકારી અડધી સદી

ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ, ભારતીય ટીમે પોતાની પહેલી ઇનિંગમાં 587 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન શુભમન ગિલે રેકોર્ડબ્રેક 269 રન બનાવ્યા, જેમાં 30 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન, તેણે 387 બોલનો સામનો કર્યો. તે જ સમયે, ઓપનર યશસ્વી જયસ્વાલે (Yashasvi Jaiswal) 87 અને રવિન્દ્ર જાડેજાએ 89 રનનું યોગદાન આપ્યું. ઇંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો - BAN vs IND Series : ભારત-બાંગ્લાદેશ વચ્ચે વનડે અને T20 સિરીઝ રદ! BCCIએ કારણે લીધો નિર્ણય

ભારતની બીજા ઇનિંગમાં શુભમનના 169 રન

મેચમાં, ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને 427 રન પર પોતાની બીજી ઇનિંગ (IND vs ENG Test 2) ડિકલેર કરી હતી. કેપ્ટન શુભમન ગિલ (Shubman Gill) બીજી ઇનિંગમાં પણ સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. શુભમને 162 બોલમાં 161 રન બનાવ્યા હતા, જેમાં 13 ચોગ્ગા અને 8 છગ્ગા સામેલ છે. જ્યારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 69 રન (118 બોલ, 5 ચોગ્ગા અને 1 છગ્ગા) બનાવીને અણનમ રહ્યો હતો. કે.એલ. રાહુલ (55 રન) અને ઋષભ પંત (65 રન) એ (Rishabh Pant) પણ શાનદાર ઇનિંગ્સ રમી હતી.

સ્મિથ-બ્રુકે પહેલી ઇનિંગમાં સદી ફટકારી, સિરાજે 6 વિકેટ લીધી

મેચમાં, ઇંગ્લેન્ડનો પ્રથમ ઇનિંગ 407 રનના સ્કોરમાં સમેટાઈ ગયો હતો. વિકેટકીપર બેટ્સમેન જેમી સ્મિથે 207 બોલનો સામનો કર્યો અને અણનમ 184 રન બનાવ્યા, જેમાં 21 ચોગ્ગા અને ચાર છગ્ગા સામેલ છે. જ્યારે હેરી બ્રુકે 234 બોલમાં 158 રનની શાનદાર ઇનિંગ રમી. આ દરમિયાન બ્રુકે 17 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. સ્મિથે બ્રુક સાથે છઠ્ઠી વિકેટ માટે 303 રનની ભાગીદારી કરી હતી. ભારત માટે, ઝડપી બોલર મોહમ્મદ સિરાજે 6 વિકેટ અને આકાશ દીપે (Akash Deep) 4 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો - Mohammed Siraj એ હાંસલ કરી મોટી સિદ્ધિ, વર્ષ 1993 બાદ પહેલીવાર થયું આવું

Tags :
Advertisement

.

×