ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન-ડેમાં ભારતને સાત વિકેટથી હરાવ્યું, કેપ્ટન માર્શની શાનદાર ઇનિંગ્સ
- IND vs AUS ODI Series :ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન-ડેમાં ભારતની હાર
- ઓસ્ટ્રિલિયાએ ભારતને સાત વિકેટે હરાવ્યું
- DLS નિયમ હેઠળ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું
પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટે જીત મેળવીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી છે. વરસાદને કારણે આ મેચ 26-26 ઓવરની કરવામાં આવી હતી, જેમાં ભારતે નિર્ધારિત 26 ઓવરમાં 9 વિકેટે 136 રન બનાવ્યા હતા. જોકે, DLS નિયમ હેઠળ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 131 રનનો સુધારેલો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જે તેમણે માત્ર 21.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો. શુભમન ગિલની ODI કેપ્ટન તરીકેની આ પ્રથમ મેચ હતી, જ્યારે પેટ કમિન્સની ગેરહાજરીમાં મિશેલ માર્શે ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ સંભાળી હતી. આ મેચમાં અનુભવી ખેલાડીઓ રોહિત શર્મા (8 રન) અને વિરાટ કોહલી (0 રન) ની વાપસી યાદગાર રહી નહોતી, કારણ કે બંને બેટ્સમેનો સસ્તામાં આઉટ થયા હતા.
Australia win the 1st ODI by 7 wickets (DLS method). #TeamIndia will look to bounce back in the next match.
Scorecard ▶ https://t.co/O1RsjJTHhM#AUSvIND pic.twitter.com/0BsIlU3qRC
— BCCI (@BCCI) October 19, 2025
IND vs AUS ODI Series : ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન-ડેમાં ભારતની કારમી હાર
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી, જ્યાં રોહિત શર્મા જોશ હેઝલવુડનો શિકાર બન્યો અને વિરાટ કોહલી શૂન્ય રને મિશેલ સ્ટાર્કનો ભોગ બન્યો. કેપ્ટન શુભમન ગિલ પણ માત્ર 10 રન જ બનાવી શક્યો. લાંબા વરસાદી વિક્ષેપ બાદ રમત ફરી શરૂ થઈ ત્યારે જોશ હેઝલવુડે શ્રેયસ ઐયર (11 રન) ને આઉટ કર્યો. જોકે, કેએલ રાહુલ (31 બોલમાં 38 રન) અને અક્ષર પટેલ (38 બોલમાં 31 રન) ની સુનિયોજિત ઇનિંગ્સના કારણે ભારત સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યું. નીતીશે અણનમ 19 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડ, મેથ્યુ કુહનેમેન અને મિશેલ ઓવેને બે-બે વિકેટ લીધી હતી.
IND vs AUS ODI Series : વરસાદને કારણે આ મેચ 26-26 ઓવરની કરાઇ હતી
131 રનના લક્ષ્યનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત પણ થોડી ધીમી હતી, જેમાં અર્શદીપ સિંહે ટ્રેવિસ હેડ (8 રન) ને આઉટ કરીને પહેલો ઝટકો આપ્યો હતો. પરંતુ, કાંગારૂ કેપ્ટન મિશેલ માર્શે એક અણનમ અને નિર્ણાયક ઇનિંગ રમી હતી. માર્શે 52 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 46 રન બનાવ્યા હતા, જેને જોશ ફિલિપ (37 રન) અને મેથ્યુ રેનશો (અણનમ 21) નો સારો સાથ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્ય સરળતાથી હાંસલ કરીને મેચ જીતી લીધી હતી. હવે ODI શ્રેણીની બીજી મેચ ગુરુવાર, 23 ઓક્ટોબરના રોજ એડિલેડમાં રમાશે.
આ પણ વાંચો: IND vs AUS: મેદાન પર ઉતરતા જ રોહિતએ રચ્યો ઇતિહાસ, 500 મેચ રમનાર 5મો ભારતીય બન્યો


