યમનમાં હત્યા મામલે નિમિષા પ્રિયાને ફાંસીની શક્યા વધી, મેહદી પરિવાર અડગ
- ભારતીય મૂળની નર્સ સામે યમનના સ્થાનિકની હત્યાનો આરોપ
- સ્થાનિકે નિમિષા પ્રિયા સાથે મળીને ક્લિનિક ખોલ્યું, બાદમાં પાર્ટનરે તેની જોડે ઠગાઇ કરી
- પાર્ટનરના સતત ત્રાસથી ત્રસ્ત નર્સે એક દિવસ તેને દવાનો ડોઝ આપી પતાવી દીધો હોવાનો આરોપ
NIMISHA PRIYA : ભારતીય મૂળની નિમિષા પ્રિયાને (NIMISHA PRIYA) યમનમાં 16 જુલાઈએ ફાંસી (INDIAN NURSE EXECUTED IN YEMEN) આપવામાં આવશે. આ અંગે યમનમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક ડોકટરો અને પોલીસ અધિકારીઓ નિમિષા પ્રિયાના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. દરમિયાન, નિમિષા પ્રિયાના વકીલ સેમ્યુઅલ જેરોમ અને પરિવાર તેને મૃત્યુદંડથી બચાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. તેમણે મૃતક તલાલ અબ્દો મેહદીના પરિવારને તેની સજા માફ કરવા માટે 'બ્લડ મની' તરીકે રૂ. 8.5 કરોડની પણ ઓફર કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતકના પરિવારે આ ઓફરને નકારી કાઢી છે. આ અંગે મદદ કરવા માટે કોંગ્રેસના નેતા કે સી વેણુગોપાલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચીઠ્ઠી લખી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
બચાવવા માટે વાતચીત ચાલુ છે
સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનેશનલ એક્શન કાઉન્સિલના કાર્યકર્તા બાબુ જોને જણાવ્યું કે, નર્સને બચાવવા માટે વાટાઘાટો ચાલી રહી છે. યમનની રાજધાની સનામાં અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી છે. શનિવારે કેટલાક અધિકારીઓએ તલાલના પરિવાર સાથે પણ વાત કરી હતી. બ્લડ મની બાબતે તલાલના પરિવાર નિમિષા પ્રિયાને માફ કરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બાબુ જોન કહે છે કે, ભારત સરકારના અધિકારીઓ પણ નિમિષા પ્રિયાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય અધિકારીઓ યમનના ટોચના નેતાઓના સંપર્કમાં છે. નિમિષાને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
નિમિષા પ્રિયા કોણ છે?
નિમિષા પ્રિયા મૂળ ભારતના કેરળ રાજ્યના કોચી જિલ્લાની છે. તેમની માતા પ્રેમા કુમાર કોચીમાં નોકરાણી તરીકે કામ કરતી હતી. નિમિષા 2008 માં 19 વર્ષની ઉંમરે યમન ગઈ હતી. નિમિષા ત્રણ વર્ષ પછી પાછી આવી હતી અને ઓટો ડ્રાઈવર ટોમી થોમસ સાથે લગ્ન કર્યા હતા. બાદમાં થોમસ પણ નિમિષા સાથે યમન ગયો હતો. આ દરમિયાન નિમિષા એક દીકરીની માતા બની હતી. આજની સ્થિતીએ તેમની પુત્રી 13 વર્ષની છે.
તલાલ બિઝનેસ પાર્ટનર હતો
કહેવાય છે કે, તલાલ અબ્દો મેહદી અને નિમિષાએ ભાગીદારીમાં ક્લિનિક ખોલ્યું હતું. પછીથી તેમના સંબંધો બગડ્યા હતા. યમનના કાયદા મુજબ વ્યવસાય માટે સ્થાનિક ભાગીદાર હોવું ફરજિયાત છે. વર્ષ 2017 માં નિમિષા પર તલાલની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો અને તેની ધરપકડ કરવામાં આવી.
આ કારણે માર્યો ગયો
નિમિષા પ્રિયાએ આરોપ લગાવ્યો છે કે, તેના બિઝનેસ પાર્ટનર તલાલ અબ્દો મેહદીએ તેનું જીવન નર્ક બનાવી દીધું હતું. તલાલે પહેલા નિમિષાને મદદ કરવાનું આશ્વાસન આપ્યું અને પછી તેના દસ્તાવેજો સાથે છેડછાડ કરીને તેને પોતાની પત્ની તરીકે બતાવી દીધી હતી. નિમિષાનો આરોપ છે કે, તલાલે તેનું આર્થિક શોષણ કર્યું હતું. આ ત્રાસથી કંટાળીને નિમિષાએ તલાલને એનેસ્થેટિક દવા આપી દીધી હતી, પરંતુ તેના ઓવરડોઝને કારણે તેનું મૃત્યુ થયું. આ પછી નિમિષાએ મૃતદેહના ટુકડા કરી નાખ્યા અને તેનો નિકાલ કરી દીધો હતો, જો કે, પોલીસ પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલી લીધો.
આ પણ વાંચો --- ISRAEL ની સૌથી મોટી એરસ્ટ્રાઇક, GAZA પટ્ટીનો કેટલોક ભાગ કાટમાળમાં ફેરવાયો


