ISRAEL-IRAN CONFLICT : ઇઝરાયલના PM નો ઇરાનની પ્રજાજોગ સંદેશ, 'તમારા પર 50 વર્ષ સુધી.....'
- ઇઝરાયલ અને ઇરાન વચ્ચે તણાવની સ્થિતી વધી
- આ દરમિયાન ઇઝરાયલના પીએમ દ્વારા ઇરાનવાસીઓ માટે સંદેશો મોકલવામાં આવ્યો
- સાથે જ પીએમ દ્વારા પ્રબળ સંકેત અપાયા કે, હજુ ઘણું બધું થવાનું છે
ISRAEL-IRAN CONFLICT : ઇઝરાયલે ઇરાનના લશ્કરી અને પરમાણુ સ્થળોને નિશાન બનાવ્યા પછી ઇરાને પણ ઇઝરાયલ સામે બદલો લીધો છે. દરમિયાન ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ (ISRAEL PM BENJAMIN NETANYAHU) તેમના ભાષણમાં ઈરાનના લોકોની પ્રશંસા કરી અને ઈરાનના વર્તમાન શાસનથી મુક્તિની અપીલ કરી છે, સાથે જ તેમણે ઈરાની શાસન પર પ્રહારો કર્યા છે અને સ્પષ્ટપણે ચેતવણી આપી કે હજુ ઘણું બધું થવાનું છે. તેમણે ઉમેર્યું કે, ઇઝરાયલ ઇરાનના પરમાણુ સ્થળો સામે લશ્કરી અભિયાન ચાલુ રાખશે.
નેતન્યાહૂએ વર્તમાન ઈરાનના શાસન વિશે શું કહ્યું ?
વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ઈરાનના ગૌરવશાળી લોકો, આપણે ઇતિહાસના સૌથી મહાન લશ્કરી ઓપરેશનમાંના એક, ઓપરેશન રાઇઝિંગ લાયનની વચ્ચે છીએ. તેમણે કહ્યું કે હાલના ઇસ્લામિક શાસકો લગભગ 50 વર્ષથી તમારા પર જુલમ કરે છે, અને સતત ઇઝરાયલનો નાશ કરવાની ધમકી આપે છે.
ઇઝરાયલના હુમલાનો હેતુ શું છે ?
પોતાના સંબોધનમાં નેતન્યાહૂએ ઇઝરાયલના ઓપરેશનનો હેતુ જણાવતા કહ્યું કે, ઇઝરાયલ વિરૂદ્ધ ઇસ્લામિક શાસન દ્વારા ઉભા કરાયેલા પરમાણુ અને બેલિસ્ટિક મિસાઇલના ખતરાને નિષ્ફળ બનાવવાનો અમારો ઉદ્દેશ્ય છે. જેમ જેમ આપણે લક્ષ્યો પ્રાપ્ત કરીએ છીએ, તેમ તેમ તમારા માટે સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો માર્ગ પણ મોકળો કરી રહ્યા છીએ. છેલ્લા 24 કલાકમાં અમે ટોચના લશ્કરી કમાન્ડરો, વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિકો અને તેના બેલિસ્ટિક મિસાઇલ શસ્ત્રાગારનો મોટો ભાગ નષ્ટ કરી દીધો છે. એક મોટો સંકેત આપતા નેતન્યાહૂએ કહ્યું, 'હજુ ઘણું બધું થવાનું છે.'
આ પણ વાંચો --- ISRAEL-IRAN CONFLICT : ઇઝરાયલના 'ઓપરેશન રાઇઝિંગ લાયન'ના જવાબમાં ઇરાનનું 'ટ્રુ પ્રોમિસ 3'