બિહાર ચૂંટણી પહેલા JDU ને મોટો ઝટકો, ઔરંગાબાદ જિલ્લા પ્રમુખ સહિત અનેક નેતાઓએ સામૂહિક આપ્યા રાજીનામાં
- બિહાર ચૂંટણીમાં JDU ને મોટો ફટકો
- અનેક નેતાઓએ JDUમાંથી આપ્યા રાજીનામાં
- JDU નેતાઓમાં ટિકિટ વહેંચણી મામલે નારાજગી
બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીમાં JDU દ્વારા રફીગંજ બેઠક માટે LJP (રામવિલાસ) ના રાજ્ય મહાસચિવ પ્રમોદ કુમાર સિંહને ટિકિટ આપવાના નિર્ણયથી સ્થાનિક JDU નેતાઓ અને કાર્યકરોમાં ભારે નારાજગી ફેલાઈ છે. આ વિરોધના ભાગરૂપે રવિવારે જિલ્લા અને બ્લોક સ્તરના સંગઠનોના બે ડઝનથી વધુ અધિકારીઓએ સામૂહિક રીતે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
બિહાર ચૂંટણીમાં JDU ને મોટો ફટકો
પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા ઉપપ્રમુખો ઓમકાર સિંહ, ભોલા શંકર સિંહ, પપ્પુ જ્વાલા સિંહ, અપ્પુ સિંહ, મહાસચિવ પ્રભાકર સિંહ અને રિતેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે પ્રમોદ કુમાર સિંહ JDU ના પ્રાથમિક સભ્ય પણ નથી. તેમણે આક્ષેપ કર્યો કે, ગઈકાલ સુધી, તેઓ મુખ્યમંત્રી નીતિશ કુમારના પૂતળા બાળતા હતા અને સરકાર સામે વિરોધ કરતા હતા. અમે એવા વ્યક્તિ માટે પ્રચાર કરી શકીએ નહીં જે હંમેશા અમારી પાર્ટીનો વિરોધ કરતો આવ્યો હોય.
JDU ના આ કદાવાર નેતાએ આપ્યા રાજીનામા
ઔરંગાબાદ બ્લોક પ્રમુખ રાકેશ સિંહ, શહેર પ્રમુખ મુઝફ્ફર ઇકબાલ, રફીગંજ બ્લોક પ્રમુખ સુનીલ કુમાર વર્મા અને મદનપુર પ્રમુખ શમશેર સિંહે પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ અશોક કુમાર સિંહના યોગદાનને યાદ કરાવ્યું. તેમણે કહ્યું કે અશોક સિંહે વર્ષો સુધી પાર્ટી માટે સંગઠનને મજબૂત બનાવ્યું હતું અને બૂથ પર BLA-2 સુધીનું માળખું ઊભું કર્યું હતું, તેમ છતાં ટિકિટ એવા વ્યક્તિને આપવામાં આવી જેણે હંમેશા પાર્ટીનો વિરોધ કર્યો.
JDU ના અનેક નેતાઓ ટિકિટ વહેંચણી મામલે નારાજગી
શનિવારે રાજીનામું આપનારા જિલ્લા પ્રમુખ અશોક કુમાર સિંહે સ્પષ્ટતા કરી કે જો કોઈ અન્ય વરિષ્ઠ કાર્યકરને ટિકિટ આપવામાં આવી હોત તો તેમને કોઈ મુશ્કેલી ન થાત. તેમણે કહ્યું કે તેમના સિવાય દીપક કુમાર સિંહ પણ રફીગંજથી એક મજબૂત ઉમેદવાર હતા.અશોક સિંહે ભાવુક થઈને કહ્યું કે તેઓ તેમના પિતા, ભૂતપૂર્વ ધારાસભ્ય રામધર સિંહની હાજરીમાં JDU માં જોડાયા હતા અને તેઓ પાર્ટી નહીં છોડે, પરંતુ રફીગંજ બેઠક પર પ્રમોદ કુમાર સિંહ માટે પ્રચાર નહીં કરે. જોકે, તેમણે આશ્વાસન આપ્યું કે તેઓ ઔરંગાબાદ જિલ્લાના અન્ય વિધાનસભા મતવિસ્તાર જેમ કે કુટુમ્બ, ઔરંગાબાદ, નબીનગર, ઓબરા અને ગોહમાં NDA અને JDU માટે સક્રિયપણે પ્રચાર કરશે.જિલ્લા પ્રવક્તા અજિતાભ કુમાર સિંહ 'રિંકુ' એ જણાવ્યું કે કાર્યકરો આ નિર્ણયથી નારાજ છે અને પ્રમોદના તમામ કાર્યક્રમોથી દૂર રહેશે. જોકે, નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે બિહારમાં NDA ની સરકાર ચોક્કસ બનશે.
આ પણ વાંચો: અયોધ્યામાં 26.17 લાખ દીવા પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો, રામ કી પૌડી પર રામાયણનો લેસર શો


