જીતન રામ માંઝીની પાર્ટી HAM(S)એ તમામ 6 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા
- બિહાર વિધાનસભાની ચૂંટણી માટે HAM(S) ઉમેદવાર જાહેર કર્યા
- તમામ છ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા
- જીતન રામ માંઝીની પુત્રવધૂ દિપા કુમારીને પણ ટિકિટ અપાઇ
બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) માં સીટ-શેરિંગ ફોર્મ્યુલાને આખરી ઓપ આપ્યા પછી, હવે સાથી પક્ષોએ તેમના ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) બાદ હવે પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની અવમ મોરચા (સેક્યુલર) [HAM (S)] એ પણ છ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.
HAM(S) એ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી
HAM (S) દ્વારા જાહેર કરાયેલી છ ઉમેદવારોની પ્રથમ યાદીમાં સૌથી અગ્રણી નામ જીતન રામ માંઝીની પુત્રવધૂ દીપા કુમારીનું છે, જેમને ગયાની ઇમામગંજ બેઠક પરથી ફરી ટિકિટ મળી છે. આ ઉપરાંત, ટીકારીથી અનિલ કુમાર, બારચટ્ટીથી જ્યોતિ દેવી, અટારીથી રોમિત કુમાર, સિકંદરાથી પ્રફુલ્લ કુમાર માંઝી, અને કુટુમ્બા બેઠક પરથી લાલન રામનો સમાવેશ થાય છે.
विजयी भवः pic.twitter.com/cPuMPbGBXf
— Jitan Ram Manjhi (@jitanrmanjhi) October 14, 2025
HAM(S) એ તમામ છ બેઠકો પર નામ જાહેર કર્યા
ઉલ્લેખનીય છે કે HAM (S) દ્વારા જાહેર કરાયેલા છ ઉમેદવારોની યાદીમાં સૌથી મહત્વનું નામ પાર્ટીના વડા જીતન રામ માંઝીના પુત્રવધૂ દીપા કુમારીનું છે. તેમને ગયા જિલ્લાની પ્રતિષ્ઠિત ઇમામગંજ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. દીપા કુમારી આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય છે અને પાર્ટીએ આ વખતે પણ તેમના પર ફરીથી વિશ્વાસ મૂક્યો છે.પાર્ટીના વડા જીતન રામ માંઝીએ તેમના 'X' (અગાઉનું ટ્વિટર) હેન્ડલ પર આ યાદી જાહેર કરી અને તમામ ઉમેદવારોને "વિજયી ભવઃ" કહીને અભિનંદન પાઠવ્યા હતા.
નોંધનીય છે કે NDAના બેઠક વહેંચણી ફોર્મ્યુલા હેઠળ જીતન રામ માંઝીની પાર્ટી HAM (S) ને કુલ છ બેઠકો ફાળવવામાં આવી છે, જેની જાહેરાત આજે કરવામાં આવી છે. આ ગઠબંધનમાં JDU (જનતા દળ યુનાઇટેડ) અને BJP (ભારતીય જનતા પાર્ટી) દરેક 101 બેઠકો પર, ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (LJP) 29 બેઠકો પર અને ઉપેન્દ્ર કુશવાહાના રાષ્ટ્રીય લોક મોરચાને છ બેઠકો પર ચૂંટણી લડશે. બિહાર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કા માટે 6 નવેમ્બરે અને બીજા તબક્કા માટે ૧૧ નવેમ્બરે મતદાન થશે, જ્યારે પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: લોક ગાયિકા મૈથિલી ઠાકુર BJPમાં જોડાયા: બિહારમાં અલીનગર બેઠક પરથી મળી શકે છે ટિકિટ


