Earthquake: વિશ્વના સૌથી શક્તિશાળી ભૂકંપ વિશે જાણો સમગ્ર માહિતી
Earthquake: ભૂકંપ શું છે, ભૂકંપ કયા કારણે આવે છે તે પણ એક ખુબ જ મોટુ વિજ્ઞાન છે. ભૂકંપને તમે સરળ ભાષામાં આ પ્રકારે સમજી શકીએ છે કે જમીનની સપાટી નીચે થનારી હલચલના કારણે તેજ કંપન પેદા થાય છે. જેને ભૂકંપ કહે છે. અમેરિકાના અમેરિકન સર્વે અનુસાર એવું ત્યારે બને છે જ્યારે ધરતીના બે બ્લોક અચાનક એક બીજા પર ખસે છે. જેના કારણે જમા થયેલી ઉર્જા ભૂકંપીય તરંગો તરીકે બહાર નિકળે છે. આ તરંગો પૃથ્વીમાં ફેલાઇ જાય છે અને જેના કારણે જમીનમાં કંપન થવા લાગે છે જેને આપણે ભૂકંપ કહીએ છીએ.
1. ચિલી (1960) રિક્ટર સ્કેલ: 9.5
1960માં ચિલીમાં આવેલો ભૂકંપ અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. તેને ગ્રેટ ચિલી અથવા વાલ્દિવિયા ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. આમાં 1,655 લોકો મૃત્યુ પામ્યા અને 20 લાખથી વધુ લોકો બેઘર થયા.
2. અલાસ્કા (1964) રિક્ટર સ્કેલ: 9.2
અમેરિકાના અલાસ્કામાં 1964માં આવેલો આ ભૂકંપ ગ્રેટ અલાસ્કા ભૂકંપ અથવા ગુડ ફ્રાઈડે ભૂકંપ તરીકે ઓળખાય છે. આમાં 130 લોકોના મોત થયા અને 2.3 અબજ ડોલરનું નુકસાન થયું.
3. સુમાત્રા, ઈન્ડોનેશિયા (2004) રિક્ટર સ્કેલ: 9.1
2004માં ઈન્ડોનેશિયાના સુમાત્રામાં આવેલા ભૂકંપથી ઉદ્ભવેલી સુનામીએ દક્ષિણ એશિયા અને પૂર્વ આફ્રિકામાં તબાહી મચાવી હતી. આમાં 2.8 લાખથી વધુ લોકોના મોત થયા અને 11 લાખ લોકો વિસ્થાપિત થયા.
4. તોહોકુ, જાપાન (2011) રિક્ટર સ્કેલ: 9.1
આ ભૂકંપ ગ્રેટ તોહોકુ ભૂકંપ તરીકે ઓળખાય છે. આ ભૂકંપ અને સુનામીથી 15,000થી વધુ લોકોના મોત થયા અને 1.3 લાખ લોકો બેઘર થયા.
5. કામચટકા, રશિયા (1952) રિક્ટર સ્કેલ: 9.0
1952માં રશિયાના કામચટકામાં આવેલા ભૂકંપથી ઉદ્ભવેલી સુનામી હવાઈ ટાપુઓ સુધી પહોંચી હતી અને ત્યાં 10 લાખ ડોલરથી વધુનું નુકસાન થયું.
6. ચિલી (2010) રિક્ટર સ્કેલ: 8.8
ચિલીના બાયોબાયો વિસ્તારમાં આવેલા આ ભૂકંપથી 523 લોકોના મોત થયા અને 3.7 લાખથી વધુ ઘરો નાશ પામ્યા. આ ભૂકંપ પણ સમુદ્રની નીચે ઉદ્ભવ્યો હતો.
7. ઈક્વાડોર (1906) રિક્ટર સ્કેલ: 8.8
ઈક્વાડોર અને કોલંબિયાની સરહદ નજીક આવેલા આ ભૂકંપથી ભયંકર સુનામી ઉદ્ભવી હતી, જેમાં 1,500 લોકોના મોત થયા. તેની લહેરો અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો સુધી પહોંચી હતી.
8. કામચટકા, રશિયા (2025) રિક્ટર સ્કેલ: 8.8
30 જુલાઈ, 2025ના રોજ કામચટકામાં આવેલા ભૂકંપથી ઉદ્દભવેલી સુનામીથી અમેરિકા, હવાઈ, જાપાન, ફિલિપાઈન્સથી લઈને અનેક દ્વીપસમૂહમાં અસર પહોંચી હતી. ફૂકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટ ખાલી કરાવાયો હતો.
9. અલાસ્કા, અમેરિકા (1965) રિક્ટર સ્કેલ: 8.7
અલાસ્કાના રૅટ આઇલેન્ડ્સ નજીક 1965માં આવેલા ભૂકંપથી 35 ફૂટ ઊંચી સુનામી ઉદ્ભવી હતી. જોકે, આ વિસ્તારમાં વસ્તી ઓછી હોવાથી નુકસાન મર્યાદિત રહ્યું.
10. અરુણાચલ પ્રદેશ, ભારત (1950) રિક્ટર સ્કેલ: 8.6
1950માં ભારતના અરુણાચલ પ્રદેશમાં 8.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેને ‘અસમ-તિબેટ ભૂકંપ’ તરીકે ઓળખવામાં આવે છે. આ ભૂકંપથી ભારે તબાહી થઈ અને 780 લોકોના મોત થયા.
11. સુમાત્રા, ઈન્ડોનેશિયા (2012) રિક્ટર સ્કેલ: 8.6
ઉત્તર સુમાત્રાના કિનારેથી દૂર આવેલા આ ભૂકંપમાં જોરદાર આંચકા અનુભવાયા હતા. જોકે, આ આપદામાં વધુ નુકસાન થયું ન હતું અને કેટલાક લોકોના મોત હૃદયરોગના હુમલાથી થયા હતા.


