સેવાની ધૂણી ધખાવનારા પૂ. ઠક્કરબાપાની આજે જન્મ જયંતિ
- આદિવાસી વિસ્તારમાં સેવાની આહલેક જગાવનાર ઠક્કર બાપાની આજે જન્મ જયંતિ
- ઠક્કર બાપાએ સુખસભર જીવન છોડીને આદિવાસીઓના ઉદ્ધારનો રસ્તો પસંદ કર્યો
- કવિ ઝવેરચંદ મેઘાણીએ ઠક્કરબાપાનું બિરૂદ આપ્યું, જે યથાવત રહ્યું
Thakkar Bapa Birth Anniversary : સુખ-સમૃદ્ધિ ભર્યું જીવન છોડીને દાહોદ જેવા આદિવાસી વિસ્તારમાં સેવાની ધૂણી ધખાવનારા પૂ.ઠક્કર બાપાની આજે જન્મ જયંતિ છે. તેમણે જીવન પર્યંત કરેલા સેવા કાર્યો અમૂલ્ય છે. તેમની જીવન ઝરમર સાચા અર્થમાં પ્રેરણાદાયી છે. ચાલો તેમના જીવનકાળ દરમિયાન કરેલા સેવાકાર્યો પર નજર નાંખીએ.
સેવાકાર્યોની ઝલક
પૂજ્ય ઠક્કરબાપાએ અતિ પછાત ગણાતા દાહોદ વિસ્તારમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતુ. આદિવાસી બાળકોમાં શિક્ષણના સંસ્કારોનું સિંચન કરવા માટે તેમણે ભીલ સેવા મંડળની સ્થાપના કરી હતી, સૌ પ્રથમ મીરાખેડીમાં ઉત્તર બુનિયાદી આશ્રમશાળા સ્થાપીને, નિરક્ષરતા નાબુદી અને આદિવાસી કલ્યાણનો પાયો નાખ્યો હતો. ભીલ સેવા મંડળની પ્રવૃત્તિઓથી પ્રેરાઈને પૂ. મોટા, મામાસાહેબ ફ્ડકે, નરસિંહભાઈ હઠીલા સહિતના અગ્રણીએ સેવા યજ્ઞમાં જોડાયાં હતા. આ કાર્યને પૂ. ગાંધીજી અને સરદાર પટેલનો સક્રિય સહકાર મળતો હતો. ભીલ સેવા મંડળ બાદમાં તો જેસાવાડા , ટીટોડી, દાહોદ ભીલ કન્યા આશ્રમ સહિત અનેક સ્થળે શૈક્ષણિક ક્રાંતિ આણતા આશ્રામો સ્થપાયા અને વખતોવખત આ સંસ્થાના વિવિધ પ્રસંગ પર્વે સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, રાજેન્દ્રપ્રસાદ, બાળાસાહેબ ખેર, જુગતરામ દવે, બાબુભાઈ જ. પટેલ, મોરારજી દેસાઈ જેવા મહાનુભાવો દાહોદના મહેમાન બન્યાં હતા.
ઝવેર ચંદ મેઘાણીએ ઠક્કરબાપાનું બિરૂદ આપ્યું
જેસાવાડામાં રામજી મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં અત્રે પધારેલ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ 1939માં સૌ પ્રથમ વખત તેમને ઠક્કરબાપાનું બિરુદ આપ્યું. જે પછીથી તેમની કાયમી ઓળખ બની રહી હતી. પૂ. ઠક્કરબાપા જીવનસંધ્યાએ વતન ભાવનગર પુનઃ સ્થાયી થયાં હતાં અને તા.19 જાન્યુઆરી, 1951ના 82 વર્ષની વયે તેઓનું અવસાન થયું હતું.
ઠક્કર બાપાની જીવન ઝરમર
વર્ષ 1869 ના ભાવનગર ખાતે જન્મેલા ઠક્કરબાપા ત્યાં જ ભણીને ઈજનેર બન્યા. જીવનના 45 માં વર્ષ સુધી સેવાકીય - દેશદાઝવાળો સ્વભાવ ધરાવતાં અમૃતલાલ ઠકકરે વિવિધ સ્થળ ઈજનેર તરીકે નોકરી કરી હતી. 1919થી 1922ના વર્ષોમાં દાહોદ જિલ્લાનું અલગ અસ્તિત્વ નહોતું, તેવા તત્કાલીન સમગ્ર પંચમહાલમાં કારમો દુષ્કાળ પડ્યો હતો. ત્યારે પૂ.ગાંધીજીની સલાહથી 1919માં તેઓ નિરીક્ષણ હેતુ આવ્યા હતા, અને અહીંના આદિવાસીઓની અવદશા જોઈ 1922થી દાહોદ ખાતે સ્થાયી થયા હતા. દાહોદના બાંધકામ ખાતામાં સરકારી નોકરી કરતા દાહોદના જ સુખદેવભાઈ ત્રિવેદી, ગાંધીજીની પ્રવૃત્તિઓથી પ્રેરિત થતા પોતાની સરકારી નોકરીને તિલાંજલિ આપી દાહોદમાં તેમની સાથે આ સેવાકાર્યમાં જોડાયા હતા.
ભીલ સેવા મંડળ આજે મોટું વટવૃક્ષ બની ગયું છે
વર્ષ 1922માં ઠક્કરબાપા સ્થાપિત ભીલ સેવા મંડળની હાલમાં કુલ મળીને 72 સંસ્થાઓ હોવાનું જાણવા મળી રહ્યું છે, અને કુલ મળીને લગભગ 10 હજાર વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો ------ Shikshapatri : પોલીસ અને ન્યાયતંત્રથી મુક્ત સમાજની કલ્પના


