PM Modi સંબોધન : 'ગર્વથી કહો હું સ્વદેશી ખરીદુ છું', PM મોદીએ ગણાવ્યા GST 2.0 ના ફાયદા
PM MODI LIVE : જ્યારે પણ પીએમ મોદી દેશને સંબોધિત કરે છે, ત્યારે કોઈ ખાસ મુદ્દાને લઈને વાતચીત કરતાં હોય છે. થોડી જ વારમાં પીએમ મોદી દેશને સંબોધિત કરશે. આ અંગે પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે, પીએમ મોદી દેશને સંબોધિત કરવાના છે. તે જાહેરાત પછી અનેક રીતના તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યાં હતા કે, પીએમ મોદી દેશના લોકો માટે કોઈ મોટી જાહેરાત કરવા જઈ રહ્યાં છે કે, વર્તમાન સમયમાં જીએસટીમાં કરવામાં આવેલા ઘટાડાને લઈને કંઈક વાત કરે છે. આ બધા વચ્ચે દેશના ખેડૂતોને લઈને પણ કોઈ મોટી જાહેરાત કરવાના તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યાં હતા.
એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય H1B વિઝાને લઈને ચિંતા ઉપજાવે તેવી પણ જાહેરાત કરી છે, તો બીજી તરફ પાછલા ઘણા સમયથી રાહુલ ગાંધી ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી ઉપર વોટ ચોરીનો આરોપ લગાવી રહ્યાં છે, તો તે અંગે દેશના લોકોને સંબોધન કરીને કોઈ ખુલાસો કરી શકે તેવા તર્ક પણ આપવામાં આવી રહ્યાં હતા.
જોકે, આ બધા તર્ક-વિતર્ક ઉપર પૂર્ણ વિરામ મૂકવા માટે પીએમ મોદી સ્ટેજ ઉપર આવી ગયા છે. તેથી દેશના લોકોને તેઓ કોઈ ભેટ આપે છે કે માત્ર કોઈ માહિતી આપે છે, તે થોડી જ વારમાં ખ્યાલ આવી જશે.
આત્મનિર્ભર ભારતના વચન સાથે પીએમ મોદીએ ભાષણને પૂર્ણ કર્યું, દેશને દિવાળીની આપી શુભેચ્છા
September 21, 2025 5:22 pm
રાષ્ટ્રને સંબોધનમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે, જાણીજોઈને કે અજાણતાં ઘણી બધી વિદેશી વસ્તુઓ આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે. આપણને એ પણ ખબર નથી કે આપણા ખિસ્સામાં રહેલો કાંસકો ભારતીય છે કે વિદેશી. હવે આપણે આમાંથી મુક્ત થવું પડશે. આપણે ભારતમાં બનેલી વસ્તુઓ ખરીદવી જોઈએ, જેમાં આપણા દીકરા-દીકરીઓનો પરસેવો હોય. આપણે આપણા ઘરોને સ્વદેશીનું પ્રતીક બનાવવું જોઈએ. ગર્વથી કહો કે હું સ્વદેશી ખરીદું છું, હું સ્વદેશી વસ્તુઓ પણ વેચું છું. આ દરેક ભારતીયનો અભિગમ બનવો જોઈએ. જ્યારે આવું થશે ત્યારે ભારતનો ઝડપથી વિકાસ થશે. આજે હું તમામ રાજ્ય સરકારોને પણ આત્મનિર્ભર ભારતના આ અભિયાન, સ્વદેશીના આ અભિયાન સાથે તેમના રાજ્યોમાં ઉત્પાદનને વેગ આપવા વિનંતી કરું છું. સંપૂર્ણ ઉર્જા અને ઉત્સાહ સાથે રોકાણ માટે વાતાવરણ બનાવો. જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને આગળ વધશે ત્યારે વિકસિત ભારતનું સ્વપ્ન પૂર્ણ થશે. આ સાથે હું આ બચત મહોત્સવની ઘણી બધી શુભેચ્છાઓ સાથે મારા ભાષણનો અંત કરું છું.
હવે આપણે આત્મનિર્ભરતાના મંત્ર સાથે આગળ વધવું જોઈએ - પીએમ મોદી
September 21, 2025 5:19 pm
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે હવે આપણે આત્મનિર્ભરતાના મંત્ર સાથે આગળ વધવું જોઈએ. દેશના લોકોને જે કંઈ જોઈએ છે, જે કંઈ આપણે ઘરેલુ ઉત્પાદન કરી શકીએ છીએ, આપણે તેનું ઘરેલુ ઉત્પાદન કરવું જોઈએ. GST દરમાં ઘટાડો અને નિયમો અને પ્રક્રિયાઓના સરળીકરણથી, આપણા MSME, આપણા નાના અને કુટીર ઉદ્યોગોને ઘણો ફાયદો થશે. તેમનું વેચાણ વધશે અને તેમને ઓછો કર ચૂકવવો પડશે. આનો અર્થ એ છે કે તેમને પણ બમણો ફાયદો થશે. તેથી, આજે મને તમારા બધા પાસેથી ઘણી અપેક્ષાઓ છે, પછી ભલે તે નાના હોય, સૂક્ષ્મ હોય કે કુટીર. તમે એ પણ જાણો છો કે જ્યારે ભારત સમૃદ્ધિની ટોચ પર હતું, ત્યારે આપણા નાના અને કુટીર ઉદ્યોગો અર્થતંત્રનો મુખ્ય આધાર હતા. ભારતનું ઉત્પાદન અને ગુણવત્તા શ્રેષ્ઠ હતી. આપણે તે ગૌરવ પાછું મેળવવું જોઈએ. આપણા ઉદ્યોગો જે ઉત્પન્ન કરે છે તે વિશ્વમાં શ્રેષ્ઠ હોવું જોઈએ. આપણે જે પણ ઉત્પાદન કરીએ છીએ તે વિશ્વના શ્રેષ્ઠના માપદંડોને પાર કરવું જોઈએ. આપણા ઉત્પાદનોએ વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવું જોઈએ.
દેશના દુકાનદારો GST સુધારા પ્રત્યે ઉત્સાહિત - પીએમ મોદી
September 21, 2025 5:17 pm
પીએમ મોદીએ કહ્યું, "મને ખુશી છે કે દુકાનદારો GST સુધારા પ્રત્યે ઉત્સાહિત છે. તેઓ ગ્રાહકો સુધી તેના ફાયદા પહોંચાડવા માટે કામ કરી રહ્યા છે. આપણે 'નાગરિક દેવો ભવ' (નાગરિક ભગવાન છે) ના મંત્ર સાથે આગળ વધી રહ્યા છીએ. જો આપણે આવકવેરા મુક્તિ અને GST મુક્તિને જોડીએ તો એક વર્ષમાં લેવામાં આવેલા નિર્ણયો દેશના લોકોને 2.5 લાખ કરોડ રૂપિયાથી વધુ બચાવશે. તેથી, આ બચત ઉત્સવ બની રહ્યો છે. હવે આપણે આત્મનિર્ભરતાના મંત્ર સાથે આગળ વધવું જોઈએ. દેશના લોકોને જે કંઈ જોઈએ છે, જે કંઈ આપણે દેશમાં બનાવી શકીએ છીએ, તે આપણે દેશમાં જ બનાવવું જોઈએ."
અમે સત્તામાં આવ્યા ત્યારે GST ને અમારી પ્રાથમિકતા બનાવી
September 21, 2025 5:16 pm
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે તમે 2014 માં અમને તક આપી, ત્યારે અમે GST ને અમારી પ્રાથમિકતા બનાવી. અમે દરેક રાજ્યના દરેક શંકાનું નિરાકરણ કર્યું અને દરેક પ્રશ્નનો ઉકેલ શોધી કાઢ્યો. બધા રાજ્યોને સાથે લઈને, સ્વતંત્ર ભારતનો આ મોટો કર સુધારો શક્ય બન્યો. કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસોનું પરિણામ હતું કે દેશ ડઝનબંધ કરવેરાના જાળમાંથી મુક્ત થયો. હવે, સમગ્ર દેશ માટે એક સમાન વ્યવસ્થા સ્થાપિત થઈ છે. "એક રાષ્ટ્ર, એક કર" નું સ્વપ્ન સાકાર થયું છે. મિત્રો, સુધારા એક સતત પ્રક્રિયા છે. જેમ જેમ સમય બદલાય છે, જેમ જેમ દેશની જરૂરિયાતો બદલાય છે, તેમ તેમ આગામી પેઢીના સુધારા પણ એટલા જ જરૂરી છે. વર્તમાન જરૂરિયાતો અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને નવા GST સુધારા લાગુ કરવામાં આવી રહ્યા છે. હવે, ફક્ત 5% અને 18% ટેક્સ સ્લેબ રહેશે. આનો અર્થ એ છે કે રોજિંદા વસ્તુઓ વધુ સસ્તી બનશે. ખાદ્ય પદાર્થો, દવાઓ, ટૂથપેસ્ટ અને વીમા બધી વસ્તુઓ પર શૂન્ય અથવા 5% ટેક્સ લાગશે. લગભગ 99% વસ્તુઓ જે પહેલા 12% ટેક્સનો સામનો કરતી હતી તેના પર હવે 5% ટેક્સ લાગશે.
11 વર્ષમાં દેશના 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા
September 21, 2025 5:15 pm
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં દેશના 25 કરોડ લોકોએ ગરીબીને હરાવી છે. તેમણે ગરીબીમાંથી બહાર આવીને એક મોટો સમૂહ નવ-મધ્યમ વર્ગ તરીકે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. આ વર્ગની પોતાની મહત્વાકાંક્ષાઓ અને સપના છે. આ વર્ષે સરકારે 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત ભેટ આપી છે, અને જ્યારે 12 લાખ રૂપિયા સુધીના પગાર પરનો કર શૂન્ય થઈ જાય છે, ત્યારે મધ્યમ વર્ગને નોંધપાત્ર ફાયદો થાય છે. હવે ગરીબોનો વારો છે. નવ-મધ્યમ વર્ગનો વારો છે. હવે તેમને બેવડું વળતર મળી રહ્યું છે. GSTમાં ઘટાડા સાથે, દેશના નાગરિકો માટે તેમના સપના પૂરા કરવાનું સરળ બનશે. ઘર બનાવવું, સ્કૂટર કે કાર ખરીદવી, આ બધા માટે હવે ઓછો ખર્ચ કરવો પડશે. મુસાફરી પણ સસ્તી થશે, કારણ કે હોટલના રૂમ પરનો GST પણ ઘટાડવામાં આવ્યો છે.
પીએમ મોદીએ કહ્યું- 25 કરોડ ગરીબ લોકો ન્યૂરો મીડલ વર્ગમાં આવ્યા
September 21, 2025 5:11 pm
My address to the nation. https://t.co/OmgbHSmhsi
— Narendra Modi (@narendramodi) September 21, 2025
PM Modi Speech Today: પીએમ મોદી જીએસટી વિશે વિસ્તારપૂર્વક ચર્ચા
September 21, 2025 5:10 pm
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે માલ અલગ અલગ જગ્યાએ મોકલવો પડતો હતો, ત્યારે અસંખ્ય ચેકપોઇન્ટ પાર કરવા પડતા હતા, અને અસંખ્ય ફોર્મ ભરવા પડતા હતા. દરેક જગ્યાએ કર અલગ અલગ હતા. જ્યારે દેશે મને 2014 માં વડા પ્રધાન તરીકેની જવાબદારી સોંપી, ત્યારે એક વિદેશી અખબારે એક રસપ્રદ ઉદાહરણ પ્રકાશિત કર્યું. તેમાં એક કંપનીની મુશ્કેલીઓનું વર્ણન કર્યું. કંપનીએ કહ્યું કે બેંગ્લોરથી 570 કિલોમીટર દૂર હૈદરાબાદ માલ મોકલવો એટલો મુશ્કેલ હતો કે તેઓ પહેલા પોતાનો માલ બેંગ્લોરથી યુરોપ મોકલવાનું પસંદ કરતા હતા અને પછી તે જ માલ યુરોપથી હૈદરાબાદ મોકલતા હતા. મિત્રો, તે સમયે કર અને ટોલની જટિલતાને કારણે આ સ્થિતિ હતી. અને હું તમને એક જૂનું ઉદાહરણ યાદ કરાવી રહ્યો છું. તે સમયે લાખો કંપનીઓ અને નાગરિકો વિવિધ કરના ચક્રવ્યૂહને કારણે રોજિંદા સમસ્યાઓનો સામનો કરતા હતા. એક શહેરથી બીજા શહેરમાં માલના પરિવહન દરમિયાન થતા વધતા ખર્ચ ગરીબો દ્વારા ઉઠાવવામાં આવતા હતા, અને ગ્રાહકોએ તે ખર્ચ સહન કરવો પડતો હતો. દેશને આમાંથી મુક્ત કરવો જરૂરી હતો.
PM Modi Speech : દેશને બચત ઉત્સવની શુભેચ્છાઓ
September 21, 2025 5:06 pm
રાષ્ટ્રને સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવરાત્રિની શરૂઆતની જાહેરાત કરી અને દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે જણાવ્યું કે 22 સપ્ટેમ્બર એ નવરાત્રિનો પહેલો દિવસ છે અને તે દિવસે નવી નેક્સ્ટ જનરેશન જીએસટી લાગુ કરવામાં આવશે. આ પ્રસંગને ખાસ ગણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ફક્ત ઉજવણીનો સમય નથી, પરંતુ આર્થિક વિકાસ અને કર સુધારણા માટેનો એક મહત્વપૂર્ણ તબક્કો પણ છે.
પીએમ મોદીના રાષ્ટ્રજોગ સંદેશ પછી સોશિયલ મીડિયામાં મજેદાર અનેક પોસ્ટ
September 21, 2025 4:59 pm
સોશિયલ મીડિયામાં અનેક રીતના મજેદાર મેસેજ લોકો વાયરલ કરી રહ્યાં છે
PM Modi Speech Today: સાંજે પાંચ વાગે પીએમ મોદી દેશને સંદેશ આપશે
September 21, 2025 4:57 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે પાંચ વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે. તેમના આ સંબોધનને લઈને દેશભરમાં અનેક રીતની અટકળો લગાવવામાં આવી રહી ચે. દરેક વખતની જેમ આ વખતે પણ સસ્પેન્સ યથાવત છે, કે તેઓ ક્યાં મહત્વપૂર્ણ વિષયો પર પોતાના વિચાર રજૂ કરશે. વડાપ્રધાન કાર્યાલયે એક્સ પર પોસ્ટ કરીને આની જાણકારી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે પાંચ વાગે દેશને સંબોધિત કરશે. આ પોસ્ટમાં અન્ય કોઈ જ જાણકારી આપવામાં આવી નહતી.
PM @narendramodi will be addressing the nation at 5 PM this evening.
— PMO India (@PMOIndia) September 21, 2025
પીએમ નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીમાં 12 વખત રાષ્ટ્રને સંબોધન કર્યું, દરેક વખતે એક મોટો સંદેશ આપ્યો
September 21, 2025 4:52 pm
8 નવેમ્બર, 2016 - નોટબંધીની જાહેરાત. 27 માર્ચ, 2019 - મિશન શક્તિ (ઉપગ્રહ વિરોધી મિસાઇલ પરીક્ષણ). 24 માર્ચ, 2020 - કોવિડ-19 લોકડાઉનની જાહેરાત. 14 એપ્રિલ, 2020 - કોવિડ લોકડાઉનનું વિસ્તરણ. 12 મે, 2020 - આત્મનિર્ભર ભારત આર્થિક પેકેજ. ૩૦ જૂન, ૨૦૨૦ - અનલોક ૨.૦ માર્ગદર્શિકા. 20 ઓક્ટોબર, 2020૦ - કોવિડ સંબંધિત નીતિઓ. 7 જૂન, 2021 - રસીકરણ અભિયાનની પ્રગતિ. 19 નવેમ્બર, 2021 - ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવા. 8 ઓગસ્ટ, 2019 – કલમ 370 નાબૂદ કર્યા પછીનું નિવેદન. 12 મે, 2025 – ઓપરેશન સિંદૂર (આતંકવાદ વિરોધી કામગીરી સંબંધિત માહિતી). ઉપરાંત, દર વર્ષે 15 ઓગસ્ટના રોજ – લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસની ઉજવણીને સંબોધિત કરે છે.


