Bhavnagar માં કોમ્પલેક્સમાં લાગી વિકરાળ આગઃ બાળકો, વૃદ્ધો સહિત દર્દીઓનું રેસ્ક્યૂ
- ભાવનગરમાં કોમ્પલેક્સમાં લાગી વિકરાળ આગ
- કોમ્પલેક્સની હોસ્પિટલમાં ફસાયા દર્દીઓ
- કાચ તોડીને દર્દીઓનું રેસ્ક્યૂ ઓપરેશન કરાયું
- બેઝમેન્ટમાં લાગેલી આગે ધારણ કર્યું વિકરાળરૂપ
Bhavnagar: ભાવનગર શહેરના કાળુભા રોડ વિસ્તારમાં આવેલા સમીપ કોમ્પલેક્સમાં ભયંકર આગ લાગી છે. જે કોમ્પલેક્સમાં આગ લાગી તેમાં 3-4 જેટલી હોસ્પિટલ અને લેબોરેટરી હોવાથી મોટી સંખ્યામાં લોકો ફસાયા હતા. દુર્ઘટના થતા સ્થાનિકોએ ક્ષણવારનો વિલંબ કર્યા વગર બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં ફસાયેલા બાળકો અને વૃદ્ધો સહિત લોકોને બહાર કાઢવાની સ્થાનિકોએ કામગીરી કરી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિની નથી થઈ.
કોમ્પલેક્સના બેઝમેન્ટમાં આગ લાગી
મળતી માહિતી મુજબ, સમીપ કોમ્પલેક્સના બેઝમેન્ટમાં આગ લાગી હતી. બેઝમેન્ટમાં લાગેલી આગ જોતજોતામાં સમગ્ર કોમ્પલેક્સમાં પ્રસરી ગઈ. કોમ્પલેક્સમાં હોસ્પિટલ અને લેબોરેટરી હોવાથી અનેક લોકો ફસાઈ ગયા હતા. દુર્ઘટનાના લીધે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બેબાકળા બનેલા લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી.
સ્થાનિકો રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયા
સમીપ કોમ્પલેક્સમાં આગ લાગવાની જાણ થતા સ્થાનિકો રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાઈ ગયા હતા. લોકોએ જાણ કરતા ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી. હોસ્પિટલ અને લેબ સહિત કોમ્પલેક્સમાંથી 19થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હોસ્પિટલની બારીના કાચ તોડીને લોકોએ બાળકો અને વૃદ્ધોની બચાવ કામગીરી કરી હતી. બાળકોની હોસ્પિટલમાં પહેલા માળે કાચ તોડીને સીડી મૂકી બાળકોનું રેસ્ક્યૂ કરાયું હતું. રેસ્ક્યૂ કરાયેલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બચાવ કામગીરી માટે 5 ફાઈટર અને 50થી વધુ કર્મચારીઓ જોડાયા હતા.
આગમાં નુકસાન
આગની ઘટનામાં બેઝમેન્ટમાં પાર્ક કરેલા ટુવ્હીલર્સ સહિતના વાહનો બળીને ખાખ થયા છે. ઉપરાંત કોમ્પલેક્સમાં જ્યાં જ્યાં આગ પ્રસરી હતી તે બધા સ્થળે પણ નુકસાન થયું છે. બેઝમેન્ટમાં કાગળનો મોટો જથ્થો હોવાથી આગ વિકરાળ બની હોવાની વિગતો મળી છે.
વિરોધ પક્ષના નેતાએ તંત્ર પર પ્રહાર કર્યા
સમીપ કોમ્પલેક્સમાં આગ લાગવાની ઘટનાને લઈને વિરોધ પક્ષના નેતા લાલભા ગોહિલએ પ્રહાર કર્યા છે. તેમણે તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. લાલભા ગોહિલે આરોપ કર્યો છે કે, કોમ્પલેક્સના બેઝમેન્ટમાંથી ગેસ સિલિન્ડર પણ મળ્યા છે. જેના લીધે આગ વિકરાળ બની હતી.


