PoKમાં પાકિસ્તાની સેના અને સરકાર સામે ભારે વિરોધ પ્રદર્શન, અત્યાર સુધી 8 લોકોના મોત,50થી વધુ ઘાયલ
- PoK માં પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે
- ઉગ્ર પ્રદર્શનમાં અત્યાર સુધી 8 લોકોના મોત
- PoKમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરાઇ
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. વડાપ્રધાન શહબાઝ શરીફ સરકાર અને પાકિસ્તાની સેના વિરુદ્ધ હજારો લોકો રસ્તા પર ઉતરીને વ્યાપક વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. અત્યાર સુધીમાં પોલીસ સાથેની અથડામણોમાં 8 નાગરિકોના મોત થયાના અને 50થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલો છે.
PoK માં ઉગ્ર પ્રદર્શનમાં આઠ લોકોના મોત
નોંધનીય છે કે સંયુક્ત અવામી એક્શન કમિટી (JAAC) મુજબ, મૃત્યુઆંકમાં મુઝફ્ફરાબાદમાં ત્રણ, દૈરીકોટમાં ચાર અને ડોડિયાલમાં એક નાગરિકનો સમાવેશ થાય છે. હજારો પ્રદર્શનકારીઓ મુઝફ્ફરાબાદ તરફ કૂચ કરી રહ્યા છે. લાલ ચોક સહિત મુઝફ્ફરાબાદ, દૈરીકોટ અને ડોડિયાલમાં હિંસક અથડામણો થઈ હોવાના અહેવાલ છે, જ્યાં પાકિસ્તાની પોલીસે ગોળીબાર પણ કર્યો છે. JAAC એ 38 માંગણીઓ મૂકી છે, જેમાં મફત રાશન, મફત વીજળી અને હેલ્થ કાર્ડ યોજના સામેલ છે.
પાકિસ્તાન સરકારે PoK માં બે હજાર પોલીસ તૈનાત કરી
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રિત કરવા માટે પાકિસ્તાન સરકારે મુઝફ્ફરાબાદમાં 2,000 પોલીસકર્મીઓ તૈનાત કર્યા છે. તણાવ વધતાં પાકિસ્તાન સરકારે પ્રદેશમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે, .પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પૂરી નહીં થાય, તો તેઓ આવતીકાલે PoK વિધાનસભા પર પ્રદર્શન કરાશે.
પાકિસ્તાનના અન્ય ભાગોમાં હિંસા
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં મંગળવારે બે અલગ-અલગ બોમ્બ વિસ્ફોટોમાં ચાર આતંકવાદીઓ સહિત નવ લોકોનાં મોત થયા છે. પ્રથમ ઘટનામાં અશાંગી લગદ ગામમાં રસ્તા પરના બોમ્બ વિસ્ફોટમાં પાંચ ગ્રામજનોના મોત થયા હતા. જ્યારે વાનાના વાચા ખવોરા વિસ્તારમાં એક અન્ય ઘટનામાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) લગાવવાના પ્રયાસમાં થયેલા વિસ્ફોટમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા.
આ પણ વાંચો: પુતિન 5-6 ડિસેમ્બરે ભારત આવશે: અમેરિકાને સ્પષ્ટ સંદેશ, સંરક્ષણ સોદા પર ફોકસ