મેડિકલ ઓફિસરની કાર પર અસામાજીક તત્વોએ કર્યો હુમલો
અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી
શક્તિપીઠ અંબાજી દાંતા તાલુકામાં આવેલું છે. બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જેમાં દાંતા તાલુકો સૌથી પછાત તાલુકા તરીકે ઓળખ ધરાવે છે. દાંતા તાલુકામાં અલગ અલગ જગ્યા પર સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવેલ છે અને આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવેલ છે ત્યારે દાંતા ખાતે પણ સરકારી સિવિલ હોસ્પિટલ આવેલી છે. આ સિવિલમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસરે દાંતા પોલીસ મથકમાં લેખિત અરજી આપી છે અને જણાવવામાં આવ્યું છે કે અમારી કાર પર અસામાજિક તત્વો એ હુમલો કરેલ છે.
દાંતા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ભવરદાન ગઢવી છેલ્લા ઘણા સમયથી અહીં ફરજ બજાવે છે અને તેમનું ક્વાટર સિવિલ પરિસરમાં જ આવેલું છે. દાંતા પોલીસ મથકે આપેલી અરજીમાં તેમને જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે હું સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવીને રાત્રે મારા ક્વાર્ટર પર ગયો ત્યારે મારા ક્વાર્ટર આગળ ઉભેલી મારી માલિકીની કાર પર અસામાજિક તત્વોએ પથ્થર વડે હુમલો કરેલ છે જેની અરજી પણ રાત્રે પોલીસને આપવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. દાંતા સિવિલ પરિસરમાં અન્ય ગાડીઓ પણ ઉભેલી હતી પણ તેની પર હુમલો કરવામાં આવેલ નથી. સફેદ કલરની સ્વીફ્ટ કાર પર હુમલો કરવામાં આવ્યો અને કાચ તોડવામાં આવ્યા હતા. આમ દાંતા સિવિલ સરકારી હોસ્પિટલમાં આવી ઘટનાથી પોલીસતંત્ર સામે અસામાજીક તત્વોએ પડકાર ફેંક્યો હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો - ભુજના કિઆનની અનોખી સિદ્ધિ, આખે પાટા બાંધીને કરે છે સ્કેટિંગ


