મહેસાણાની મઢાસણા ચોકડી પાસે અજાણ્યા કારચાલકે બાઇક અને એકટિવાને ટક્કર મારતા 3 લોકોના મોત,બેની હાલત ગંભીર
- મહેસાણા ની મઢાસણા ચોકડી પાસે અકસ્માત
- બેફામ કારચાલકે બાઇક અને એક્ટિવાને લીધા અડફેટે
- અકસ્માતમાં કુલ 3 યુવકોનાં મોત, 2 ગંભીર રીતે ઘાયલ
- ગુંજા ગામના 2, ખટાસણા ગામના 1 યુવકનું મૃત્યુ
- અકસ્માત સર્જી અજાણ્યો કાર ચાલક થયો ફરાર
- વડનગર પોલીસ મથકમાં કાર ચાલક સામે ફરિયાદ
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી એક અત્યંત ગમખ્વાર અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા-વડનગર રોડ પર આવેલી મઢાસણા ચોકડી પાસે બેફામ ગતિએ આવતા એક અજાણ્યા કાર ચાલકે બાઇક અને એક્ટિવાને જોરદાર ટક્કર મારીને અડફેટે લીધા હતા, જેના કારણે ત્રણ યુવકોનાં કરુણ મોત નિપજ્યાં છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
મહેસાણા ની મઢાસણા ચોકડી પાસે અકસ્માત
આ ગમખ્વાર અકસ્માતમાં કુલ પાંચ લોકો રોડ પર પટકાયા હતા, જેમાંથી ત્રણ યુવકોનાં મોત થયાં છે. અન્ય બે યુવકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃત્યુ પામનાર યુવકોમાં વિસનગરના ગુંજા ગામના કિશનજી અને નિલેશજી તેમજ વડનગરના ખટાસણા ગામના મહેશજીનો સમાવેશ થાય છે. આ સમાચાર મળતાં જ બંને ગામોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મહેસાણા ની મઢાસણા ચોકડી પાસે અકસ્માતમાં 3 લોકોના મોત
મળતી માહિતી મુજબ, કાર ચાલકે બેફામ અને ઓવરસ્પીડમાં ગાડી હંકારીને બાઇક અને એક્ટિવાને ટક્કર મારી હતી, જેના કારણે વાહનો પર સવાર લોકો હવામાં ફંગોળાયા હતા. બાઇક પર સવાર કિશનજીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે ગંભીર ઈજા પામેલા નિલેશજી અને મહેશજીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માત થતાં જ આજુબાજુના લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને સત્વરે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જોકે, અકસ્માત સર્જનાર અજાણ્યો કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.વડનગર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધી છે અને સઘન તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે બેફામ કાર ચાલકને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે.
આ પણ વાંચો: Jamnagar : દિવાળીની રાત્રે હત્યાની ઘટનામાં ત્રણ આરોપીઓ ઝબ્બે