મોદી કેબિનેટે લીધો મોટો નિર્ણય, દેશભરમાં 57 નવા કેન્દ્રીય વિદ્યાલયો ખુલશે
- New Kendriya Vidyalaya: મોદી કેબિનેટે બુધવારે લીધો મોટો નિર્ણય
- દેશભરમાં 57 નવા કેન્દ્રીય વિદ્યાલયો ખોલવામાં આવશે
- બિહારમાં 19 નવા કેન્દ્રીય વિદ્યાલયો બનશે
કેન્દ્રીય કેબિનેટે બુધવારે દેશભરમાં 57 નવા કેન્દ્રીય વિદ્યાલયો (KVs) ખોલવાને મંજૂરી આપી દીધી છે. જે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું છે. આ 57 કેન્દ્રીય વિધાલય માંથી 7 ગૃહ મંત્રાલય દ્વારા અને 50 રાજ્ય સરકારો દ્વારા સ્પોન્સર કરવામાં આવશે. આ નવી શાળાઓ ખોલવાનો મુખ્ય હેતુ સંરક્ષણ, અર્ધસૈનિક દળો અને કેન્દ્ર સરકારના કર્મચારીઓના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવાનો છે. આ નવા વિદ્યાલયોના નિર્માણ અને સંચાલન પાછળ સરકાર દ્વારા ₹5,863 કરોડ સુધીનું મોટું રોકાણ કરવામાં આવશે. સરકારે આગામી 9 વર્ષમાં આ રકમ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં ₹2,585 કરોડ માળખાકીય સુવિધાઓ અને ₹3,277 કરોડ શાળાઓના સંચાલન પર ખર્ચ થશે.
New Kendriya Vidyalaya: આ રાજ્યમાં પણ ખુલશે કેન્દ્રીય વિદ્યાલયો
સરકારે ખાસ કરીને એવા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જ્યાં શિક્ષણની જરૂરિયાત વધુ છે. કેબિનેટે 20 કેન્દ્રીય વિદ્યાલયો એવા જિલ્લાઓમાં ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો છે જ્યાં હાલમાં એક પણ કેન્દ્રીય વિદ્યાલય નથી. આ ઉપરાંત, 14 KVs આકાંક્ષી (Aspirational) જિલ્લાઓમાં, 4 KVs ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત જિલ્લાઓમાં અને 5 KVs પૂર્વોત્તર/પહાડી વિસ્તારોમાં ખોલવામાં આવશે. નોંધનીય છે કે આ 57માંથી સૌથી વધુ 19 કેન્દ્રીય વિદ્યાલયો એકલા બિહાર રાજ્યમાં ખોલવામાં આવશે.
New Kendriya Vidyalaya: કેન્દ્રીય વિદ્યાલયો માટે ભરતી પણ કરાશે
વર્તમાન સમયમાં દેશ અને વિદેશમાં 1,288 કેન્દ્રીય વિદ્યાલયો કાર્યરત છે, જે 14 લાખથી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે. વિદેશમાં મોસ્કો, કાઠમંડુ અને તેહરાન ખાતે પણ 3 KVs કાર્યરત છે. આ નવી જાહેરાતથી 87,000 નવા વિદ્યાર્થીઓને સસ્તી અને ઉચ્ચ-ગુણવત્તાવાળી શિક્ષણ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને પહોંચી વળવા માટે, સરકાર 4,600 વધારાના શિક્ષક પદો પણ ભરશે, જે રોજગાર સર્જનમાં પણ મદદ કરશે. આ નિર્ણય દેશમાં સંતુલિત અને વ્યાપક શિક્ષણ પ્રણાલી સ્થાપિત કરવામાં મદદરૂપ થશે.


