અમદાવાદના બાકરોલમાં સાબરમતી નદીમાં ફસાયેલા 32 શ્રમિકોનું રેસ્ક્યૂ; ઓપરેશન પૂર્ણ
- ધરોઈમાંથી પાણી છોડાતા સાબરમતી બે કાંઠે
- અમદાવાદના બાકરોલમાં 20થી વધુ લોકો ફસાયા
- નદીમાં ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન
- વાસણા બેરેજમાંથી પાણી છોડાતા ફસાયા શ્રમિકો
- ફાયર બ્રિગેડની 5 ગાડીઓ અને 3 બોટ ઘટના સ્થળે
- નદી પર ઓવરબ્રિજની કામગીરી કરતા હતા તમામ
- વરસાદ, ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે રેસ્ક્યૂ
અમદાવાદ : ગુજરાતમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે ધરોઈ ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. આના પરિણામે અમદાવાદના બાકરોલ વિસ્તારમાં નદી પર ઓવરબ્રિજની કામગીરી કરતા 30થી વધુ શ્રમિકો ફસાઈ ગયા છે. વાસણા બેરેજમાંથી પણ પાણી છોડાતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ફસાયેલા શ્રમિકોને બચાવવા માટે ફાયર બ્રિગેડની 5 ગાડીઓ અને 3 બોટ સાથે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
અપડેટ: બાકરોલમાં 32 શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા છે. તમામ લોકોને સલામત સ્થળે ખસેડીને ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડના જવાનો ઓપરેશન પૂર્ણ કરીને રવાના થયા હોવાના સુખદ સમાચાર સામે આવી રહ્યાં છે.
ધરોઈ ડેમના ચાર દરવાજા ખોલાયા
ઉપરવાસ અને રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમની જળસપાટી 94.20% સુધી પહોંચી છે, જેના લીધે ડેમના 4 દરવાજા ખોલીને 58,880 ક્યૂસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગાંધીનગરના સંત સરોવરમાંથી 60,000 ક્યૂસેક અને વાસણા બેરેજના 24 દરવાજા 6 ફૂટ ખોલીને 31,000 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. આના કારણે સાબરમતી નદીનો પ્રવાહ ધસમસતો બન્યો છે, જેના લીધે બાકરોલ ખાતે ઓવરબ્રિજની કામગીરી કરતા શ્રમિકો નદીના પટમાં ફસાઈ ગયા છે.
આ પણ વાંચો- Gujarat Rain News : આખું ગુજરાત પાણી પાણી છોતરાફાડ વરસાદી રાઉન્ડ શરુ!
એનડીઆરએફની ટીમોનું રેસ્ક્યૂ ઓપરેશન
ઘટના સ્થળે હાલ ફાયર બ્રિગેડ, NDRF અને પોલીસની ટીમો રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગી છે. 3 બોટ અને 5 ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. ધસમસતા પાણીના પ્રવાહ અને સતત વરસાદના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
નીચાણવાળા વિસ્તારોને સૂચના
વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદના જમાલપુર, રાયખડ, કોચરબ, સુભાષ બ્રિજ, વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકા વિસ્તારોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટનો વોક-વે બંધ કરી દેવાયો છે અને લોકોને નદી કાંઠે ન જવા માટે સૂચના આપવામાં આવી છે. રિવરફ્રન્ટ પર 15 ફૂટ સુધી પાણી ભરાતાં સાપ પણ કિનારે તરતા જોવા મળ્યા છે, જેના કારણે સુરક્ષા વધારવામાં આવી છે.
સાબરમતીનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ
સાબરમતી નદીનો રૌદ્ર પ્રવાહ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પણ અસર કરી રહ્યો છે, જેમાં કેટલીક મશીનરી પાણીમાં તણાઈ ગઈ છે. ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને ખેડા જિલ્લાના નદી કાંઠાના 28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જેમાં વલાદ, રાયસણ, રાંદેસણ, ભાટ, કોબા, પેથાપુર, ખડાત, મહુડી વગેરે ગામોનો સમાવેશ થાય છે. વિજાપુર-હિંમતનગર હાઈવે પરનો દેરોલ બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે.
બાકરોલમાં ફસાયેલા શ્રમિકોને બચાવવા માટે NDRF અને ફાયર બ્રિગેડની ટીમો દ્વારા સતત પ્રયાસો ચાલુ છે. નદીના ધસમસતા પ્રવાહ અને વરસાદના કારણે ઓપરેશનમાં જટિલતાઓ આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પહેલાં વડનગર તાલુકાના વાગડી ગામે 7 લોકો નદીના બેટમાં ફસાયા હતા, જેમને NDRFએ સફળતાપૂર્વક બચાવી લીધા હતા.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે 25 ઓગસ્ટે અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, દાહોદ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રે લોકોને સાવચેત રહેવા અને નદી કાંઠેથી દૂર રહેવા અપીલ કરી છે.
આ પણ વાંચો-પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ : અમદાવાદના નિકોલમાં રોડ શો અને જાહેરસભા, તિરંગાથી સજ્જ રૂટ


