SIRની જાહેરાતના દિવસે જ પશ્વિમ બંગાળમાં 200થી વધારે અધિકારીઓની કરાઇ બદલી, ભાજપે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ
- પશ્વિમ બંગાળમાં SIR ની જાહેરાત પહેલા જ અધિકારીઓની કરાઇ બદલી
- રાજ્ય સરકારે 200 અધિકારીઓની સામૂહિક બદલી કરી દીધી
- ભાજપે આ મામલે ચૂંટણી પંચ સમક્ષ કરી ફરિયાદ
પશ્ચિમ બંગાળ સરકારે સોમવારે એક મોટો વહીવટી ફેરબદલ કરવાની જાહેરાત કરી છે, જેમાં 200થી વધુ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ નિર્ણય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની તારીખો જાહેર કરવામાં આવી તેના થોડા જ કલાકો પહેલાં લેવામાં આવ્યો, જેના કારણે રાજકીય વિવાદ સર્જાયો છે. સરકારના કર્મચારી અને વહીવટી સુધારણા વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, કુલ 61 IAS અને 145 WBCS અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જે તાજેતરના વર્ષોમાં સૌથી મોટી વહીવટી ફેરબદલ માનવામાં આવે છે.
SIR ની જાહેરાત પહેલા જ 200થી વધુ અધિકારીઓની કરાઇ બદલી
જે મહત્ત્વના જિલ્લાઓમાં DMની બદલી કરવામાં આવી છે તેમાં ઉત્તર ૨૪ પરગણા, દક્ષિણ ૨૪ પરગણા, કૂચ બિહાર, મુર્શિદાબાદ, પુરુલિયા, દાર્જિલિંગ, માલદા, બીરભૂમ, ઝારગ્રામ અને પૂર્વ મેદનીપુર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓ આગામી ચૂંટણી અને વહીવટી દૃષ્ટિકોણથી અત્યંત મહત્ત્વના ગણાય છે. આ બદલીઓની અસર રાજ્યના વહીવટી માળખા પર મોટી થવાની સંભાવના છે.
SIR ની જાહેરાત પહેલા 10 જિલ્લા મેજિસ્ટ્રેટની પણ કરાઇ બદલી
નોંધનીય છે કે આ બદલીની યાદીમાં 10 જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઘણા ખાસ સચિવો, ખાસ ફરજ પરના અધિકારીઓ (OSD), વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટ (ADM) અને સબ-ડિવિઝનલ અધિકારીઓ (SDO)નો પણ સમાવેશ થાય છે. જે મહત્ત્વના જિલ્લાઓમાં DMની બદલી કરવામાં આવી છે .એક વરિષ્ઠ અધિકારીના મતે, આ બધા અધિકારીઓ આગામી મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવવાના હતા. તેથી, ચૂંટણી પંચનું સમયપત્રક જાહેર થાય તે પછી રાજ્ય સરકાર માટે આટલા મોટા પાયે ફેરબદલ કરવાનું શક્ય ન હતું, આ કારણે આ પગલું વહેલું લેવામાં આવ્યું.
ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી
પશ્ચિમ બંગાળ ભાજપે મુખ્ય ચૂંટણી કમિશનરને પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા SIR ના ઉલ્લંઘન અંગે ફરિયાદ નોંધાવી છે, જેમાં SIR ની જાહેરાત પછી 235 અધિકારીઓની બદલીઓનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળ ભાજપે ચૂંટણી પંચની મંજૂરી વિના કરવામાં આવેલી આ "અનિયમિત બદલીઓ" તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો: ચૂંટણી પંચની મોટી જાહેરાત, દેશના 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણાનો બીજો તબક્કો આવતીકાલથી થશે શરૂ