VADODARA : રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સ્પેશિયલ મોનિટર જિલ્લાની મુલાકાતે
- પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને લેપ્રસી કોલોનીની મુલાકાત લીધી
- લેપ્રસી ગ્રસ્તો માટે કયા લાભ મળે છે? કેટલા લાભ મળ્યા છે? તેના રેકોર્ડની ચકાસણી કરી
- રાજ્યના આરોગ્ય વિભાગની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો
VADODARA : રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ, નવી દિલ્હીના (NATIONAL HUMAN RIGHTS COMMISSION - NEW DELHI) સ્પેશિયલ મોનિટર ડો. પ્રદિપ્તા કુમાર નાયક (SPECIAL MONITOR - DR. PRADIPTA KUMAR NAYAK) રક્તપિત્ત કાર્યક્રમ (LEPROSY PROGRAM) સંદર્ભે વડોદરાની બે દિવસીય મુલાકાતે છે, ત્યારે મુલાકાતના પ્રથમ દિવસે તેમણે બપોરે બાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને લેપ્રસી કોલોનીની મુલાકાત લીધી હતી. કલેક્ટર કચેરીએ અગત્યની બેઠક પૂર્ણ કર્યા બાદ પ્રથમ દિવસના બીજા તબક્કામાં તેમણે વડોદરા જિલ્લાના કાયાવરોહણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ મંડાળા સ્થિત લેપ્રસી કોલોની તથા વડોદરા શહેરના બાપોદ પ્રા. આ. કેન્દ્ર અને નજીકની એકતાનગર લેપ્રસી કોલોનીની મુલાકાત લઈને તબીબી સેવાઓની વિગતવાર સમીક્ષા કરી હતી.
વિવિધ વિભાગો દ્વારા આપવામાં આતી સહાયની જાણકારી મેળવી
બંને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત વેળા ડો. પ્રદિપ્તા કુમાર નાયકે આરોગ્ય કેન્દ્રમાં રક્તપિત્તના પીડિતોને મળી રહેલી સારવાર, લાભ યોજનાઓ અને રોગગ્રસ્તોની સ્થિતિ અંગે તબીબો અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ સાથે જ તેમણે રક્તપિત્ત ગ્રસ્તોની એન. એલ. ઈ. પી. અંતર્ગત કરવામાં આવેલ સેવા-સારવારની અદ્યતન વિગતો મેળવી હતી. સાથે જ લેપ્રસી ગ્રસ્તો માટે કયા લાભ મળે છે? કેટલા લાભ મળ્યા છે? તેના રેકોર્ડની ચકાસણી કરી હતી. તદુપરાંત રક્તપિત્ત ગ્રસ્તોને આરોગ્ય, શિક્ષણ, સમાજ કલ્યાણ વિભાગ સહિતના વિવિધ વિભાગો દ્વારા આપવામાં આતી સહાયની જાણકારી મેળવી હતી.
માર્ગદર્શન સહ સૂચના આપી
ડો. નાયકે લેપ્રસીના દર્દીઓને માનવીય અભિગમ સાથે આત્મનિર્ભર અને સન્માનભર્યું જીવન જીવવાની તક મળે તે માટે તબીબોને સતત પ્રયાસશીલ રહેવા માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ રોગ સંબંધે રેકર્ડ રજીસ્ટર, લોજિસ્ટીક સાધન સામગ્રી, દવા, ગ્રાન્ટ, દર્દીઓની સંપૂર્ણ વિગતો મેળવી જે લેપ્રસી ગ્રસ્ત કોઈ પણ પ્રકારની સારવાર-સહાય-લાભોથી વંચિત હોય અથવા તો જાણકારી ના હોય તેને સમજ આપી લાભો આપવા મદદરૂપ થવા માટે તબીબોને તાકીદ કરી હતી. રક્તપિત્તના દર્દીઓનું સન્માનભેર સમાજમાં પુનર્વસન અને માનવીય મૂલ્યો સાથે તેઓની સારવાર થાય તે માટે માર્ગદર્શન સહ સૂચના આપી હતી.
જરૂરિયાતો અને પડકારોને સમજવા પ્રયાસ કર્યો
આ સાથે જ ડો. પ્રદિપ્તા કુમાર નાયક વડોદરા જિલ્લાની મંડાળા લેપ્રસી કોલોની અને વડોદરા શહેરમાં આવેલી એકતાનગર લેપ્રસી કોલોનીના દર્દીઓ સાથે રૂબરૂ સંવેદનાસભર સંવાદ કરીને તેમની જરૂરિયાતો અને પડકારોને સમજવા પ્રયાસ કર્યો હતો. ડો. નાયકે રક્તપિત્તના દર્દીઓ પાસેથી જ તલસ્પર્શી વિગતો મેળવીને રાજ્યના આરોગ્ય વિભાગની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
સુમેળ અને અમલીકરણની સમીક્ષા કરી
મુલાકાત દરમિયાન રોગગ્રસ્તોને આરોગ્ય, શિક્ષણ, રોજગાર અને મહિલા-બાળ વિકાસ જેવી વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તેની ખાતરી માટે વિગતો મેળવીને ડો. નાયકે નિયત વિભાગોના સુમેળ અને અમલીકરણની સમીક્ષા કરી હતી તેમજ સારા અનુસંધાનોને ઓળખવા અને જરૂરી સુધારાઓ માટે ભલામણ કરવાની તૈયારી દર્શાવી હતી.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો ઉપસ્થિત રહ્યા
માનવ અધિકાર પંચ, નવી દિલ્હીના સ્પેશિયલ મોનિટર ડો. પ્રદિપ્તા કુમાર નાયકની વડોદરામાં સ્થળ મુલાકાત દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિનાક્ષી ચૌહાણ, વડોદરા મનપાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના છ દિવસીય પ્રવાસે
મહત્વનું છે કે, તા. ૨૧ જુલાઈથી ગુજરાતના છ દિવસીય પ્રવાસે આવેલા ડો. પ્રદિપ્તા કુમાર નાયકની મુલાકાતના અનેક મુખ્ય ઉદ્દેશ્યો છે. જેમાં રક્તપિત્ત ધરાવતા દર્દીઓના અધિકારોના ઉલ્લંઘન બાબતે તપાસ તથા રિપોર્ટીંગ, વિવિધ વિભાગો દ્વારા રક્તપિત્ત ધરાવતા વ્યક્તિઓ માટે અમલમાં મૂકાયેલી યોજનાઓ/સેવાઓની સમીક્ષા, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા અગાઉ આપવામાં આવેલા સૂચનાઓના અમલીકરણની સમીક્ષા, સરકારી લાભોની ઉપલબ્ધતા, સેવા વ્યવસ્થાઓમાં સમાવેશ અને સમન્વયની સમીક્ષા તેમજ સારા અનુસંધાનોની ઓળખ તથા યોગ્ય સુધારાની ભલામણનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો ---- VADODARA : નેશનલ હાઇવે પર ટ્રાફીક જામ મામલે કેન્દ્રિય મંત્રીએ અધિકારીઓને તતડાવ્યા


