PARIS : જેવેલિન થ્રોમાં નીરજ ચોપડાએ ડાયમંડ લીગ ખિતાબ જીત્યો
- નીરજ ચોપડાએ બે વર્ષ બાદ સિદ્ધી પોતાને નામ કરી
- જર્માનીના પ્રબળ દાવેદાર ખેલાડી દ્વિતિય સ્થાને રહ્યો
- દોહામાં પહેલી વાર 90 મીટરનું અંતર પાર કર્યું હતું
PARIS : પેરિસના ચાર્લેટ સ્ટેડિયમ ખાતે આયોજિત ડાયમંડ લીગ (PARIS DIAMOND LEAGUE - 2025) મીટમાં શાનદાર પ્રદર્શન કરીને નીરજ ચોપડાએ (NEERAJ CHOPRA) બે વર્ષ પછી પોતાનો પહેલો ડાયમંડ લીગ ખિતાબ જીત્યો છે. નીરજ પોતાના પહેલા જ પ્રયાસમાં 88.16 મીટર ભાલા ફેંકીને આગળ નીકળી ગયો હતો, જે અંત સુધી અકબંધ રહ્યો હતો. અંતે તેને વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. આ સિઝનની તેની બીજી ડાયમંડ લીગ ઇવેન્ટ હતી. અગાઉ, તેણે મે મહિનામાં દોહામાં આયોજિત લીગમાં ભાગ લીધો હતો. ત્યાં તેઓએ પહેલી વાર 90 મીટરનું અંતર પાર કર્યું હતું અને 90.23 મીટરનો ભાલા ફેંક્યો હતો, જે તેનું વ્યક્તિગત શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન માનવામાં આવે છે.
જુલિયન વેબર બીજા સ્થાને રહ્યા
આ વર્ષે દોહા ડાયમંડ લીગ અને પોલેન્ડમાં જનુઝ કુશોચિંસકી મેમોરિયલમાં, નીરજને હરાવનાર જર્મનીના જુલિયન વેબર આ વખતે 87.88 મીટરના અંતર સાથે બીજા સ્થાને રહ્યા હતા. બ્રાઝિલના લુઇઝ મૌરિસિયો દા સિલ્વા 86.62 મીટરના પ્રયાસ સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા અને પોતાના કારકિર્દીના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે દક્ષિણ અમેરિકન રેકોર્ડ પણ બનાવ્યો હતો. ગ્રેનેડાના એન્ડરસન પીટર્સ, જેમની પાસેથી સખત લડાઈની અપેક્ષા હતી, તે 80.29 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે પાંચમા સ્થાને રહ્યા હતા.
આગામી મુકાબલો 24, જુને થશે
બીજી તરફ, ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વોલકોટ 81.66 મીટરના થ્રો સાથે ચોથા સ્થાને રહ્યા હતા. નીરજ માટે આ આઠ વર્ષ પછી પેરિસ ડાયમંડ લીગમાં વાપસી હતી. તેઓએ છેલ્લે 2017 માં જુનિયર વર્લ્ડ ચેમ્પિયન તરીકે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જ્યાં તે 84.67 મીટરના થ્રો સાથે પાંચમા સ્થાને રહ્યો હતો. નીરજ ચોપડાનો આગામી મુકાબલો હવે 24 જૂને ચેક રિપબ્લિકમાં યોજાનારી ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક 2025 એથ્લેટિક્સ મીટમાં થશે. આ પછી, 5 જુલાઈએ, તેઓ બેંગલુરુમાં 'નીરજ ચોપડા ક્લાસિક'ની પ્રથમ આવૃત્તિનું આયોજન કરશે, જે વર્લ્ડ એથ્લેટિક્સની કેટેગરી-એસ્પર્ધા છે.
આ પણ વાંચો --- Kavya Maran, SRH IPL Team: સનરાઇઝર્સ હૈદરાબાદના માલિક કાવ્યા મારન મુશ્કેલીમાં, સન ટીવી વિવાદથી IPL ટીમને ખતરો!


