NIAની તપાસમાં થયો મોટો ખુલાસો, ઉમરે દાનિશને આપ્યો હતો નિર્દેશ, 'આત્મઘાતી હુમલા માટે તૈયાર રહેજે'
- Delhi Car Bomb Blast : NIAની તપાસ થઇ રહ્યા છે ચોંકાવનારા ખુલાસાઓ
- NIAએ જસીર બિલાલની કરી છે ધરપકડ
- દેશભરમાં હાલ NIA સઘન તપાસ કરી રહી છે
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ગયા અઠવાડિયે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટના મુખ્ય કાવતરાખોરોમાંના એક એવા કાશ્મીર નિવાસી જસીર બિલાલ વાની (Jasir Bilal Wani) ઉર્ફે દાનિશની શ્રીનગરથી ધરપકડ કરી છે. આ ધરપકડ NIAની તે ટીમ દ્વારા કરવામાં આવી, જે તપાસના સંદર્ભમાં ખીણમાં હાજર હતી. એનઆઇએની ટીમે તપાસ તેજ કરી દીધી છે અને સઘન પુછતાછ આતંકીઓને કરી રહી છે,જેાં મોટા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે.
નોંધનીય છે કે અનંતનાગ જિલ્લાના કાઝીગુંડનો રહેવાસી જસીર બિલાલ, આ ભયાનક આતંકવાદી હુમલાની યોજના બનાવવામાં સામેલ હતો. તેણે આત્મઘાતી હુમલાખોર આતંકવાદી ઉમર ઉન નબી સાથે મળીને કામ કર્યું હતું. ઉમર નબીએ જ દિલ્હીમાં લાલ કિલ્લા નજીક કાર બોમ્બ વિસ્ફોટ કર્યો હતો, જેમાં 12 લોકોના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ, આતંકવાદી ડૉ. ઉમરે દાનિશને પણ ફિદાયીન (આત્મઘાતી) હુમલો કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. આ બંનેની પ્રથમ મુલાકાત કાશ્મીરની એક મસ્જિદમાં થઈ હતી, જ્યાં ડૉ. ઉમરે કથિત રીતે દાનિશનું બ્રેન વૉશ કર્યું હતું અને તેને આત્મઘાતી હુમલાની તૈયારી કરવાના નિર્દેશ આપ્યા હતા.
Delhi Car Bomb Blast : ટેકનિકલ સહાય અને પિતાની આત્મહત્યા
NIAની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશે લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટ પહેલાં એવા ડ્રોન અને રોકેટ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેનો ઉપયોગ આતંકવાદી હુમલાઓમાં થઈ શકે. તેના પર આતંકવાદીઓને ટેકનિકલ સહાય પૂરી પાડવાનો પણ આરોપ છે.જસીરની ધરપકડ પહેલાં તેને ત્રણ દિવસ અગાઉ જમ્મુ-કાશ્મીર પોલીસે હિરાસતમાં લીધો હતો. જોકે, આ ઘટનાક્રમ વચ્ચે એક સમાચાર સામે આવ્યા છે. જસીરના પિતા જે ડ્રાય-ફ્રૂટનો વેપાર કરતા હતા, તેમણે 16 નવેમ્બરના રોજ પોતાને આગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
Delhi Car Bomb Blast : તપાસનો વ્યાપ અને મોટા નેટવર્ક પર ધ્યાન
આ આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી, દિલ્હી પોલીસ, જમ્મુ-કાશ્મીર પોલીસ, હરિયાણા પોલીસ, ઉત્તર પ્રદેશ પોલીસ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને વિવિધ રાજ્યોમાં અનેક સુરાગોની શોધ કરી રહી છે. અધિકારીઓનું માનવું છે કે હુમલાની સાજિશ બે ઓળખાયેલા કાવતરાખોરોથી આગળ પણ ફેલાયેલી છે, અને તપાસમાં વધુ ધરપકડ થવાની શક્યતા છે.NIA અનુસાર, હવે તેમની મુખ્ય પ્રાથમિકતા હુમલા પાછળના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવાની છે. આમાં કાર બોમ્બ વિસ્ફોટની યોજના બનાવનાર, લોજિસ્ટિક્સ સપ્લાય કરનાર અને ફંડિંગમાં સામેલ તમામ લોકોનો સમાવેશ થાય છે. NIAનો પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો છે કે દેશની રાજધાનીના લાલ કિલ્લા જેવા હાઇ સિક્યુરિટી એરિયામાં આ કૃત્ય માટે જવાબદાર સંગઠનો સાથે જોડાયેલા દરેક સભ્યની ઓળખ થાય અને તેમને કાયદાના કઠેરામાં લાવવામાં આવે.
આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટના હાઈ-પ્રોફાઇલ વ્હાઇટ કોલર આતંકી ડૉક્ટરોના બિરયાની અને દાવતના કોડવર્ડના પર્દાફાશ