પશુ આહાર લિક્વિડના વેપારીને Nigerian Gang એ 32.72 લાખનો ચૂનો લગાવ્યો, ભાડાના બેંક એકાઉન્ટવાળા પકડાયા
Ahmedabad : કેમિકલના વેપારીઓને છેલ્લાં બે દસકાથી નિશાન બનાવતી Nigerian Gang એ થોડાક સપ્તાહ અગાઉ અમદાવાદના એક યુવા વેપારીને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. પશુ આહાર લિક્વિડનો ધંધો કરતા વેપારીએ મોટો નફો મેળવવાની લાલચમાં આવી જઈ 32.72 લાખ ગુમાવ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઈમ સેલે (Cyber Crime Cell Ahmedabad) સૌરાષ્ટ્રના પાંચ આરોપીઓની ધરપકડ કરી Nigerian Gang ના સભ્યો સુધી પહોંચવા પ્રયાસ આરંભ્યો છે.
એક જ મહિનામાં Nigerian Gang કરી છેતરપિંડી
અમદાવાદમાં રહેતા 26 વર્ષીય નિહાર વર્મા પશુ આહાર લિક્વિડનો ધંધો કરે છે. ગત મે મહિનામાં સોશિયલ મીડિયા પર એક આફ્રિકન કંપનીએ સોશિયલ મીડિયા પર સંપર્ક કરીને નિહાર વર્માને જણાવ્યું હતું કે, અમે ભારતમાં Eupatorium Mercola Liquid (એક પ્રકારની દવા) ના સપ્લાયર શોધીએ છીએ. ગત 19 મેના રોજ નિહાર વર્માએ ઈન્ડિયાના વેન્ડર બાબતે પૂછતાં તેમને રાજસ્થાનના ભીલવાડામાં આવેલી શર્મા એન્ટરપ્રાઈઝનું નામ જાણવા મળ્યું હતું. આફ્રિકન કંપની વતી વાતચીત કરનારા શખ્સે કહ્યું કે, આ દવા 12 હજાર ડૉલરમાં તેઓ બીજી કંપનીથી ખરીદે છે. તમે શર્મા એન્ટરપ્રાઈઝમાંથી 6500 ડૉલરમાં ખરીદી અમને 11 હજાર ડૉલરમાં વેચાણ આપજો. સૌ પ્રથમ તમારે એક લિટર લિક્વિડ મગાવી તેનું સેમ્પલ અમારા લેબ સાયન્ટિસને તપાસવા આપવું પડશે. નિહાર વર્માએ ગત 27 મેના રોજ રૂપિયા 5,52,500 RTGS ટ્રાન્સફર કરી શર્મા એન્ટરપ્રાઈઝમાં ઑર્ડર આપ્યો હતો. ગત 29 મેના રોજ મહારાષ્ટ્ર પાસિંગની કાર લઈને એક શખ્સ વહેલી પરોઢ પહેલાં 4 વાગે લિક્વિડ આપવા આવ્યો હતો. આ લિક્વિડનો રિપોર્ટ કરાવવા નિહાર વર્મા એક જૂનના રોજ દિલ્હી ગયા હતા અને ત્યાં આફ્રિકન જેવા લાગતા મોરીશ મુરેને સેમ્પલ આપતા તેણે રિપૉર્ટ કાઢી આપ્યો હતો. ત્યારબાદ જોર્જ મેન્શા નામના એક શખ્સનો ઈન્ટરનેશનલ કોલ આવ્યો હતો અને 2 ગેલન લિક્વિડનો ઑર્ડર આપતા નિહાર વર્માએ માલ પેટે એડવાન્સ માગતા તેણે ના પાડી હતી. બે ગેલન લિક્વિડ માટે શર્મા એન્ટરપ્રાઈઝના જયદેવકુમારનો સંપર્ક કરતા તેમણે 70 ટકા રકમ ટ્રાન્સફર કરવા કહ્યું હતું. રકઝક કરતા 25 ટકા નક્કી થતાં 12 જૂનના રોજ 15.50 લાખ જુદાજુદા બેંક એકાઉન્ટ મોકલ્યા હતા. ત્યારબાદ જયદેવકુમારે કહ્યું કે, ડાયરેક્ટરે 50 રકમ વિના ડિલિવરી આપવાની ના કહી છે. જેથી નિહાર વર્માએ 16 જૂનના રોજ બીજા 11.70 લાખ RTGS કરતા 70 ટકા રકમ વિના ડિલિવરી નહીં થાય તેમ કહેતા વેપારી ખુદ રાજસ્થાન ગયા હતા. રાજસ્થાન ભીલવાડા ખાતે પહોંચતા નિહાર વર્માને જાણવા મળ્યું કે, શર્મા એન્ટરપ્રાઈઝ નામની કોઈ કંપની જ નથી અને તેમની સાથે Nigerian Gang એ છેતરપિંડી કરી છે.
Nigerian Gang ધરપકડથી બચવા શું કરે છે ?
ભૂતકાળમાં આંગડિયા અને બોગસ કંપનીઓ બનાવીને કેમિકલના ખરીદ-વેચાણના નામે છેતરપિંડી કરતી Nigerian Gang છેલ્લાં કેટલાંક વર્ષોથી ભાડાના બેંક એકાઉન્ટ વાપરે છે. નિહાર વર્માએ અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (Cyber Crime Police Station Ahmedabad) માં નોંધાવેલી ફરિયાદ શરૂ થયેલી તપાસમાં સૌરાષ્ટ્રની એક ટોળકીનો પતો લાગ્યો હતો. જેથી પોલીસે જામનગર અને દ્વારાકા જિલ્લાના અસગર પઠાણ, અભિષેક જોશી, પ્રવિણ નંદાણીયા, દિપ ગોસ્વામી અને નીતિન ભાટિયાની ધરપકડ કરી છે. નીતિન અને પ્રવિણની કુમાર એન્ટરપ્રાઈઝમાં 27.20 લાખ તેમજ અસગર અને અભિષેકની બી.એ.એન્ટરપ્રાઈઝમાં 9.90 લાખની છેતરપિંડીની રકમ જમા થઈ હતી. આ રકમ બેંકમાંથી ઉપાડીને આરોપીઓએ વચેટિયા દિપ પોપટગીરી ગોસ્વામીને આપી હતી. દિપ ગોસ્વામીએ આ રકમ આગળ Nigerian Gang ને મોકલી આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. દિપ ગોસ્વામી જામનગર પોલીસના હાથે અગાઉ નાઈજીરિયન ગેંગના ફ્રોડ કેસમાં ઝડપાઈ ચૂક્યો છે.


