પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર MBBS વિદ્યાર્થિની પર ગેંગરેપની ઘટના,પોલીસે સઘન તપાસ હાથ ધરી
- પશ્ચિમ બંગાળ ના દુર્ગાપુર સ્થિત એક ખાનગી મેડિકલ કોલેજમાં દુષ્કર્મની ઘટના
- બીજા વર્ષની એમબીબીએસની વિદ્યાર્થિની પર દુષ્કર્મની ઘટના
- પોલીસે આ કેસમાં સઘન તપાસ હાથ ધરી છે
પશ્ચિમ બંગાળમાં સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. દુર્ગાપુર સ્થિત એક ખાનગી મેડિકલ કોલેજની બીજા વર્ષની એમબીબીએસની વિદ્યાર્થિની પર કોલેજ હોસ્પિટલ કેમ્પસમાં જ કથિત રીતે દુષ્કર્મ થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ રાજ્યને હચમચાવી નાખનારા 2024ના આરજી કાર મેડિકલ કોલેજ કેસ જ્યાં એક જુનિયર ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા થઈ હતી તેની ભયાનક યાદો તાજી કરાવી છે.
પશ્ચિમ બંગાળ દુર્ગાપુર સ્થિત એક ખાનગી મેડિકલ કોલેજમાં ગેંગરેપની ઘટના
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓડિશાના જલેશ્વરની રહેવાસી પીડિત વિદ્યાર્થિની શુક્રવારે રાત્રે આશરે 8:30 વાગ્યે તેના ક્લાસના મિત્રો સાથે કેમ્પસની બહાર જમવા ગઈ હતી. પરત ફરતી વખતે, બે-ત્રણ યુવાનોએ તેમને અટકાવ્યા હોવાનો આરોપ છે. આરોપ છે કે તેમાંથી એક આરોપીએ વિદ્યાર્થિનીનો મોબાઇલ ફોન છીનવી લીધો, જ્યારે બીજાએ તેને બળજબરીથી એકાંત વિસ્તારમાં ખેંચી જઈ તેના પર દુષ્કર્મ કર્યો.પીડિતાનો મિત્ર તેને તાત્કાલિક તે જ મેડિકલ કોલેજની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. પોલીસે જણાવ્યું કે કથિત ગેંગ રેપની ફરિયાદની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. પીડિતાનું નિવેદન નોંધી લેવામાં આવ્યું છે, અને આ કેસમાં તેના મિત્રની ભૂમિકાની પણ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
પશ્ચિમ બંગાળ ખાનગી મેડિકલ કોલેજમાં દુષ્કર્મની ઘટના મામલે સુરક્ષા પર સવાલ
આ ઘટનાની ગંભીરતાને જોતા રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) શનિવાર (11 ઓક્ટોબર, 2025) ના રોજ દુર્ગાપુર મેડિકલ કોલેજના ઘટનાસ્થળની મુલાકાત લેશે. આયોગના સભ્ય અર્ચના મજુમદારે ચિંતા વ્યક્ત કરી હતી કે રાજ્યમાં ગુનેગારોને સજા ન મળવાને કારણે આવા ગુનાઓ વધી રહ્યા છે.આ તરફ, પીડિતાના પિતાએ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા કહ્યું, "જો હોસ્પિટલમાં સુરક્ષા હોત તો મારી પુત્રી આ સ્થિતિમાં ન હોત."આરોગ્ય શિક્ષણ નિયામક ઇન્દ્રજીત સાહાએ ખાનગી મેડિકલ કોલેજ પાસે આ સમગ્ર ઘટના અંગે તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે. આરોગ્ય ભવનના સૂત્રોનું કહેવું છે કે પોલીસ તપાસ પર પણ નજીકથી નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન, બીજા રાજ્યની વિદ્યાર્થિની પર કથિત અત્યાચારના આરોપોને કારણે દુર્ગાપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ મૌન વિરોધ પ્રદર્શન યોજીને અશાંતિ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: PM Modi Krishi Yojana: ખેડૂતોને રૂ.35,440 કરોડની ભેટ, ધન ધાન્ય મિશન શરૂ


