Ahmedabad: લકઝરી બસમાં ઓવરલોડ સામાન બન્યો એકટીવા ચાલકના મોતનું કારણ
- Ahmedabad: બસના કારણે ઝાડની ડાળી પડતા એક્ટિવા ચાલકનું મોત
- નમસ્તે સર્કલ પાસે સર્જાયેલા અકસ્માત મામલે તપાસ શરૂ
- ડ્રાઈવર સામે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધાયો
Ahmedabad: અમદાવાદમાં લકઝરી બસમાં ઓવરલોડ સામાનથી ઝાડની ડાળી એક્ટિવા ચાલક પર પડી હતી. જેમાં એકટીવા ચાલકનું સારવાર દરમિયાન મોત થયુ છે. શાહીબાગ નમસ્તે સર્કલ પાસે આ બનાવ બન્યો છે. ત્યારે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
લક્ઝરી બસમાં ભરેલો ઓવરલોડ સામાન હોવાનું સામે આવ્યું
ઉલ્લેખનીય છે કે આ ઘટના પાછળનું કારણ લક્ઝરી બસમાં ભરેલો ઓવરલોડ સામાન હોવાનું સામે આવ્યું છે. જેમાં શાહીબાગ નમસ્તે સર્કલ પાસેથી એક લક્ઝરી બસ પસાર થઈ રહી હતી. આ બસમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન ભરવામાં આવ્યો હતો. જેના કારણે બસની છત પર રાખેલો સામાન ઝાડની ડાળી સાથે અથડાયો અને ડાળી તૂટીને નીચે પડી હતી. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવક પર આ ડાળી પડતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
Ahmedabad: આ ઘટના બાદ માધુપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી
આ ઘટના બાદ માધુપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે લક્ઝરી બસના ચાલક સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. આ ઘટનાએ શહેરના રસ્તાઓ પર ઓવરલોડ વાહનોના જોખમ પર ફરી એકવાર ચિંતા ઉભી કરી છે. નવા નરોડા વિસ્તારમાં આવેલી વ્રજ ભૂમી રેસિડેન્સીમાં રહેતા કાંતીભાઈ વણકરે માધવપુરા પોલીસ સ્ટેશનમાં લક્ઝરી બસ ચાલક વિરૂદ્ધ સાપરાધ મનુષ્યવધની ફરિયાદ કરી છે. કાંતીભાઈ સંયુક્ત પરિવારમાં રહે છે અને સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. કાંતીભાઈની બે દીકરીના લગ્ન થઈ ગયા છે જ્યારે દીકરો કિસ્ટન તેમની સાથે રહે છે. કિસ્ટન પરીમલ ગાર્ડન પાસે આવેલી એક કંપનીમાં કો-ઓર્ડીનેટર તરીકે નોકરી કરે છે.
હોસ્પિટલમાં પહોચ્યા ત્યારે કિસ્ટન મૃત હાલતમાં આઈસીયુમાં હતો
ગઈકાલે કાંતીભાઈ પત્નિ ગીતાબેન સાથે ઘરે હાજર હતા તે વખતે દીકરી ભાવિકાનો ફોન આવ્યો હતો. ભાવિકાએ ફોન પર કાંતિભાઈને માહિતી આપી હતી કે, કિસ્ટનનો નમસ્તે સર્કલ ખાતે અકસ્માત થયો છે અને હાલમાં તે સિરિયસ છે. કાંતિભાઈ પત્ની ગીતાબેન સાથે નમસ્તે સર્કલ પહોચ્યા હતા જ્યા જેનીશે તેમને વલ્લભ હોસ્પિટલ આવી જવાનું કહ્યુ હતું. કાંતિભાઈ પત્ની સાથે હોસ્પિટલમાં પહોચ્યા ત્યારે કિસ્ટન મૃત હાલતમાં આઈસીયુમાં હતો જ્યાં સારવાર દરમિયાન કિસ્ટનનું મોત થયું હતું.
આ પણ વાંચો: GST On Sin Goods: આજથી મોંઘી થતી વસ્તુઓ...જાણો Sin Tax હેઠળ કઇ વસ્તુઓ આવશે


