પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ : કોંગ્રેસ-બીજેપીની રાજનીતિમાં પિસાતો આદિવાસી સમાજ
- પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ: કોંગ્રેસનું આંદોલન અને ભાજપનો પ્રતિવાદ, રાજકીય ગરમાગરમી વધી
- પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટમાં કોંગ્રેસ-બીજેપી આમને-સામને
- આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે આંદોલનની તૈયારીઓ, આદિવાસીઓને લેખિતમાં બાંહેધરીની માંગણી
સરકારે કહ્યું કે, યોજનાને પડતી મૂકાઈ છે તો કોંગ્રેસે કહ્યું લેખિતમાં બાંહેધરી આપો... સરકાર ઉપર વિશ્વાસ નથી
વલસાડ/ગાંધીનગર : ગુજરાત અને મહારાષ્ટ્રની નદીઓ પાર, તાપી અને નર્મદાને જોડવાની પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ફરી રાજકીય વિવાદનો કેન્દ્ર બની ગયું છે. વર્ષ 2022માં આદિવાસી સમુદાયના વિરોધ બાદ સરકારે આ પ્રોજેક્ટને રદ્દ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે લોકસભામાં પૂછાયેલા પ્રશ્ન બાદ કોંગ્રેસે ફરી આ મુદ્દે આંદોલનની તૈયારી શરૂ કરી છે. આ મામલે કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે 14 ઓગસ્ટથી આંદોલનની ઘોષણા કરી છે, જેનો ભાજપના સાંસદ ધવલ પટેલે આક્રમક વિરોધ કર્યો છે.
કોંગ્રેસનું નિવેદન અને આંદોલનની તૈયારી
કોંગ્રેસના વિરોધપક્ષ નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું કે 2017માં ડીપીઆર (Detailed Project Report) તૈયાર થયો હતો, જ્યારે સરકાર ભાજપની હતી. પરંતુ 2025માં ફરી આ જાહેરાત કરવાની જરૂરિયાત શા માટે પડી, તેના પર સવાલ ઉઠાવ્યા. તેમણે આક્ષેપ કર્યો કે સરકારે એક પણ સત્તાવાર પરિપત્ર કે ઠરાવ રજૂ કર્યો નથી, જે પ્રોજેક્ટનું સ્થગિતીકરણ સાબિત કરે.
ચૌધરીએ કહ્યું કે આદિવાસી સમાજ સરકાર પર વિશ્વાસ ગુમાવી ચૂક્યો છે અને પોતાની મહામૂલી જમીન બચાવવા માટે આંદોલન કરી રહ્યો છે. તેમણે માગણી કરી કે સરકારે લેખિતમાં બાહેધરી આપવી જોઈએ ત્યાં સુધી આદોલન પૂરું થશે નહીં. અનંત પટેલે જણાવ્યું કે આ આંદોલન પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ હટાવો સંઘર્ષ સમિતિ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જે કોંગ્રેસ પ્રેરિત નથી, પરંતુ લોકોનો સ્વયંભૂ અવાજ છે. તેમણે અન્યોને આ આંદોલનમાં જોડાવા અપીલ કરી જેના પગલે તેઓ પણ તેમાં સામેલ થયા છે. 14 ઓગસ્ટથી વલસાડના ધરમપુરમાં મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તાપી અને દાંગ જિલ્લાઓમાં પણ સમાન કાર્યક્રમો યોજાવામાં આવશે.
આ પણ વાંચો-Tiranga Yatra : ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ રાજ્યભરમાં તિરંગા યાત્રા, જુઓ તસવીરો
બીજેપીએ શું કહ્યું?
આ દરમિયાન વલસાડના ભાજપ સાંસદ ધવલ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસ પર તીખો હુમલો કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ જૂઠાણું ફેલાવીને આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહી છે. ધવલ પટેલે જણાવ્યું કે 14 ઓગસ્ટની રેલી આદિવાસીઓના અસ્તિત્વને બચાવવા માટે નથી, પરંતુ કોંગ્રેસનું પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવા માટે કરી રહી છે. તેમણે દાવો કર્યો કે કેન્દ્ર અને રાજ્ય સરકારે આ પ્રોજેક્ટને રદ કર્યો છે, અને ડીપીઆરને લઈને પણ કોંગ્રેસ જૂઠાણું ફેલાવી રહી છે.
ધવલ પટેલે આગળ કહ્યું કે અનંત પટેલ વાંસદામાં કોઈ કાર્યક્રમ નહીં કરીને માત્ર ધરમપુર અને આદિવાસી વિસ્તારોમાં ફરી રહ્યા છે. તેમણે આક્ષેપ લગાવ્યો કે લોકસભામાં હાર અને વિધાનસભામાં વિપક્ષનું પદ ન મળવાને કારણે અનંત પટેલે પોતાની પ્રસિદ્ધિ માટે આ રીતે ષડયંત્ર રચ્યું છે.
ઉલ્લેખનિય છે કે, તાપી રિવર લિંક પ્રોજેક્ટ અંગે સીઆર પાટિલે જણાવ્યું હતુ કે, આ યોજનાને પડતી મુકવામાં આવેલી છે. તેમને વધુમાં જણાવ્યું હતુ કે, લોકસભામાં પણ કોઈ ડીપીઆર મૂકવામાં આવ્યું નથી. તેમણે ડો.તુષાર ચૌધરીને ટાંકીને કહ્યું કે, તેમણે ખ્યાલ હોવો જોઈએ કે, આવો કોઈ ડીપીઆર લોકસભામાં રજૂ થઈ શકે નહીં, કોંગ્રેસના ધારાસભ્યો આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. આદિવાસીઓને નુકશાન થાય એવો કોઈપણ પ્રોજેક્ટ મોદી સરકાર લાવવાની નથી.
આ પણ વાંચો-Kutchની મતદાર યાદીમાં ગડબડ? ગાંધીધામથી માંડવી સુધી બોગસ મતદારોનો કૌભાંડ?


