PM Modi ઉત્તર ગુજરાતમાં રૂ.307 કરોડના રોડ પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
- 33 કરોડના ખર્ચે વિરમગામથી ખુડદ થઈ રામપુરા સુધીના 21 કિલોમીટરના માર્ગનું વિસ્તરણ
- 126 કરોડના ખર્ચે અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડ પર ત્રણ છ-માર્ગીય વ્હિકલ અંડરપાસનું ખાતમુહૂર્ત થશે
- માર્ગોના નવીનીકરણ, અંડરપાસ અને ઓવરબ્રિજ ઉત્તર ગુજરાતમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવશે
PM Modi આગામી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમ્યાન તેઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને વિવિધ વિભાગો હેઠળ કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. આમાં માર્ગ અને મકાન વિભાગના કુલ 307 કરોડના પ્રોજેક્ટ્સના લોકાર્પણ-ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે, જેનાથી ઉત્તર ગુજરાતમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. PM Modi ના વિકસિત ભારતના વિઝનને અનુરૂપ, માર્ગ અને મકાન વિભાગ ગુજરાત રાજ્યને નિરંતર ગતિશીલ રાખવા પ્રતિબદ્ધ છે.
ગુજરાતના નાગરિકોને દૈનિક વાહનવ્યવહાર માટે મળશે વધુ સુદ્રઢ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
PM Modi ઉત્તર ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગના કુલ 6 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. કુલ 307 કરોડના ખર્ચે હાથ ધરાયેલા લોકાર્પણ તથા ખાતમુહૂર્તના આ કામો ગુજરાતની પ્રજાને દૈનિક યાતાયાત અર્થે વધુ સુદ્રઢ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે. આ પ્રોજેક્ટ્સ હેઠળ ઉત્તર ગુજરાતને અપગ્રેડેડ રસ્તાઓ, અંડરપાસ, ઓવરબ્રિજ મળશે જે નાગરિકો માટે મુસાફરીની સલામતી તથા સુગમતામાં વધારો કરશે.
આવો, આપણા નરેન્દ્રભાઈનું વતનની ધરતી પર ભવ્ય સ્વાગત કરીએ.
25 ઓગસ્ટ, 2025 - સોમવાર
સાંજે 4:30 કલાકે
ખોડલધામ ગ્રાઉન્ડ, નિકોલ, અમદાવાદ pic.twitter.com/3wafD8VEtn— BJP Gujarat (@BJP4Gujarat) August 22, 2025
વિરમગામ ખુડદ રામપુરા રસ્તો પહોળો થવાથી ઔદ્યોગિક વિસ્તારના વિકાસને વેગ મળશે
PM Modi વિરમગામ ખુડદ રામપુરા રસ્તાને 7 મીટર પહોળો બનાવવાના કામનું લોકાર્પણ કરશે. રૂ.33 કરોડના ખર્ચે વિરમગામથી ખુડદ થઇ રામપુરા સુધીના 21 કિલોમીટરના માર્ગને 7 મીટર પહોળો કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ કૉરિડોર અમદાવાદ જિલ્લાના વિરમગામ તથા દેત્રોજ તાલુકાના ઔદ્યોગિક વિસ્તારના વિકાસને વેગ આપશે. આ વિકાસકાર્ય સાથે વાહન વ્યવહાર સુગમ બનશે તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માટે રોજગારી નવી તકો ઉપલબ્ધ થશે.
વડાપ્રધાન રૂ.274 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે
વડાપ્રધાન ઉત્તર ગુજરાતના અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં કુલ રૂ.274 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે. તેમાં અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડ પર ત્રણ છ-માર્ગીય વ્હિકલ અંડરપાસ (રૂ.126 કરોડ), અમદાવાદ-વિરમગામ રોડ પર આવેલ ફાટક નં. 40 ઉપર રેલવે ઓવરબ્રિજ (રૂ.70 કરોડ), કડી-થોળ થઈ સાણંદ સુધીના 24 કિલોમીટર લંબાઇના માર્ગના નવિનીકરણની કામગીરી (રૂ.45 કરોડ), અને ગિફ્ટ સિટી જતાં બાપાસીતારામ જંક્શનનું ચાર-લેનમાંથી આઠ-લેન રોડમાં વિસ્તરણ (રૂ.33 કરોડ)નો સમાવેશ થાય છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ થશે, સમય અને ઇંધણનો બચાવ થશે
મહેસાણા, ગાંધીનગર તથા અમદાવાદ જિલ્લામાંથી પસાર થતાં વિવિધ રસ્તાઓ પર વ્હિકલ અન્ડરપાસ, રેલવે ઓવરબ્રિજ તથા નવિનીકરણની કામગીરીથી દૈનિક અવર-જવર કરતાં વાહન ચાલકોની સલામતી તેમજ સુગમતામાં વધારો થશે. આ સુવિધાથી મુસાફરીનો સમય અને ઇંધણની બચત થશે. ગાંધીનગર ખાતે આકાર લઈ રહેલ ફિન-ટેક હબ ગિફ્ટ સિટી સુધી સરળ અને ઝડપી કનેક્ટિવિટી મળી રહેશે. થોળ અભ્યારણ્ય જેવા પ્રવાસી સ્થળોએ આવતા મુલાકાતીઓને સુગમતા રહેશે. અપગ્રેડ થયેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે રાજ્યમાં ઔદ્યોગિક અને પરિવહન ક્ષેત્રને પ્રોત્સાહન આપશે.
આ પણ વાંચો: Ahmedabad Seventh Day School માં વિદ્યાર્થીની હત્યા મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા


