VADODARA : PM મોદીના રોડ-શોના રૂટ પર 15 સ્ટેજ બનશે, સાંસ્કૃતિક ઝલક દેખાશે
- ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવશે
- વડોદરામાં તેમના રોડ શો ને ભવ્ય બનાવવા તંત્રએ કમર કસી
- મોટી સંખ્યામાં લોકો સ્વયંભુ જોડાય તેવા પ્રયાસો કરતું તંત્ર
VADODARA : દુશ્મન દેશના દાંત ખાટા કરનાર ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) બાદ દેશના વડાપ્રધાના નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) 26, મે ના રોજ સવારે વડોદરા આવી રહ્યા છે. તેઓ જુના એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી રોડ-શો (ROAD SHOW - VADODARA) સ્વરૂપે પહોંચશે. આ રોડ શો દરમિયાન 15 જેટલા સ્ટેજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ 30 હજાર જેટલી મહિલાઓ રોડ-શો માં સ્વયંભુ જોડાય તેવા ભાજપ સંગઠન દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે. આ રોડ શોના રૂટ પર સાંસ્કૃતિક ઝલક દેખાશે તેવું સુત્રો જણાવી રહ્યા છે.
જુના એરપોર્ટથી લઇને એરફોર્સ ગેટ સુધી 650 મીટરનું અંતર છે
26 મે ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવનાર છે. તેઓનું સવારે વડોદરામાં આગમન થશે. વડોદરા એરપોર્ટથી એરફોર્સ રનવે ગેટ સુધી તેઓ રોડ શો ના માધ્યમથી પહોંચશે. ત્યાર બાદ તેઓ આગળના કાર્યક્રમ માટે જવા પ્રસ્થાન કરશે. વડોદરામાં જુના એરપોર્ટથી લઇને એરફોર્સ ગેટ સુધી 650 મીટરનું અંતર છે. જેને કાપતા આશરે 15 મિનિટ જેટલો સમય લાગશે, તેવો અંદાજ છે. આ રૂટ પર મોટી સંખ્યામાં મહિલાએ સાડીના ડ્રેસ કોડ સાથે હાજર રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પાલિકા દ્વારા 70 જેટલા એનજીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું
સુત્રોના જણાવ્યા અનુસાર, રોડ શો ના રૂટ પર 15 જેટલા સ્ટેજ બનાવવામાં આવનાર છે. જેમાં સાંસ્કૃતિક ઝલક છલકાશે. રોડ શોમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે પાલિકા દ્વારા 70 જેટલા એનજીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ વોર્ડ દીઠ 1500 લોકોને લાવવાની દિશામાં આયોજન ચાલી રહ્યું છે. ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. ત્યારે તેમને ભવ્ય આવકાર આપવા માટે તંત્ર કમર કસી રહ્યું છે.
આ પણ વાંચો --- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનની મુલાકાતે, વિકાસકાર્યોની આપશે ભેટ


