ભાવનગર: ડોક્ટરના પાપે એક મૃતદેહને 8 કલાક રજડવું પડ્યું, પરિવાર પર દુ:ખનો પહાડ
- ભાવનગર: મર્યા પછી પણ રજડવું પડ્યું, પોસ્ટ મોર્ટમ કરવામાં પણ ઠાગાથૈયા
- ભાવનગર: ડોક્ટરના પાપે એક મૃતદેહને 8 કલાક રજડવું પડ્યું, પરિવાર પર દુ:ખનો પહાડ
- અમાનવીય ડોક્ટરના કારણે એક પરિવારને આઠ કલાક બેસી રહેવું પડ્યું
- મોત પછી પણ મૃતદેહને શાંતિ મળી રહી નહીં, પરિવાર રાહ જોતું બેસી રહ્યું
ભાવનગર: ભાવનગર જિલ્લાના વલ્લભીપુર સરકારી આરોગ્ય કેન્દ્રમાં એક ડૉક્ટર દ્વાર અમાનવીય વ્યવહાર અને ઘોર બેદરકારીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પી.જી.વી.સી.એલના 42 વર્ષીય કર્મચારીને હાર્ટએટેકથી મોત નિપજ્યું પરંતુ તેમની લાશને 8 કલાક સુધી રજડવું પડ્યું હતું. આ પાછળનું ચોંકાવનારૂ કારણ તે છે કે, પી.એમ. (પોસ્ટમોર્ટમ) કરવામાં ડોક્ટરની આળસ જવાબદાર બની હતી. આ બેદરકારીની ફરિયાદ બાદ સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે અને જવાબદાર ડૉક્ટરો સામે પગલાંની માંગણી ઉઠી છે.
પી.જી.વી.સી.એલ.ના કર્મચારીને હાર્ટએટેકના પછી મૃત્યુ પછી તેમના મૃતદેહને વલ્લભીપુર આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો. જોકે, આ મૃતદેહનું સમયસર પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું નહોવાથી ડેડબોડીની સાથે-સાથે પરિવારને પણ રજડવાનો વારો આવ્યો હતો. અધિક્ષક ડૉક્ટરે મેડિકલ ઓફિસરને પી.એમ. માટે લાશ રજૂ કરવા અનેક વાર હુકમ આપ્યા હતા, પરંતુ મેડિકલ ઓફિસરે તેમના હુકમને પણ નજર અંદાજ કરી દીધો હતો. લાશને 8 કલાક સુધી હોસ્પિટલમાં જ રાખવામાં આવી જેનાથી પરિવારજનોમાં ભારે નારાજગી જોવા મળી હતી.
આ પણ વાંચો-Vadodara : ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ વધુ એક પુલ વાહનો માટે બંધ કરાયો, વાંચો વિગત
આ મામલે મીડિયાએ પ્રશ્નો પૂછતા મેડિકલ ઓફિસરે મીડિયા સાથે પણ અસભ્ય વર્તન કર્યું હતું. આ અંગે વધુ માહિતી મળી રહી છે કે, પોસ્ટ મોર્ટમ કરનાર ડૉ. આદિત્યરાજ સિંહ ગોહિલ વિરુદ્ધ દર્દીઓ સાથે ખરાબ વર્તનના આક્ષેપો પણ સામે આવ્યા છે, જેનાથી હોસ્પિટલની સેવાઓ પર સવાલો ઉઠ્યા છે.
પત્રકારના પ્રશ્ન ડોક્ટરના ઉડાઉ જવાબ
જ્યારે આઠ કલાક પછી પોસ્ટ મોર્ટમ ન કરાતા પત્રકાર દ્વારા ડોક્ટર આદિત્યરાજ સિંહ ગોહિલને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે બેદરકાર રીતે જવાબ આપતા કહ્યું કે, પોસ્ટ મોર્ટમ કરવું છે કે નહીં? તેના જવાબમાં પત્રકારે કહ્યું કે, પોસ્ટ મોર્ટમ તો કરવાનું જ હોય ને... તે પછી ડોક્ટરે કહ્યું કે, તો જવા દેશો કે નહીં? પત્રકારે કહ્યું, કોણ રોકે છે તમને, ડોક્ટરે કહી દીધું કે તમે.. પત્રકારે કહ્યું કે, ત્રણ વાગ્યનો મામલો છે, અત્યાર સુધી તમને કોણ રોકતું હતું. અમે તો અત્યારે પણ તમને રોકી રહ્યાં નથી, પરંતુ આઠ કલાક સુધી શું કરતાં હતા?
ત્રણ વાગ્યાનો મૃતદેહ પીએમ માટે આવ્યો છે, તે છતાં તમે પોસ્ટ મોર્ટમ કેમ કરતાં નથી? ડોક્ટર કહે છે કોણ ના પાડે છે? કોઈ ના પાડે છે? (પોસ્ટ મોર્ટમ કરવાનું) પત્રકાર કહે છે કે, તમે કર્યું નથી ને.. અત્યારે કેટલા વાગ્યા? તેના જવાબમાં ડોક્ટર કહે છે તે તમારો પ્રશ્ન છે.. આના જવાબમાં પત્રકાર કહે છે કે, મારૂ કામ જ છે પ્રશ્ન પૂછવાનું.. તો ડોક્ટર કહે છે કે તમે (મૃતક)ના શું થાઓ છો...પત્રકાર કહે છે કે, હું મીડિયામાંથી છું.. હું કોઈનો પણ સગો-વ્હાલો નથી.. તો ડોક્ટર કહે છે કે તો પછી તમારે શું લેવા-દેવા? પત્રકાર કહે છે કે તો પછી કોણે લેવા દેવા? હું મીડિયામાં છું અને તમે એક સરકારી અધિકારી છો તો તમને પ્રશ્ન પૂછવાનો મારો અધિકારી છે, તેનો જવાબ તમારે આપવો રહ્યો.. તે પછી ફરીથી ડોક્ટર કહે છે કે તમારો પ્રશ્ન શું છે તે કહોને... તો પ્રશ્ન તો તે જ હતો કે આઠ કલાક થઈ ગયા પછી પણ પોસ્ટ મોર્ટમ કેમ કર્યું નથી?
વલ્લભીપુર તાલુકા ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભાઈ ગુજરાતી
આમ ડોક્ટર પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી ન હોવા છતાં પત્રકારને પ્રશ્ન કરીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું.
આ અંગે વલ્લભીપુર તાલુકા ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભાઈ ગુજરાતીએ જણાવ્યું હતુ કે, મૃતદેહને રાતના ત્રણ વાગે લાવવામાં આવ્યો હતો. અધિક્ષક શાહ સાહેબે પણ પોસ્ટ મોર્ટમ માટે સૂચના આપી હતી, તે છતાં ડેપ્યુટેશનમાં આવેલા ડોક્ટર આદિત્યરાજ ગોહિલને કોઈ વાતને ધ્યાન ઉપર લીધી નહતી. નીતિન ભાઈ કહે છે કે, ડોક્ટરમાં કોઈ જ સેન્સ નહોય તેવું લાગ્યું હતુ કારણ કે કોઈ જ ઓપીડી કે બીજું કોઈ ઇમરજન્સી કે ન હોવા છતાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું નહતું.
આ ઘટનાની જાણ થતાં વલ્લભીપુર તાલુકા ભાજપના પૂર્વ શહેર પ્રમુખ સહિત સ્થાનિક આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. તેમણે જિલ્લા આરોગ્ય અધિકારીને લખિત ફરિયાદ નોંધાવી છે અને જવાબદાર ડૉક્ટરો સામે કડક પગલાંની માંગણી કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી ગંભીર બેદરકારી સામે કાર્યવાહી જરૂરી છે.
આ પણ વાંચો-Kutchની મતદાર યાદીમાં ગડબડ? ગાંધીધામથી માંડવી સુધી બોગસ મતદારોનો કૌભાંડ?
જિલ્લા આરોગ્ય અધિકારીએ આ મામલે તપાસની ખાતરી આપી છે, પરંતુ સ્થાનિકોની નારાજગી હજુ યથાવત છે. જો તપાસમાં બેદરકારી સાબિત થઈ તો સંબંધિત ડૉક્ટરો સામે કાનૂની કાર્યવાહીની સંભાવના છે. આ ઘટનાએ સરકારી આરોગ્ય કેન્દ્રોની સેવાઓની ગુણવત્તા અને સેવાઓ પર ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે.
ઉલ્લેખનિય છે કે, જ્યારે કોઈ પરિવારમાં વ્યક્તિનું મોત થાય છે, તો તેમના ઉપર પહેલાથી જ દુ:ખનું મોટું પહાડ તૂટ્યું પડ્યું હોય છે. તેવામાં ડોક્ટરો દ્વારા દાખવામાં આવતા અમાનવીય વર્તનના કારણે પરિવારોને વધારે ભોગવવાનું આવતું હોય છે. સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના દુ:ખને નજરઅંદાજ કરી દેવામાં આવી રહ્યું છે. સરકારી હોસ્પિટલોમાં કામ કરતાં ડોક્ટરો સહિત સ્ટાફની માનવતા મરી પરવારી હોય તેવા કિસ્સાઓ અવાનર-નવાર સામે આવતા હોય છે. ડોક્ટર આદિત્યરાજ સિંહ ગોહિલનું નામ પણ અમાનવીય વર્તન કરનારાઓમાં જોડાઈ ગયું છે.
આ પણ વાંચો-પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ : કોંગ્રેસ-બીજેપીની રાજનીતિમાં પિસાતો આદિવાસી સમાજ


