ભરૂચમાં નવરાત્રિના પ્રથમ નોરતે જ વરસાદ, ખેલૈયાઓમાં જોવા મળી ભારે નિરાશા
- ભરૂચ શહેરમાં નવરાત્રિના પ્રારંભથી જ વરસાદ
- ભરૂચના ગાંધી બજારમાં વરસાદી પાણી ભરાયા
- નવરાત્રીના પ્રથમ દિવસે જ મન મૂકીને મેહુલિયો વરસ્યો
ગુજરાતમાં નવરાત્રિ પર્વની આતુરતાથી રાહ જોવાતી હોય છે. આ વર્ષે નવરાત્રીના પ્રારંભમાં જ એટલે કે પ્રથમ નોરતામાં જ મેહુલિયો મન મૂકીને વરસ્યો છે. ભરૂચમાં નવરાત્રિનો પ્રારંભ વરસાદ સાથે થયો છે. ગરબાના તહેવારની ઉત્સવપૂર્વક રાહ જોઈ રહેલા ખેલૈયાઓમાં અને આયોજકોમાં વરસાદે નિરાશા ફેલાવી ગઇ છે. નવરાત્રિના પહેલા જ દિવસે જ્યારે લોકો ગરબે ઘૂમવા માટે તૈયાર હતા, ત્યારે જ મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરી છે. ભરૂચના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.
ભરૂચ શહેરમાં જળબંબાકારની સ્થિતિ
ભરૂચના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં, વરસાદી પાણી ભરાઈ ગયા છે. શહેરનું મુખ્ય બજાર ગણાતું ગાંધી બજાર પણ જળબંબાકાર બન્યું હતું, જેના કારણે વેપારીઓ અને ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે અનેક લોકો અટવાયા હતા.
ભરૂચ માં નવરાત્રિના પ્રારંભમાં જ વરસાદ
નવરાત્રિના આયોજકોએ વરસાદને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ સાથે ખેલૈયાઓએ પણ આશા રાખી હતી કે આ વર્ષે તેઓ મન ભરીને ગરબા રમશે, પરંતુ પ્રથમ દિવસે જ વરસાદે તેમની આ આશા પર પાણી ફેરવી દીધું છે.
હવામાન વિભાગે કરી આ આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં પણ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. જો વરસાદ આમ જ ચાલુ રહેશે તો આ વર્ષે નવરાત્રીનો રંગ ફિક્કો પડી શકે છે. આયોજકો અને ખેલૈયાઓ હવે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે અને આશા રાખી રહ્યા છે કે મેઘરાજા તેમને સાથ આપે જેથી ગરબાનો તહેવાર ફરીથી ધૂમધામથી ઉજવી શકાય. ભરૂચમાં નવરાત્રિના પ્રથમ દિવસનો વરસાદ એ માત્ર એક કુદરતી ઘટના નથી, પરંતુ તે શહેરના ઉત્સાહ અને ઉજવણી પર પણ અસર કરી રહી છે.
આ પણ વાંચો: Jamnagar : મનપાનાં 41 લાખ કોણ ચાંઉ કરી ગયું ? વિપક્ષનાં ગંભીર આરોપ, કાર્યવાહીની માગ


