Botad : રાણપુરમાં વરસાદને પગલે રોડ પર પાણી ભરાયું, કમર સુધી પાણી ભરાતા રહીશોનો ભારે હાલાકી
- બોટાદ જિલ્લાના રાણપુરમાં ભરાયા વરસાદી પાણી
- રાણપુરમાં ગઈકાલે પડેલા વરસાદને કારણે ભરાયા પાણી
- 12 કલાક વીતવા છતાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળ્યા
- હનુમંતપુરી, કૃષ્ણનગર, મદનીનગર સહિતના વિસ્તારોમાં પાણી
ગઈકાલે રાણપુરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, અને વરસાદે વિરામ લીધાના 12 કલાક જેટલો સમય વીતી જવા છતાં પરિસ્થિતિ યથાવત છે. હજુ પણ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા હોવાથી સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
હનુમંતપુરી, કૃષ્ણનગર, મદનીનગર સહિતના વિસ્તારોમાં પાણી
હનુમંતપૂરી, કૃષ્ણનગર, અને મદની નગર જેવા વિસ્તારોમાં પાણીનો ભરાવો સૌથી ગંભીર છે. આ વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા હોવાના કારણે અનેક ઘરોમાં પાણી પ્રવેશી ગયું છે. ચોમાસા દરમિયાન આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની જેમ આ વર્ષે પણ જોવા મળી રહી છે, જે સ્થાનિકો માટે કાયમી માથાનો દુખાવો બની ગઈ છે.
ઘરોમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરીને ભારે નુકસાન
જળભરાવને કારણે લોકોના રોજિંદા જીવન પર ગંભીર અસર પડી રહી છે. ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરીને નુકસાન થયું છે અને લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ ઉપરાંત, સૌથી ચિંતાજનક બાબત એ છે કે પાણી ભરાયેલા હોવાને કારણે ઈમરજન્સી સેવાઓ માટે પણ આ વિસ્તારોમાં વાહનો પ્રવેશી શકતા નથી. આના કારણે કોઈ મેડિકલ કે અન્ય કટોકટીની સ્થિતિમાં લોકોની મુશ્કેલી અનેકગણી વધી જાય છે.
કાયમી ઉકેલ લાવવા તંત્રને રજૂઆતો છતાં સ્થિતિ ઠેરની ઠેર
સ્થાનિક રહીશો દ્વારા આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી અને પ્રશ્ન "ઠેરનો ઠેર" રહ્યો છે. હાલમાં, પ્રભાવિત વિસ્તારોના લોકો તાત્કાલિક અસરથી પાણીના નિકાલ માટે તંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે, જેથી કરીને તેઓ સામાન્ય જીવન ફરી શરૂ કરી શકે. તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાનો વહેલી તકે કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી લોકો આશા રાખી રહ્યા છે.
તાત્કાલિક અસરથી લોકો પાણી નિકાલ માટે કરી રહ્યા છે માગ
રાણપુરના અનેક કોમન પ્લોટ અને પાણી નિકાલની જગ્યામાં ગેરકાયદેસર દબાણ થયા હોય તેવું પણ ગામ લોકો કહી રહ્યા છે ત્યારે પાણી નિકાલની જગ્યા નહિ હોવાને કારણે આ વિસ્તારમાં અવારનવાર પાણી ભરાતા હોવાની પણ રજૂઆત મળી ત્યારે હવે જોવાનું રહે છે કે આ વિસ્તારના પાણી ભરાવાના પ્રશ્નનો કાયમી ઉકેલ શું.
આ પણ વાંચોઃ Bhavnagar : જેસર તાલુકાના ગ્રામ્યના વિસ્તારમાં વરસાદ, ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક