Gujarat Rain : સૌરાષ્ટ્ર પંથકનાં અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ, જેસર તાલુકામાં 6 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો
- ભાવનગર જિલ્લાના મહુવા શહેર અને તાલુકા પંથકમાં ધોધમાર મેઘમહેર
- મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા નદી, નાળાઓ થયા પાણી પાણી
- મોટા ખુંટવડા, ગોરસ, બોરડી, કાળેલા, શાંતિનગર, સેદરડા, વાઘવદરડા સહિતના અનેક ગામોમાં ભારે વરસાદ
- ધોધમાર વરસાદ વરસતા ગામની શેરી મહોલ્લામાં વરસાદી પાણી ફરી વળ્યા
તળાજા તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ
ભાવનગરના તળાજા તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બોરડા, બોરડી, પસવી, પાદરગઢ સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગામના રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાયા હતા. લોકોના ઘરોમાં અને દુકાનમાં પણ વરસાદી પાણી ઘુસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. અવિરત વરસાદને લઈ જિલ્લાની મોટાભાગની નદીઓ બે કાંઠે થઈ હતી.
મહુવા શહેર અને તાલુકા પંથકમાં ધોધમાર મેઘમહેર
ભાવનગર જિલ્લાના મહુવા શહેર અને તાલુકા પંથકમાં ધોધમાર મેઘમહેર થવા પામી હતી. મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા નદી, નાળાઓમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. મોટા ખુંટવડા, ગોરસ, બોરડી, કાળેલા, સેદરડા, વાઘવદરડા સહિતના અનેક ગામોમાં ભારે વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા ગામની શેરી મહોલ્લામાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. મોટા ખુંટવડા પાસેથી પસાર થતી માલણ નદીનાં પુલ પરથી વરસાદી પાણી વહેતા થયા હતા. માલણ નદીના પુલ પરથી ધસમસતા પાણી વહી રહ્યાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસતા રસ્તાઓ પર ઢીચણ સમા પાણી વહેતા તયા હતા. વરસાદના પાણી ઘરો અને દુકાનોમાં ઘુસી જતા લોકોને ભારે હાલાકી વેઠવવી પડી હતી. ભારે વરસાદના કારણે નદીઓમાં વહેતુ પાણી ગામમાં ફરી વળ્યું હતું.
40 જેટલા બાળકોનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું
ભાવનગર મહુવાના તલગાજરડા સર્વોદય સ્કૂલના બાળકો નદીના કોઝવેમાં ફસાયા હતા. આસપાસના ગ્રામ્યમાં ભારે વરસાદના કારણે વરસાદના પાણી કોઝવે ઉપર ફરી વળ્યા હતા. બાળકો સ્કૂલમાંથી છૂટીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે સમયે બાળકો ફસાયા હતા. સર્વોદય સ્કૂલના 40 જેટલા બાળકો ધસમસતા પ્રવાહમાં ફસાયા હતા. ફસાયેલા બાળકોને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
કપરાડા અને ઉમરગામ માં વરસાદી માહોલ
વલસાડ જિલ્લાના કપરાડા અને ઉમરગામમાં વરસાદી માહોલ છવાઈ જવા પામ્યો હતો. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દૂધની વિસ્તારમા પણ વરસાદી માહોલ છવાયો હતો. નદી નાળા છલકાયા હતા. તેમજ કપકાડા વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ઉમરગામ વિસ્તારમાં પવન સાથે વરસાદથી વૃક્ષ પડ્યું હતું. ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
ખેડૂતોમાં ખુશીની લહેર
દહેગામમાં અસહ્ય ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. દહેગામમાં વરસાદી માહોલ જામ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી હતી. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
જુનાગઢમાં વરસાદી માહોલ
જુનાગઢ શહેરમાં સતત બે કલાક થી વરસાદ વરસી રહ્યો છે. જોશીપુરા તરફ જવાના અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાયા હતા. વહેલી સવારથી વરસી રહેલ વરસાદના કારણે પાણી ભરાયા હતા. અંડર બ્રિજમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. ગઈકાલ બપોર બાદ આજે જૂનાગઢમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો.
જેસર તાલુકામાં 6 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી છે. જેસર તાલુકામાં 6 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. પાલીતાણામાં સાતા 7 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી હતી. છેલ્લા 8 કલાકમાં રાજ્યના 101 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ગારિયાધારમાં 4 કલાકમાં 3 ઈંચ, શિહરમાં પોણા 3 ઈંચ, રાજુલા, સારવકુંડલામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેતપુરમાં 2 ઈંચ અને જૂનાગઢમાં પોણા 2 ઈંચ, ઉમરગામ, ઉના, ખાંભા, સુત્રાપાડામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. લીલીયા, ડોલવણ, ભેંસાણ, જાફરાબાદમાં સવા 1 ઈંચ વરસાદ પડ્યો હતો. છેલ્લા 2 કલાકમાં 79 તાલુકામાં નોંધયાત્ર વરસાદ પડ્યો હતો.
કપડવંજ શહેરમાં ધોધમાર વરસાદ
કપડવંજ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા ભડાકા તેમજ પવન સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ થતા વિસ્તારમાં ચોમાસાનો માહોલ સર્જાયો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વાતાવરણમાં ઠંડક ફેલાતા ગરમી અને બફારાને કારણે લોકો ત્રસ્ત બન્યા હતા.
ભરૂચ શહેરમાં વરસાદી માહોલ છવાયો
ભરૂચ શહેરમાં બપોરના સમયે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા ઠંડક પ્રસરી જવા પામી હતી. ભરૂચમાં ધોધમાર વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદ વરસતા અનેક લોકોએ સુરક્ષિત જગ્યા પકડી હતી.
અમરેલીના સાવરકુંડલામાં મેઘો મુશળધાર વરસ્યો
અમરેલીના સાવરકુંડલામાં મેઘો મુશળધાર વરસ્યો હતો. સાવરકુંડલાના ધોબા ગામે અનરાધાર વરસાદ ખાબક્યો હતો. ધોબા ગામે અનરાધાર વરસાદથી ગામમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ધોબા ગામમાં ગોઠણડૂબ વરસાદી પાણી ભરાયા હતા. ધોબા ગામમાં વરસાદી પાણીથી સ્થાનિકો પરેશાન થયા હતા. ધોબા ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આશરે 4 ઈંચ આસપાસ વરસાદ ખાબક્યો હતો.


