રાજકોટ : SGVP ગુરુકુળમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને હાર્ટએટેક આવતા મોત
છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરે હાર્ટએટેક આવવાના બનાવોમાં વધારો થયો છે. રાજકોટમાં SGVP ગુરુકુળમાં ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને હાર્ટએટેક આવતા મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થી સ્ટેજ પર સ્પીચ આપતા આપતા બેભાન થતા તેને તુરંત સારવાર માટે લઈ જવાયો હતો, જોકે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું.
મહત્વનું છે કે, રાજકોટની SGVP ગુરુકુળમાં ધોરણ 10 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્ટેજપર સ્પીચ આપતા આપતા બેભાન થયો હતો. ધોરણ 10 માં અભ્યાસ કરતો દેવાંશ વિંટુભાઈ ભાયાણી સ્પીચ આપતો હતો ત્યારે બેભાન થઈને ઢળી પડ્યો હતો. જે બાદ તેને બેભાન હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. હાલ મૃતદેહ PM માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.
આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે, માટે ઠેર ઠેર શાળા-કોલેજોમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજકોટ-ગોંડલ રોડ પર આવેલ રીબડા નજીક આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ કાર્યક્રમ શરૂ થતા પહેલા જ ખુશીનો માહોલ ગમમાં ફેરવાઈ ગયો છે. વિદ્યાર્થીઓ જ્યારે કાર્યક્રમની તૈયારી કરી રહ્યા હતા, દરમિયાન એક વિદ્યાર્થીને છાતીમાં દુખાવો ઉપડતા તે બેભાન થઇ ઢળી પડ્યો હતો. જેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે દેવાંશના પિતા વીંટુભાઈ ભાયાણી ધોરાજીમાં ભૂમિ પોલિમર પ્લાસ્ટિક પાઇપ બનાવવાનું કારખાનું ધરાવે છે અને આજે તેમનો એક નો એક દીકરો દેવાંશ અચાનક મૃત્યુ પામતા સમગ્ર ભાયાણી પરિવારમાં કુલદીપક સમાન પુત્ર ગુમાવવાનું દુઃખ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : ઉકાઇ ડેમના લેવલમાં પાણીનું અપડાઉન શરૂ થતાં જ તંત્રએ મોનીટરીંગ શરૂ કર્યું