Rajkot : આટકોટ દુષ્કર્મ આરોપીનો પોલીસ પર હુમલો, સ્વ-બચાવમાં ફાયરિંગ
Rajkot : રાજકોટ જિલ્લાના આટકોટમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના આરોપી રામસિંગ તેરસિંગ ડડવેજર વાળા પર પોલીસે સ્વ-બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું છે. આરોપીએ તપાસ દરમિયાન પોલીસ પાર્ટી પર લોખંડના તીક્ષ્ણ હથિયારથી (ધારિયા) હુમલો કર્યો હતો, જેમાં LCBના કર્મચારીને ઇજા પહોંચી હતી. પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કરીને આરોપીને રોક્યો, જેમાં તેના બંને પગમાં ગોળી વાગી છે.
આરોપીને આજે (10 ડિસેમ્બર) નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 15 ડિસેમ્બર 2025ના સાંજના 5 વાગ્યા સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન આરોપીએ ગુનામાં વપરાયેલ લોખંડનો સળિયો પોતાના ખેતરમાં ફેંકી દીધો હોવાનું જણાવ્યું. પોલીસ પાર્ટીએ સરકારી પંચો સાથે આરોપીને કાનપુર ગામની સીમમાં તેના વાડીએ લઈ જઈને મુદ્દામાલ કબજે કર્યો.
ત્યારબાદ આરોપીને તેના રહેઠાણ પર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે અચાનક લોખંડના ધારદાર હથિયારથી પોલીસ પાર્ટી પર હુમલો કર્યો. આ હુમલામાં LCBના કર્મચારી ધર્મેશભાઈ બાવળીયાને ડાબા હાથના બાવડાના ભાગે ગંભીર ઇજા થઈ. આરોપી અંધારાનો લાભ લઈને નાસી જાય અને વધુ ગંભીર બનાવ ન બને તે માટે પોલીસ અધિકારીએ સમયસૂચકતા દાખવીને સ્વ-બચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. આમાં આરોપીના બંને પગમાં ગોળી વાગી અને તે ઘાયલ થયો.
દુષ્કર્મનો નરાધમ ભાગવા જતા પોલીસે શિખવાડ્યો સબક!| Gujarat First
રાજકોટના આટકોટમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો કેસ
આટકોટ દુષ્કર્મ કેસના આરોપી પર 2 રાઉન્ડ ગોળીબાર
આરોપીએ હુમલો કરતા પોલીસે કર્યુ 2 રાઉન્ડ ફાયરિંગ
આરોપીએ ધારિયાથી હુમલો કરતા પોલીસે સ્વ બચાવમાં કર્યુ ફાયરિંગ… pic.twitter.com/7pioHYz9zS— Gujarat First (@GujaratFirst) December 10, 2025
ઘાયલ આરોપીને તુરંત KDP હોસ્પિટલ, આટકોટમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલુ છે. ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને પણ તે જ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પોલીસ પર હુમલા અને નાસી જવાના પ્રયાસની અલગ ફરિયાદ નોંધી છે.
આટકોટ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, “આરોપી પોલીસ કસ્ટડીમાં હતો અને તેના હાથમાં હથિયાર હતું. તેને રોકવા અને સ્વ-બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું. તપાસ ચાલુ છે અને પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે.” આ બનાવે આટકોટ વિસ્તારમાં ચર્ચા જગાવી છે.


