Rajkot : ત્રાકુડામાં પૂર્વ તલાટીએ સત્તાનો દુરુપયોગ કરી રૂ. 70 લાખનું કૌભાંડ કર્યુ, ફરિયાદ નોંધાઈ
- પૂર્વ તલાટી મંત્રી ધર્મેશ હાપલિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ
- વર્તમાન તલાટી ભાવેશ ઉદ્દેશીએ નોંધાવી ફરિયાદ
- સરકારી જમીન વેચીને કુલ રુ. 70 લાખની કમાણી કરી
- કૌભાંડમાં અસલ લેટરપેડ, સિક્કાનો ઉપયોગ કરાયો હતો
Rajkot : ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે પૂર્વ તલાટી મંત્રી ધર્મેશ હાપલિયા (Dharmesh Hapaliya) દ્વારા સરકારી જમીન વેચા મારવાના કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વર્તમાન તલાટી ભાવેશ ઉદેશી (Bhavesh Udeshi) એ ફરિયાદમાં પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયા દ્વારા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સરકારી જમીન બારોબાર વેચી નાખી હોવાનો આરોપ લગાવ્યો છે. પ્રતિ ચોરસ મીટર 1100 રુપિયા લેખે અંદાજિત 70 લાખ રૂપિયાની જમીન વેચી નાખવામાં આવી હોવાના કૌભાંડથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
સરકારી હોદ્દાનો દુરુપયોગ
ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પૂર્વ તલાટી મંત્રી ધર્મેશ હાપલિયા વિરુદ્ધ સરકારી હોદ્દાનો દુરઉપયોગ કરીને કૌભાંડ આચરવાની ફરિયાદ દાખલ થઈ છે. જેમાં વર્તમાન તલાટી ભાવેશ ઉદેશીએ જણાવ્યું છે કે, હું ત્રાકુડા ગ્રામ પંચાયત ખાતે તલાટી ક્રમ મંત્રી તરીકે તા-01-08-2024થી ફરજ બજાવું છું. મેં ત્રાકુડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો તે પહેલા ધર્મેશ હાપલિયા તલાટી કમ મંત્રી તરીકે ત્રાકુડા ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા હતા. ફરજ દરમ્યાન આરોપીએ સક્ષમ સનદી અધિકારીની કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વિના મનસ્વી રીતે ગામતળમાં જાહેર હરાજીની પ્રક્રિયા કર્યા વિના સરકારી જમીન વેચીને કુલ 70 લાખ રુપિયાની કમાણી કરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad : ઈસનપુરમાં લંપટ શિક્ષક પર પોક્સો કલમ લગાડી જેલભેગો કરાયો
કૌભાંડમાં અસલ લેટરપેડ, સિક્કાનો ઉપયોગ
ગોંડલમાં નકલી પંચાયત કચેરી ઊભી કરીને સરકારી જમીન પર પ્લોટિંગ કરીને સનદ આપી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી ત્યારે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર કૌભાંડમાં કાગળ પર પ્લોટિંગ દર્શાવી લોકોને છેતરવામાં આવ્યા હતા. કોઈને શંકા ન જાય તે માટે આરોપીઓએ પ્રતિ ચોરસ મીટરે રૂ. 300ની લાંચ પણ લીધી હતી. આટલું જ નહિ સમગ્ર કૌભાંડમાં અસલ લેટરપેડ, સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ તોલમાપ વિભાગના રાજ્યવ્યાપી દરોડા, 16 પેટ્રોલ-ડીઝલ પંપને ફટકારાયો દંડ


