Rajkot: ગોંડલમાં ભરણ પોષણના કેસ વચ્ચે કરૂણ અંત!, 6 વર્ષના વિવાદ બાદ યુવકે જીવન ટૂંકાવ્યું!, જાણો
- Rajkot: ગોંડલમાં સાસરિયાના ત્રાસથી એક યુવાને જીવન ટૂંકાવી લેતાં ચકચાર
- ગોંડલના ડેનિશભાઈ કાલરીયાએ સાસરિયા પક્ષના ત્રાસથી ઝેરી દવા પીધી !
- સુસાઇડ નોટમાં સાસરિયાઓ દ્વારા 50 લાખની માંગણીનો આરોપ
- દવા પીતા પહેલા કૌટુંબિક ભાઈને મોબાઈલ પર લોકેશન મોકલી જાણ કરી
- મૃતકની પત્ની રિસામણે છે અને 6 વર્ષથી ભરણ પોષણનો કેસ કોર્ટમાં ચાલુ
Rajkot:ગોંડલના નાગડકા રોડ પર આવેલી તિરૂમાલા રેસિડેન્સી (Tirumala Residency) માં રહેતા કાલરીયા ડેનિશભાઈ મનસુખલાલ નામના યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. કે યુવકે સાસરી પક્ષના લોકોના ત્રાસને કારણે આપઘાત કરી લીધો હોવાના આરોપ લાગ્યા છે. બીજી તરફ આ મામલે ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Rajkot: હોસ્પિટલ પહોંચે તે પહેલા જીવ ગયો
પ્રાથમિક માહિતી અનુસાર ડેનિશભાઈ(ઉં.વ. 45)એ અનિડા અને નાગડકા ગામ વચ્ચેના સીમ વિસ્તારમાં ઝેરી દવા પીધી હતી. દવા પીતા પહેલા તેમણે કૌટુંબિક ભાઈને મોબાઈલ પર લોકેશન મોકલ્યું હતું, જેના આધારે પરિવારજનો તેમને સાંજે 6 વાગ્યાથી શોધી રહ્યા હતા. આશરે બે કલાકની શોધખોળ બાદ, અનિડાના સીમ વિસ્તારમાં રહેતા મજૂરો તેમને બાઇક પર બેસાડીને અનિડા ગામ સુધી લઈને આવ્યા હતા. ત્યાંથી તેમને તાત્કાલિક સારવાર અર્થે ગોંડલની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
સુસાઇડ નોટમાં રૂ.50 લાખની માંગણીનો આરોપ
ઘટનાની જાણ થતાં જ Rajkot જીલ્લાની ગોંડલ તાલુકા પોલીસ (Gondal Taluka Police) તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી છે, જે 1 ડિસેમ્બરના રોજ લખાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સુસાઇડ નોટમાં મૃતક ડેનિશભાઈએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, સાસરિયા પક્ષના લોકોએ તેમની પાસે રૂ.50 લાખની જંગી રકમની માંગણી કરી હતી, જેના ત્રાસથી કંટાળીને તેઓ જીવન ટૂંકાવી રહ્યા છે. સુસાઇડ નોટમાં સાસરિયા પક્ષના અન્ય 5 લોકોના નામ પણ લખેલા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
કોર્ટમાં ભરણ પોષણનો કેસ ચાલુ
મૃતક ડેનિશભાઈની પત્ની છેલ્લા કેટલાક સમયથી રિસામણે છે અને તેઓના છૂટાછેડાના મામલે છેલ્લા 6 વર્ષથી ગોંડલ કોર્ટમાં ભરણ પોષણનો કેસ ચાલી રહ્યો છે. પોલીસે સુસાઇડ નોટ અને મૃતકના પરિવારજનોના નિવેદનોના આધારે સાસરિયા પક્ષના લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચોઃ Rajkot: પોલીસની કાર્યવાહીથી ડરી ગયો આટકોટ દુષ્કર્મનો આરોપી


