જેતપુરમાં ‘દીપડા’નો આતંક, ત્રણ વાછરડીનું મારણ કરતા પંથકમાં ફફડાટ
- જૂના રૂપાવટી રોડ પર ખારાપાટ વિસ્તારમાં બનાવ
- વન વિભાગે પંચનામું કરી દીપડાના સગડ મેળવ્યા
- દીપડો અને દીપડી બેલડીમાં ફરે છે, રાતવાસો કરતા ખેડૂતો અને શ્રમિકોમાં ભયનું લખલખું
- રાત્રિના સમયે ખેતરમાં પાણી વાળવું મુશ્કેલ બન્યું: તાત્કાલિક પાંજરું મુકવા પ્રબળ માંગ
Rajkot : જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના આંટાફેરા હવે સામાન્ય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. ગત મોડી રાત્રે શહેરને અડીને આવેલા જૂના રૂપાવટી રોડ પરના ખારાપાટ વિસ્તારમાં દીપડાએ તરખાટ મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. શિકારની શોધમાં આવેલ દીપડાએ એક વાડીમાં બાંધેલી ત્રણ વાછરડીઓનું મારણ કરતા પશુપાલકો અને ખેડૂતોમાં ભારે રોષ સાથે ભય ફેલાયો છે.
મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડ્યા
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, જેતપુરના જૂના રૂપાવટી રોડ પર ખારાપાટ તરીકે ઓળખાતા વિસ્તારમાં રમેશભાઈ વલ્લભભાઈ ખાચરિયાની વાડી આવેલી છે. રમેશભાઈએ જણાવ્યું કે, તેઓ રાત્રે 9 વાગ્યા સુધી વાડીએ હતા, તે દરમિયાન પશુઓ સુરક્ષિત હતા. પરંતુ રાત્રે 12 વાગ્યા બાદ કોઈ સમયે દીપડાએ વાડીમાં પ્રવેશ કર્યો અને શિકારને અંજામ આપ્યો હતો. આજે વહેલી સવારે 6 વાગ્યે જ્યારે તેઓ વાડીએ પહોંચ્યા ત્યારે સ્થળ પરના દ્રશ્યો જોઈને ચોંકી ઉઠ્યા હતા. તેમની નજર સામે વાડામાં બાંધેલી ત્રણ વાછરડીઓના મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા.
દીપડાના સગડ મળ્યા
ઘટનાની જાણ થતા આસપાસના ખેડૂતો એકઠા થઈ ગયા હતા, અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટના અધિકારીઓએ સ્થળ તપાસ કરતા ત્યાંથી દીપડાના પગલાં (સગડ) મળી આવ્યા હતા, જેથી આ કૃત્ય દીપડાનું જ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સ્પષ્ટ થયું હતું.
દીપડાની જોડી ફરતી હોવાનો ખેડૂતનો દાવો
આ અંગે બાજુની દળ વાડી વિસ્તારમાં રહેતા ખેડૂત મુકેશભાઈ પોપટભાઈ સખરેલીયાએ ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ડિલાઈટ કારખાના પાછળના ભાગમાં માત્ર એક દીપડો નહીં, પરંતુ દીપડો અને દીપડી એમ 'બેલડી' (જોડી) માં ફરે છે. તેમણે આજે જ આ વિસ્તારમાં તેના સગડ અને હિલચાલ જોઈ હોવાનો દાવો કર્યો હતો.
રાત્રે પિયત માટે જવું કેમ? ખેડૂતોની વ્યથા
ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, હાલ શિયાળુ પાકનું વાવેતર ચાલુ છે અને વીજળી રાત્રિના સમયે આવતી હોવાથી ખેડૂતોને મજબૂરીમાં પાણી વાળવા જવું પડે છે. તેમાંય ભૂંડ અને રોઝનો ત્રાસ હોવાથી રખોપા કરવા પણ રાત્રે જવું પડે છે. પરંતુ હવે દીપડાના આતંકને કારણે ખેડૂતો અને વાડીએ રહેતા મજૂર પરિવારોમાં જીવનું જોખમ ઉભું થયું છે. મજૂરો ભયના માર્યા કામ છોડવાની વાત કરી રહ્યા છે. આથી વન વિભાગ તાત્કાલિક અસરથી અહીં પાંજરૂ ગોઠવે તેવી માંગ ઉઠી છે.
અહેવાલ - હરેશ, જેતપુર-રાજકોટ
આ પણ વાંચો ------ Patan : કોંગ્રેસના આંતરિક યુદ્ધનો નવો અધ્યાય : ધારાસભ્ય કિરીટ પટેલના “નાચવાવાળા ધારાસભ્ય” કટાક્ષ પર લવિંગજી ઠાકોરનો જવાબ