Rajkot: માલીયાસણ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 1 બાળક સહિત 6ના મોત
- ટ્રક અને રિક્ષાના અકસ્માતમાં 5ના મોત
- 5 જેટલી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે
- રીક્ષામાં હજુ પણ બે લોકો ફસાયેલા
- સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી
રાજકોટના માલીયાસણ નજીક રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં 1 બાળક સહિત 6ના મોત નીપજ્યા છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃતકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા છે.
ટ્રક આવ્યો અને સીધો રીક્ષાને અથડાતા અકસ્માત સર્જાયો
અકસ્માતને નજરે જોનાર પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, હું મારી રેસ્ટોરન્ટ પરથી નીકળ્યો અને અહીં યુ-ટર્ન લેવા માટે મેં મારી કાર ઉભી રાખી હતી. ત્યારે મેં જોયું સામેથી આ ટ્રક 60-70ની સ્પીડે આવતો હતો. ત્યારે ટ્રકવાળાથી બ્રેક ના લાગી હોય તેવું મને લાગ્યું કેમ કે, મારી ગાડીની ડીકીએ અડીને એ ટ્રક ગયો અને સામે રીક્ષાને જઈ અથડાયો અને અકસ્માત સર્જાયો. રીક્ષામાં 6 લોકો હતા જેમાંથી 4 કે 5 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે એક બચી ગયો છે. અકસ્માત સર્જાતા અમે 10-15 વ્યક્તિ ભેગા થઈ ગયા અને ત્યાંથી ક્રેન લઈને પસાર થતાં સરદારજીએ નિસ્વાર્થ ભાવે મદદ કરવાનું કહી ટ્રકને ઉંચો કરી બચાવ કામગીરી હાથ ધરી હતી. એક જે ભાઈ બચી ગયો હતો તેને અમે બહાર કાઢી આશ્વાસન આપ્યું કે તમામ લોકો બચી ગયા છે અને હોસ્પિટલ લઈ ગયા છે. તેટલે તેમનો જીવ બચી ગયો નહીં તો તેમનું અકસ્માતના કારણે બેવાર અહીં હૃદય બેસી ગયું હોય તેવી હાલત થઈ ગઈ હતી.
છેલ્લા 6 થી 7 વર્ષથી અમદાવાદ-રાજકોટ હાઇવેનું કામ ચાલી રહ્યું છે
અમદાવાદ તરફથી પૂરપાટ ઝડપે ટ્રક આવી રહ્યો હતો અને રિક્ષા સાથે અથડાયો હતો જેને લઈને રિક્ષામાં સવાર છ લોકોના મોત થયા અને એક વ્યક્તિની હાલત ગંભીર છે. માતા-પુત્રી, પતિ-પત્ની સહિત એક જ પરિવારના છ લોકોના મોત થયા છે. પરિવાર લગ્નમાં જઈ રહ્યો હતો, મૃતકોમાં શારદાબેન નકુમ (ઉ.વ.60), યુવરાજ નકુમ (ઉ.વ.30), વેદાંશી સાગર સોલંકી (8 મહિના), નંદની સાગર સોલંકી (ઉ.વ.25), શીતલ યુવરાજ નકુમ (ઉ.વ.29), ભૂમિ રાજુ નકુમ (ઉ.વ.22)ના મોત નીપજ્યા. આનંદ સોલંકી (ઉં.વ.24) સારવાર હેઠળ છે. સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી પાંચ જેટલી 108 મોકલવામાં આવી. અકસ્માતને લીધે હાઇવે ઉપર 7 થી 8 કિમીનો ટ્રાફિક જામ સર્જાયો. અકસ્માત સ્થળે ડિવાઇડર હોવાથી અન્ય ટ્રકને બચાવવા જતા અકસ્માત સર્જાયો.


