રાજકોટ રૂરલ પોલીસને મળી સફળતા; મધ્યપ્રદેશથી ઘરફોડ ચોરી કરવા આવતી ગેંગને ઝડપી પાડી
- રાજકોટ રૂરલ પોલીસને મળી મોટી સફળતા, ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી
- મોટરસાયકલ ચોરી કરતા અને તે લઇને જ તેઓ ફરાર થઇ જતા
- ચોર ટોળકીએ રોકડ રૂપિયા,સોનાના દાગીના,મોબાઇલ ફોન
- ચોર ટોળકીનો એક વ્યક્તિ ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતો
રાજકોટ રૂરલ પોલીસે મધ્યપ્રદેશની ચોરી કરતી ગેંગને પકડી પાડી છે. ગ્રામ્ય વિસ્તારના વડ વાજડી ગામમાં ચોરીને અંજામ આપનાર આ ગેંગના એક સગીર સહિત ચાર શખ્સોને પોલીસે પકડીને ઘરફોડ ચોરીની ટોળકીને સકંજામાં લીધી છે.પોલીસ તપાસમાં આ ટોળકી મધ્યપ્રદેશથી માત્ર ચોરી કરવા આવતા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ રૂરલ પોલીસ હદમાં આવતા મેટોડા પોલીસ સ્ટેશન વિસ્તારના વડ વાજડી ગામમાં દોઢ મહિના પહેલા ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. ચોર ટોળકીએ રોકડ રૂપિયા,સોનાના દાગીના,મોબાઇલ ફોન અને બે મોટર સાયકલની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતુ. પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી દરમિયાન ચોરીમાં ગયેલો મોબાઇલ ફોન એક્ટિવ થયો હતો જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ મોબાઇલ ફોન મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં હોવાનું સામે આવ્યું હતું જેના આધારે પોલીસે ત્યાં તપાસ હાથ ધરી હતી.મધ્યપ્રદેશ પોલીસની મદદથી પોલીસે એક સગીર સહિત ચાર શખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે આ શખ્સો પાસેથી ચોરીમાં ગયેલા રોકડ અને સોનાનો ચેઇન,એક મોબાઇલ અને એક મોટરસાયકલ કબ્જે કર્યું છે. હવે ઓળખી લો આ ચોર ટોળકીને જેના નામ છે.
આ પણ વાંચો- Ahmedabad Crime Branch: ગાઝા પીડિતના નામે રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ!
પોલીસના કહેવા પ્રમાણે પકડાયેલા શખ્સો પૈકી જોહરૂ મોરબીના ટંકારામાં રહેતો હતો અને ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતો હતો. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર જોહરૂ છે જે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં રેકી કરતો હતો અને જો કોઇ સ્થળ અવાવરૂ અથવા તો જ્યાં ઓછી અવરજવર હોય તેવી જગ્યાને નિશાન બનાવતા હતા. આ ટોળકી બંધ મકાનને વધારે ટાર્ગેટ કરતા હતા અને ઘરમાં દરવાજાના નકૂચા તોડીને પ્રવેશ કરીને ત્યાંથી ચોરી કરીને ફરાર થઇ જતા હતા.
પોલીસના કહેવા પ્રમાણે ઘરફોડ ચોરી પહેલા અથવા ઘરમાંચોરી પછી તેઓ મોટરસાયકલ ચોરી કરતા અને તે લઇને જ તેઓ ફરાર થઇ જતા હતા પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સો ચોરી કરીને સીધા જ મઘ્યપ્રદેશ ભાગી જતા હતા અને ત્યાં એક સોની વેપારીને ચોરી કરેલું સોનું વેંચી દેતા હતા.પોલીસે આ સોની વેપારીની પણ શોધખોળ શરૂ કરી છે.
હાલ પોલીસે આ ટોળકીની પુછપરછ શરૂ કરી છે જ્યારે અન્ય એક આરોપી દિનેશ મસાનીયા ફરાર છે જેની પણ શોધખોળ શરૂ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે પકડેલા આ શખ્સો વિરુદ્ધ મધ્યપ્રદેશમાં અનેક ગુનાઓ નોંધાયા છે જેમાં જીતેન ચૌહાણ વિરુદ્ધ આઠ ગુનાઓ,જોહરૂ બામણીયા વિરુદ્ધ પાંચ ગુનાઓ જ્યારે મહેન્દ્રસિંહ વિરુદ્ધ ચાર ગુનાઓ નોંધાયા છે.તમામ ગુનાઓ લૂંટ અને ચોરીના છે જેને લઇને પોલીસે મધ્યપ્રદેશ પોલીસની મદદ લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે આ શખ્સોના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે ત્યારે જોવાનું રહેશે આ ટોળકીએ ગુજરાતમાં કેટલી ચોરીને અંજામ આપ્યો છે.
આ પણ વાંચો- ધરોઈ ડેમના દરવાજા ખોલાતા વડનગર પાસે સાબરમતી નદીમાં 6-7 લોકો ફસાયા; બચાવ કામગીરી ચાલું


