Rajkot : આ ટોલ પ્લાઝા પર વાહનોના ટોલ ચાર્જમાં 5 રૂપિયાનો ઘટાડો, લોલીપોપ
ટોલ પ્લાઝા ચાર્જ ઘટાડો : જેતપુરથી Rajkot સિક્સ લેનનું કામ ચાલુ હોવાથી આ રોડ પર આવતા પીઠડીયા અને ભરૂડી બંને ટોલ પ્લાઝા પર કોમર્શિયલ વાહનોના ટોલ ચાર્જમાં 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને 5 રૂપિયાનો ઘટાડો નહિ પરંતુ રોડનું કામ નિર્માણધીન હોય રસ્તા તૂટેલ હોવાથી જેતપુરથી રાજકોટ પહોંચતા 3 થી 4 કલાકનો સમય લાગતો હોય ટોલ ટેક્ષમાંથી સાવ મુક્તિ આપવાની માંગ કરી હતી.
જેતપુર રાજકોટ વચ્ચે 1204 કરોડ રૂપિયાના ખર્ચે સિક્સ લેન રોડનું કામ છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહ્યું છે. જેને કારણે ઠેરઠેર રોડ ખોદી નાખેલ અથવા તો તૂટેલ, ખાડા ખબળાની હાલતના રોડ થઈ ગયા છે. અને મોટા ભાગનો રોડ સીંગલ પટ્ટીનો સર્વિસ રોડ છે. એટલે દરરોજ ઠેરઠેર ટ્રાફિકજામના સર્જાય છે. જેતપુરથી રાજકોટ વચ્ચેનું 69 કિમીનું અંતર કાપતા 4 થી 5 કલાકનો સમય લાગે છે.
આ પણ વાંચો- Deesa : અપક્ષ કોર્પોરેટરના પુત્રએ ખંડણી માંગી કે કોન્ટ્રાક્ટરે રચ્યું ષડયંત્ર? પોલીસ આપશે જવાબ
Jetpur - Rajkot વચ્ચે ખરાબ રોડથી વાહન ચાલકો હેરાન
જેથી વાહન ચાલકોનું ઇંધણ અને સમય બંનેનો વેડફાટ થાય છે. રોડ પર વાહન ચલાવવામાં આટલી મુશ્કેલી હોય વાહન ચાલકો દ્વારા નો રોડ નો ટોલની ઘણા સમયથી માંગણી કરતા હતા. રાજકોટ, ગોંડલ વગેરે ગામોમાં ટોલ પ્લાઝા સામે ટોલ આંદોલનો પણ થયા છતાં નેશનલ હાઇવે ઓથોરિટી ટોલ ટેક્ષ નાબૂદ કે ભાવ ઘટાડો કરવા ટસનું મસ થતું ન હતું,
નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા 1 ઓકટોબરથી દેશભરના ટોલ પ્લાઝા પર ટોલ ચાર્જ ઘટાડવાની જાહેરાત કરતા રાજકોટ જેતપુર વચ્ચે આવતા પીઠડીયા અને ભરૂડી ટોલ પ્લાઝાએ કોમર્શિયલ વાહનોમાં પાંચ રૂપિયાનો ટોલ ચાર્જમાં ઘટાડો કર્યો હોવાનું જાહેર કર્યું છે. આ અંગે ટોલ પ્લાઝાના મેનેજર હસુદાન ગઢવી સાથે વાત કરતા તેઓએ જણાવેલ કે જેતપુરથી રાજકોટ વચ્ચે સિક્સ લેન રોડનું કામ ચાલુ હોવાથી બંને ટોલ પ્લાઝાએ પાંચ રૂપિયાનો કોમર્શિયલ વાહનોમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને આ ઘટાડો 1 ઓકટોબરથી લાગુ કરવામાં આવ્યો છે.
રોડ પરથી પસાર થતા વાહન ચાલકોની પ્રતિક્રિયા માટે ગુજરાત ફર્સ્ટ દ્વારા પીઠડીયા ટોલ પ્લાઝાએ પહોંચ્યું ત્યારે વાહન ચાલકોએ પાંચ રૂપિયા ઘટાડા સામે નારાજગી દર્શાવી હતી. જ્યાં સુધી સિક્સ લેન રોડ બનીને તૈયાર ન થઈ જાય ત્યાં સુધી ટોલ ચાર્જમાંથી મુક્તિની માંગ કરી હતી.
આ પણ વાંચો- જન આક્રોશ સભા : બિહારની મહિલાઓને દસ હજાર રૂપિયા તો ગુજરાતની મહિલાઓને કેમ નહીં?


