સમાજ માટે લાલબત્તી સમાન સમાચાર ; Mehsana જિલ્લામાં સગીર વયની 341 કિશોરીઓ ગર્ભવતી
- Mehsana માં શોકિંગ : 14 વર્ષની 2 બાળકીઓ પણ ગર્ભવતી – 341 સગીરાઓ મા બનવાની રાહે!
- ગુજરાતની બેટીઓનું બચપણ છીનવાઈ રહ્યું છે : માત્ર 9 મહિનામાં 341 બાળ ગર્ભાવસ્થા
- કડીમાં 88, મહેસાણામાં 80 : ગુજરાતના ગામડાઓમાં બાળ લગ્નનું રાક્ષસ જીવંત?
- સ્કૂલની યુનિફોર્મ પહેરવાની ઉંમરે મા બની રહી છે ગુજરાતની દીકરીઓ – 341 કેસ!
- ગુજરાતી સમાજ માટે લાલબત્તી : 13-17 વર્ષની 341 કિશોરીઓ ગર્ભવતી – બાળ લગ્નનો ખૌફનાક ચહેરો
Mehsana : ગુજરાતમાં બાળ લગ્નનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછું હોવા છતાં જિલ્લા વચ્ચેની અસમાનતા અને ગ્રામ્ય વિસ્તારોમાં ગુપ્ત પ્રથાઓને કારણે આ સમસ્યા હજુ પણ ચિંતાનો વિષય બની રહી છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5, 2019-21) અનુસાર, ગુજરાતમાં 18 વર્ષથી નાની ઉંમરે છોકરીઓના લગ્નનું પ્રમાણ 21.8% છે, જે ભારતના 23.3%ના સરેરાશ કરતાં ઓછું છે. જો કે, કેટલાક જિલ્લાઓમાં આ આંકડો 49% સુધી પહોંચે છે, જે રાજ્યના વિકાસના દાવાઓને પડકાર આપે છે.
Mehsana માંથી ચોંકાવનારા સમાચાર
હવે આ બાળ લગ્નના કારણે નાની બાળકીઓનું જીવન ધૂળધાણી થઈ રહ્યું છે. મહેસાણા જિલ્લા આરોગ્ય તરફથી ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. મહેસાણા જિલ્લામાં પાછલા 9 મહિનામાં જ 341 કિશોર બાળકીઓ ગર્ભવતી બની ગઈ છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઘનશ્યામ ગઢવીએ જણાવ્યું કે, મહેસાણા જિલ્લામાં એપ્રિલ 2025 થી ડિસેમ્બર 2025 સુધીમાં 341 સગીરાઓ ગર્ભવતી હોવાના આંકડા નોંધાયા છે. આ આંકડાઓ આશાવર્કર સહિતની ગામડાઓ સુધી પહોંચતી સરકારી કર્મચારીઓ દ્વારા નોંધવામાં આવ્યા છે.
બાળકીઓનું જીવન ધૂળધાણી
જ્યારે બીજી છોકરીઓ સ્કૂલની બેગ ઉપાડીને પોતાના સપનાંની દુનિયામાં દોડી રહી છે, ત્યારે મહેસાણાની 341 દીકરીઓના ખોળામાં બાળક આવવાની તૈયારી ચાલી રહી છે. એ પણ એવી ઉંમરે જ્યારે તેમને પોતાના શરીરની સંભાળ લેવી પણ ન આવડતી હોય. આ દીકરીઓની આંખોમાં હજુ રમકડાંની ચમક હોય છે, પણ તેમના પેટમાં બીજું જીવન ધબકી રહ્યું છે.
આ દીકરીઓના હાથમાં હજુ પુસ્તકોના બદલે બાળકની બોટલ આવી ગઈ છે. આ દીકરીઓના ખોળામાં હજુ ડોલના બદલે જીવતું બાળક આવી ગયું છે. આ દીકરીઓનું બચપણ ચાર દિવસના લગ્નગીતોમાં ખતમ થઈ ગયું છે. સમાજના કુરિવાજોના કારણે માતા-પિતા જ પોતાની દિકરીનું જીવન છીનવી રહ્યાં છે. રમવા-કૂદવાની ઉંમરમાં બાળકીઓના લગ્ન કરીને તેમનું જીવન દોહીલું બનાવવામાં આવી રહ્યું છે.
આરોગ્ય વિભાગે આપી ચોંકાવનારી માહિતી
ડૉ ઘનશ્યામ ગઢવીએ જણાવ્યું કે, આ તમામ કિશોરીઓનું જિલ્લા આરોગ્ય તરફથી ખુબ જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જેથી તેમને કોઈ તકલીફ પડે નહીં. વધુમાં તેમણે જણાવ્યું કે, જો જરૂરિયાત જણાય તો અમે સરકારી કાયદાઓ અને ધારાધોરણ પ્રમાણે એબોર્સન પણ કરવામાં આવતું હોય છે. જો બાળકીના જીવને જોખમ હોય તેવા કિસ્સામાં કાયદા પ્રમાણે બાળકીનું એર્બોર્શન કરાવવામાં આવતું હોય છે. આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ સગીરાના સ્વાસ્થ્ય માટેની પણ સતત ચકાસણી કરવામાં આવી રહી છે. 13 થી 17 વર્ષની નાની વયે ગર્ભધારણના કિસ્સાઓ સમાજ માટે લાલબત્તી સમાન છે. સમાજે પોતાની બાળકીઓની સારસંભાળ રાખીને તેમના યોગ્ય ઉંમરે લગ્ન કરવા જોઈએ.
તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, મહેસાણા જિલ્લામાં 14 વર્ષની 2, 15 વર્ષની 34, 16 વર્ષની 76, 17 વર્ષની 229 કિશોરીઓ ગર્ભવતી છે. આમ 13 થી 17 વર્ષની કુલ 341 કિશોરીઓ ગર્ભવતી હોવાના આંકડા મળી રહ્યાં છે. સૌથી વધુ કડીમાં 88 અને મહેસાણામાં 80 સગીરાઓ ગર્ભવતી છે.
આ ઉપરાંત ખેરાલુ 19, વડનગર -24, ઉંઝા- 20, વિસનગર-26 અને વિજાપુરમાં 28 કિશોરીઓ ગર્ભવતી હોવાના આંકડા સામે આવી રહ્યાં છે.
આ પણ વાંચો- ગુજરાતમાં ગૌચરની ગંભીર કટોકટી : 2.7 કરોડ પશુઓ માટે માત્ર 20% જમીન, માલધારી મહિલાઓનું આંતરરાષ્ટ્રીય સંમેલન


